Charchapatra

ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો

માત્ર સ્ત્રી હોવાના નાતે, એટલે કે લિંગભેદના કારણસર થતી સ્ત્રીહત્યા (fermicide) વિરોધી કાનૂન પસાર કરવા માટે ઈટાલીમાં સરકાર પર વિરોધપક્ષે તેમજ વિવિધ સંગઠનો દ્વારા માગણી કરવામાં આવતી હતી. ઈટાલી સંસદે આખરે તે કાનૂન પસાર કરીને લિંગભેદ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ભારતમાં ભૃણહત્યા વિરોધી કાનૂન 1994 થી અમલમાં છે પરંતુ તે કાયદાના નબળા અમલના કારણે ભૃણ હત્યા કરવા માટેની હાટડીઓ ધમધમે છે. દેશમાં 21મી સદીમાં યુવતીએ અન્ય નાત કે વિધર્મી યુવક સાથે લગ્ન કરેલ હોવાના કારણસર તેણીની હત્યા કરવામાં આવે છે. તેના પર પ્રતિબંધ લગાવવાનો કાનૂન આપણા દેશમાં નથી. ઈટાલીની જેમ ભારતમાં પણ આવો કાનૂન જરૂરી છે. અલબત્ત, તેના અમલની અસરકારકતાનો પ્રશ્ન રહેશે જ.
બનાસકાંઠા- અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સોનમ વાંગચુકની મુક્તિ ક્યારે?
પ્રયોગશીલ શિક્ષક, ઉત્તમ સંશોધક અને પર્યાવરણપ્રેમી લદાખી શ્રી સોનમ વાંગચુકને લેહમાં થયેલ હિંસક તોફાન માટે સીધેસીધા જવાબદાર ઠેરવી તેમની ૨૬ સપ્ટેમ્બરના રોજ NSA હેઠળ ધરપકડ કરવામાં આવી. યાદ રહે, આ તોફાન પહેલાં સોનમ અને તેમનાં સાથીદારોએ તેમની કેટલીક માંગણીઓ માટે ગાંધીચિંધ્યા માર્ગે પાંચ વર્ષ સુધી આંદોલન, ઉપવાસ તેમજ દિલ્હી સુધી શાંતિકૂચ કરી સરકારને હલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અકળ કારણોસર સરકારના પેટનું પાણી હાલ્યું નહોતું. સોનમની મુક્તિ માટે તેમનાં પત્નીએ સર્વોચ્ચ ન્યાયાલયમાં ધા નાંખી છે. દેખીતી રીતે અસ્પષ્ટ અને ઉપજાવી કાઢેલાં કારણો હેઠળ સોનમ જેવા ઉમદા વ્યક્તિની NSA જેવાં કડક કાનૂન હેઠળ ધરપકડ એ લોકશાહી મૂલ્યો પર કુઠારાઘાત સમાન હોઈ તેમની તાકીદે મુક્તિ થવી આવશ્યક છે.
કમલેશ આર. મોદી છાપરા રોડ, નવસારી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top