Entertainment

‘બધો ખેલ વાર્તાનો છે.’: છેલ્લો શો

ઓસ્કારમાં આ વર્ષે ભારતીય ફિલ્મોનું પ્રતિનિધિત્વ કરતી લેખક – દિગ્દર્શક પાન નલિનની ‘છેલ્લો શૉ’ ફિલ્મના એન્ડ ક્રેડિટ સુરતના એક થિયેટરમાં ચાલી રહ્યા છે. ડિરેક્ટર, એક્ટર, કેમેરામેન, પ્રોડક્શન, સંગીતની ટીમના નામ થિએટરના પડદે દેખાય છે. અચાનક એક હાથનો શેડો (છાયા) પડદા પર દેખાય છે, તે સ્ક્રીન પર રમી રહ્યો છે. ક્ષણેક પછી મગજમાં બત્તી થતાં પાછળ જોઉં છું, મારી પાછળ બેઠેલું બાળક સીટ પર ચડીને પ્રોજેક્ટર રૂમમાંથી આવતા પ્રકાશના શેરડા સાથે રમી રહ્યું છે. ફિલ્મનો કથાનાયક 10 વર્ષનો સમય પણ ફિલ્મમાં પ્રકાશ સાથે થિએટરમાં આ જ રમત કરે છે. આ રમત મારી પાછળ બેઠેલા બાળકને કરતા જોઈ મારો ફિલ્મ જોવાનો આનંદ સો ગણો થાય છે. મારી પાછળ બેઠેલા બાળકનું નામ હતું આદિત્ય . આદિત્ય સાથે મને ફિલ્મ અનહદ ગમી છે તેનું મુખ્ય કારણ ફિલ્મના પાત્રોની નિર્દોષતા ને જિજ્ઞાસા. તે ફક્ત અડી નથી જતી, અમારા તાર રણઝણાવે છે. દિવસો પછી હજીય હું વાર્તાનાયક સમયની વિસ્ફારિત આંખોથી જાણે જગત જોઈ રહ્યો છું.

‘છેલ્લો શૉ’ ફિલ્મના બે મુખ્ય સુર છે. જીજ્ઞાશા અને પેશન. અવનવા નુસખાઓથી વાર્તાનાયક- સમય પોતાના મિત્રોને સતત નવી નવી વાર્તાઓ કહેતો રહે છે. સાધનોનો અભાવ તેને નડતો નથી, ‘જુગાડ’ કરીને એટલે કે ભંગારમાંથી તે કામચલાઉ પ્રોજેક્ટર ઉભું કરે છે. અને વાર્તા કહેવાનું ચાલુ રાખે છે. ‘બધો ખેલ વાર્તાનો છે. ભવિષ્યના બધા માલિકો વાર્તાકારો છે.’ આ સંવાદ પ્રોજેક્શનિસ્ટ અને સમયનો મેન્ટર – ગુરુ ફઝલ બોલે છે. તે સંવાદ ફક્ત સંવાદ ન રહેતા ભવિષ્યવાણી બની રહે છે. શરૂઆતમાં માચીસના બોક્સની ઉપર આવતા ચિત્રોથી સમય વાર્તા કરે છે પાછળથી તેનું સ્થાન ચોરેલી ફિલ્મ સ્લાઈડ અને ફિલ્મની આખે આખી પટ્ટી લે છે. પોતાના પેશન પાછળ આદુ ખાઈને માંડ્યા રહેવું તે ફિલ્મનું મુખ્ય થીમ બને છે.

