Charchapatra

વાત એક અજગરની

એક અજગર સુથારના ઘરમાં ઘુસ્યો. સુથારના ઘરમાં સુથારી કામના ઓજારો તો હોય જ. ઘરમાં આમ તેમ ફરતા ફરતા અજગર એક ખૂણામાં પહોંચ્યો અને ત્યાં સુથારે પોતાની લાકડા કાપવાની કરવત ધાર કાઢીને મૂકી હતી. અજગર ધારદાર કરવતની ઉપરથી પસાર થયો અને કરવતની ધારને લીધે તેના શરીર પર કાપો પડ્યો અને જરાક લોહી નીકળ્યું અને સ્વભાવવશ અજગરે તરત જ વળતો હુમલો કર્યો અને કરવતને બચકું ભર્યું. હવે ધારદાર કરવતને બચકું ભરતાં, કરવત પર તો અજગરના બચકાની કે ઝેરની ક્યાં કોઈ અસર થવાની હતી, પણ હા અજગરને કરવતની ધારને લીધે મોઢામાં ઘણું વાગ્યું અને બહુ લોહી વહેવા લાગ્યું. અજગરને લાગ્યું દુશ્મન જોરાવર છે અને તેની પર હુમલો કરી રહ્યો છે, એટલે અજગરે પોતાની દુશ્મનને હરાવવાની આગવી રીત પ્રમાણે દુશ્મન કરવતની આજુબાજુ ભરડો લેવાની શરૂઆત કરી.

અજગર કરવતની ફરતે ગોળ ગોળ વીંટળાવા લાગ્યો અને તેને કરવતની ધાર વાગતી ગઈ, લોહી નીકળવા લાગ્યું પણ તે કઈ સમજ્યો નહિ અને દુશ્મન જોરાવર છે અને હુમલો કરી રહ્યો છે તેમ સમજી દુશ્મનને વધુ ભીંસમાં લઇ તેનો શ્વાસ રૂંધી નાખવા અજગરે પોતાની બધી તાકાત વાપરી, જોર કરી કરવતની આજુબાજુની પોતાની ભીંસ એકદમ વધારી અને પરિણામ એ આવ્યું કે કરવતને તો કઈ ન થયું, પણ કરવતની ધારને લીધે અજગરના ટૂકડા થઇ ગયા અને તેને જાન ગુમાવ્યો. કારણ અજગરનો કઈ પણ સમજ્યા વિનાનો ગુસ્સો. હું દુશ્મનને ભીંસીને મારી નાખીશનું અભિમાન તેને મૃત્યુ તરફ ખેંચી ગયું.

આપણે માણસો પણ ઘણીવાર જીવનમાં આ અજગર જેવું મૂર્ખતાભર્યા અભિમાન અને ગુસ્સાથી ભરેલું વર્તન કરતા હોઈએ છીએ અને તેનું મુખ્ય કારણ છે આપણું અભિમાન, આપણો ક્રોધ. અમુક સંજોગોમાં બીજાને વધુ નુકસાન પહોંચાડવાની લાહ્યમાં આપણે આપણી જાતને અનેકગણું વધારે નુકસાન પહોંચાડીએ છીએ. અમુક સંજોગો આપણી પહોંચ અને ક્ષમતાની બહાર હોય છે ત્યારે તે સંજોગોમાં સમતા જાળવી તે સંજોગો સાથે લડવા કરતા સ્વીકારી દૂરથી નમસ્કાર કરી નીકળી જવું હિતાવહ હોય છે. જો આપણા ક્રોધને અને લડી ઝઘડીને પોતાની વાત ખરી કરવાની કે પોતાની સર્વોપરિતા સાબિત કરવાની વૃત્તિ પર કાબૂ રાખીએ તો ઘણા ઝઘડા અને તેને લીધે પોતાની જાતને થતાં નુકસાનથી બચી શકાય છે. ક્રોધને કારણે ઘણીવાર વાત એટલી વધી જાય છે કે તેને કારણે પોતાની જાતને કે સંબંધોને થયેલ નુકસાનની ભરપાઈ થઇ શકતી નથી, અટકાવી શકાતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top