ફિલ્મ ગુજરાતી છે પણ જગતના અનેક દેશોના પ્રેક્ષકોને ગમી છે. કારણ તેની કથા યુનિવર્સલ છે. તેના પાત્રો અને કથા મૂળથી જોડાયેલા છે. ફિલ્મનું દરેક પાત્ર સપનાનું ન લાગતાં બાજુના ગામનું જ લાગે છે. તેની ભૂમિ કાઠિયાવાડ- એટલે કે અમરેલી અને તેના બાજુના ગામમાં આકાર પામે છે. તેમાં ઘણી ગુજરાતી ફિલ્મોમાં હોય તેવા ગરબા નથી છતાંય ફિલ્મ ગુજરાતી છે. કારણ તેમાં સમયની માએ બનાવેલ રવૈયા, ભરેલા ભીંડા, દાળ ઢોકળી ની અને બીજા ગુજરાતી ભાણા – મસાલાની સુગંધ ભળી છે. જે બહુ પોતીકી લાગે છે. ફિલ્મની વાર્તા સમય થકી ખુલે છે. મોટાભાગની વાર્તામાં હોય છે એમ ફિલ્મની વાર્તામાં ત્રણ પડાવ છે.

પહેલા અંક (એક્ટ ) માં સમયને ફિલ્મ જોવાનો ચસ્કો લાગે છે. સમય પોતાના મેન્ટર ફઝલની મદદથી થિયેટરના પ્રોજેક્શન રૂમમાં ફિલ્મના કેન (ડબ્બા) ને, ફિલ્મની પટ્ટીઓને, અને તેમાંથી પ્રગટતા જગતને જુએ છે. તે પોતાના મિત્રોને ચોરેલી ફિલ્મની પટ્ટીઓમમાં દેખાતી આ નવા જગતની વાર્તાઓ કરે છે તે ફિલ્મનો બીજો એક્ટ બને છે. ત્રીજા એક્ટની શરૂઆતમાં સંઘર્ષ ઉભો થાય છે, તેનું મૂળ ફિલ્મ પ્રોજેક્ટરનું સ્થાન ડિજિટલ પ્રોજેક્ટર લે છે અને અગણિત ફિલ્મના કેન, ફિલ્મની પટ્ટીઓ ભંગારમાં ઠલવાય છે તે બને છે. અહીં ફિલ્મ અટકત તો ફિલ્મ ટ્રેજેડી બનત પણ તે સિનેમાનો ઉત્સવ કઈ રીતે બને છે તે જોવા ફિલ્મ થિયેટરમાં જ જોવી રહી.

ફિલ્મ દૃશ્યોથી બને છે. તે કોને નથી ખબર ? પણ એ દૃશ્યો તમને અચંભિત કરી દે, તમારો જ પ્રદેશ તમે નવી રીતે જોવા માંડો તે દિગ્દર્શકની કમાલ છે. લોંગશોટમાં ક્ષિતિજને અડોઅડ ટ્રેન ડાબેથી જમણે જતી હોય અને તે ફિલ્મની પટ્ટી જેવી લાગે, ગુજરાતી ભાણાના શોટ તમને લુખાળવા કરી દે તેને માટે દિગ્દર્શક પેન નલિન, સિનેમેટોગ્રાફેર સ્વપ્નિલ સોનવાલેની સાથે સાથે પ્રોડક્શન ડિઝાઈનર – પેન નલિનને પણ સલામ ભરવી પડે. ટ્રેનનો ડબ્બો કઈ રીતે પિન હોલ કેમેરા બની શકે છે, ડબ્બાની અંદર બહારના દૃશ્યો કઈ રીતે ઝીલાય છે તે જાદુ જોવા ફિલ્મ જ જોવી રહી.

ગેલેક્સી થીયેટરની અંદર દિગ્દર્શક ફેન્ટેસી લેન્ડ ઊભું કરે છે તેમાં પ્રોડક્શન ડિઝાઇન અને કેમરા મહત્વનો રોલ અદા કરે છે. ફિલ્મના પટ્ટીઓ પર સમય કુદે છે ત્યારે પ્રેક્ષક તરીકે હું પણ કુદું છું, એનાલોગ ફિલ્મના, રીલના જગતમાં. ફિલ્મપટ્ટીઓની સુગંધમાં તરબતર થાઉં છું. તેનું મુખ્ય કારણ શોટ ડિઝાઇન છે. લંબચોરસ પૂઠું કેમેરાના વ્યૂફાઈન્ડરની ભ્રમણા ઉભી કરે, સ્થિર શોટ ગતિમાન લાગવા માંડે, આવા અનેક પ્રયોગો ચમત્કૃતિ ન રહેતા વાર્તાને ગતિ આપવામાં, ફિલ્મનું પોત ઘડવામાં મદદરૂપ થાય છે. ફિલ્મનું પોત એક કુશળ વણકરે તૈયાર કર્યું હોય, તેની દરેક ફ્રેમ સિદ્ધહસ્ત ચિત્રકારે તૈયાર કરીને તેમાં રંગો ભર્યાં હોય તેવું લાગ્યા વિના રહેતું નથી. રંગોથી ડિરેક્ટર ઘણું બધુંકહે છે. લેન્સની ફ્લેરથી , રંગોથી ફિલ્મના લોકેશન મિથિકલ લાગે છે, પણ આ મીથ આપણી પોતીકી લાગે છે ને કે બૉલીવુડ કે હોલીવુડ ફિલ્મની સ્વપ્નસૃષ્ટિ જેવી.

‘છેલ્લો શૉ ના બાળ કલાકારોએ કાબિલેદાદ અભિનય કર્યો છે. અભિનય કર્યો જ નથી જાણે , તેઓ કેમરા સામે સ્વાભાવિક રહી શક્યા છે. ક્યાં કશુંક નાટકીય લાગતું નથી, બધાજ બાળ કલાકારો નોન એક્ટર છે હોવા છતાં તેમણે લાંબી છલાંગ ભરી છે. ફિલ્મના સંવાદ થોડાક ખુંચે એવા થયા છે, ક્યાંક બાળકો ન બોલે તેવી ભાષા બોલાઈ છે. અદાકારો કાઠિયાવાડી લહેકો ક્યાંક પકડી શક્યા છે, ક્યાંક છુટી ગયો છે તેને કારણે એક ગુજરાતી તરીકે ફિલ્મ જોતા ક્યાંક વિક્ષેપ થાય પણ તેને કારણે રસભંગ થતો નથી કારણ ફિલ્મના વિઝયુઅલ બહુ જ પાવરફૂલ છે.

છેલ્લો શો ‘મારો રોમાન્સ ફિલ્મ સાથે શરુ થયો તે દાબડી ખોલી આપે છે અને હું અનેક યાદો, ફિલ્મના રીલની સુગંધથી, વાર્તાઓથી તરબતર થાઉં છું ફરી પાછું તે મને ભાન કરાવે છે સરળ વાર્તા સમસ્ત જગતને સ્પર્શે છે. પેન નલિને ફિલ્મ દ્વારા અનેક ફિલ્મમેકારોને, કલાકારોને અંજલિ આપી છે, ખાસ કરીને ફિલ્મના બે પાત્રો – સમય અને પ્રોજેક્શનિસ્ટ દ્વારા તોરાતોરની ‘સિનેમા પેરાડિસો’ ને સુંદર અંજલિ આપી છે. કારણ બંને ફિલ્મની કથાનો તંતુ એક છે અને નલિને છેલ્લા શૉ નું પોસ્ટર પણ ‘સિનેમા પેરાડિસો ના પોસ્ટર જેવું જ બનાવ્યું છે.

આધ્યાત્મિકતા, પેશન, પ્રેમ તેમના ફિલ્મોમાં વારંવાર આવતા વિષયો છે. ડોક્યુમેટ્રી, શોર્ટ ફિલ્મ અને ફીચર ફિલ્મમાં નવા નવા વિષયોથી છેક 1991થી કામા કરતા આવ્યા છે. છેલ્લા શૉ થી પોતાના બાળપણની કથા તરફ પાછા વળ્યાં છે. આ ફિલ્મ ફક્ત ફિલ્મકારો માટેની ફિલ્મ ન રહેતા જોનાર દરેક પ્રેક્ષકની બની શકી છે જેનામાં હજી બાળક જીવતો છે. તેજ ફિલ્મનો મોટામાં મોટો એવોર્ડ છે. સિનેમાના આ મેજિકને જોવા જરૂર પહોંચો, હું ને આદિત્ય પણ તમને ક્યાંક સમય સાથે વાતો કરતા મળીશું. •

Most Popular

To Top