Gujarat

ઈટાલિયા-સોરઠિયા ભાજપની B ટીમ છે : રાજુ કરપડા

જ્યાં સુધી ગોપાલ ઈટાલિયા છે ત્યાં સુધી AAP આગળ નહીં આવે. અમને એક સારો વકીલ પણ ના આપી શક્યા. અમે જેલમાં જ રહીએ એવા પ્રયાસ કર્યા. ગઇકાલે રાજીનામું આપ્યા બાદ આજે(12 ફેબ્રુઆરી) AAPના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાને ભાજપની B ટીમ ગણાવતાં રાજકીય હડકંપ મચ્યો છે.

રાજુ કરપડા આટલેથી નહોતા અટક્યા, તેમણે ત્યાં સુધી કહી દીધું કે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એ માટે કામ કરી રહ્યા છે.

તો સામે પક્ષે ગોપાલ ઈટાલિયાએ પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે રાજુ કરપડા પર 3 કેસ છે એટલે તેઓ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે બોલ્યા છે. જેલમાં જવાની બીકે ખેડૂતોની બલી ચઢાવી દીધી છે. રાજુ કરપડાને જેલમાં કયા IPS મળ્યા અને ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા બંગલામાં મળ્યા તેની પણ વિગત મારી પાસે છે.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે મજબૂત યૌદ્ધાએ અમારો સાથ છોડ્યો એનું દુ:ખ છે. પાર્ટીમાં આપેલા યોગદાન બદલ હું તેમનો અને તેમના પરિવારનો પણ આભાર માનું છું. અત્યારસુધી તેમના શબ્દોનો પ્રભાવ પડતો હતો, પણ આજે ચહેરો જોઈને લાચાર લાગ્યા. મેં તેમની પ્રેસ- કોન્ફરન્સ જોવાનું પણ ટાળ્યું છે.

રાજુભાઈએ એક વાત છુપાવી છે. તેમના પર ત્રણ કેસ છે, 326 જાનથી મારી નાખવાના કેસ છે. ટાંટિયા તોડવાના કેસમાં સજા પડી ગઈ હતી ત્યારે પાર્ટીમાં હતા અને અમે કહ્યું હતું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જાનથી મારી નાખવાના કેસની કોર્ટમાં આજે તારીખ છે અને આખરી નિર્ણય લેવાનો હતો.

નવસારી ભાજપમાં વધુ 3ના રાજીનામા

નવસારી જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત બાદ પક્ષમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં કાર્યકરોની અવગણના થઈ હોવાની લાગણી સાથે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે આજે વધુ ત્રણ હોદ્દેદારોએ પોતાના રાજીનામાં સુપરત કર્યા છે.

આજે રાજીનામું આપનારાઓમાં જલાલપોર તાલુકાના મહામંત્રી કેતનભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલ તેમજ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રોશનીબેન પટેલનો સમાવેશ થાય છે. આ હોદ્દેદારોએ જિલ્લા સંગઠનના માળખામાં મહામંત્રીનો હોદ્દો ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા બે દિવસમાં કુલ સાત હોદ્દેદારોએ પક્ષના પદ પરથી રાજીનામાં આપ્યા છે. અગાઉ, નવનિયુક્ત જિલ્લા ઉપપ્રમુખ અશોક ભગુભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠન મંત્રી ચેતના પટેલે રાજીનામાં આપ્યા હતા.

રાજીનામું આપનાર કેતન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘અમે જિલ્લામાં ભાજપને મજબૂત કરવા માટે સખત મહેનત કરી છે. જલાલપોરના કાર્યકરોએ દરેક ચૂંટણીમાં પક્ષ માટે તનતોડ પ્રયાસો કર્યા છે, પરંતુ નવા માળખામાં જલાલપોરના એક પણ કાર્યકરને પ્રમુખ કે મહામંત્રીનો હોદ્દો અપાયો નથી. આ અન્યાય સામે અમારો વિરોધ છે. અમે હોદ્દા છોડી રહ્યા છીએ, પરંતુ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા રહીશું.’ લાંબા સમયથી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય આર.સી. પટેલે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ સાથે ટેલિફોનિક વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું.

હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અંગત કામ અર્થે બહાર હોવાથી, તેઓ પરત ફરે ત્યારે હજુ વધુ રાજીનામાં પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પક્ષમાં પડેલું આ ગાબડું ભાજપ હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય બન્યું છે.

મને ફસાવવાનો પ્રયાસ થયો, સારા વકીલ પણ નહીં રાખ્યા

અમદાવાદ: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ આજે સનસનીખેજ આક્ષેપો કરતાં જણાવ્યું કે પ્રદેશ આપના કેટલાક નેતાઓ તેમને જેલમાં રાખવા માંગતા હતા અને તેમને બહાર કાઢવા માટે પાર્ટી તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નહોતા.

રાજુ કરપડાએ દાવો કર્યો કે, હું જેલમાં રહું તેવા પ્રયાસો પાર્ટીના કેટલાક નેતાઓ કરી રહ્યા હતા. મારા પરિવાર દ્વારા જાણ કરવા છતાં મને છોડાવવા માટે સારા વકીલો પણ રાખવામાં આવ્યા નહોતા. તેમણે કહ્યું કે જેલ દરમિયાન પક્ષ તરફથી કોઈ નેતા મળવા આવ્યો નહોતો અને પરિવારજનોને પણ મર્યાદિત મુલાકાતની જ મંજૂરી મળતી હતી.

રાજુ કરપડાએ જણાવ્યું કે તેમણે પાર્ટીને મજબૂત બનાવવા માટે પરિવાર અને બાળકો કરતાં વધુ સમય આપ્યો હતો. વિસાવદર વિધાનસભા ચૂંટણી દરમિયાન ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. તેમ છતાં જેલમાં ગયા પછી પાર્ટીનો અનુભવ કડવો રહ્યો છે. પોતાના ઉપર જેલમાં જવાનો ડર હોવાના આક્ષેપો ખોટા છે. મને જેલનો કોઈ ડર નથી. હું ખેડૂતોના પ્રશ્ને લડતો રહીશ, એમ તેમણે સ્પષ્ટ કર્યું હતુ.

હવે તેઓ બિન રાજકીય રીતે ખેડૂતોના પ્રશ્નો માટે લડત ચાલુ રાખશે. ખેડૂતોના હિતમાં જો સત્તાધારી પક્ષ સકારાત્મક પગલાં લેશે તો તેમની સાથે બેસીને વાતચીત કરવા પણ તૈયાર છું, એમ તેમણે ઉમેર્યું.

રાજુ કરપડા દબાણ હેઠળ નિવેદનો આપે છે : ઇટાલિયા

આમ આદમી પાર્ટીમાં રાજીનામા બાદ શરૂ થયેલું રાજકીય ઘમાસણ વધુ ઉગ્ર બન્યું છે. રાજુ કરપડાના આક્ષેપો સામે આપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ તીખો પ્રહાર કરતા કહ્યું કે કરપડાના તાજેતરના નિવેદનોમાં કોઈ તાકાત નહોતી અને તે દબાણ હેઠળ આપવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે. અમારી સાથે હતા ત્યારે તેમના શબ્દોમાં તાકાત હતી, પરંતુ આજે તેમના ચહેરા પર નૂર નહોતું. કંઈક ખોટું કરવાનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. લડાયક યોદ્ધા જેવો માણસ આજે લાચાર લાગે છે. રાજુ કરપડાના ચહેરા પર જેલમાં જવાનો ડર સ્પષ્ટ જણાતો હતો. તેમના નિવેદનો સ્ક્રિપ્ટ મુજબ હતા. જો સ્ક્રિપ્ટ પ્રમાણે ન બોલે તો કંઈ પણ થઈ શકે તેમ હતું, એમ ઇટાલીયાએ આક્ષેપ કર્યો.

રાજુ કરપડા સામે કુલ ત્રણ કેસ છે, જેમાં એક કેસમાં પાંચ વર્ષની સજા થઈ ચૂકી છે, જ્યારે અન્ય બે કેસમાં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં અંતિમ નિર્ણય આવવાનો હતો. આ પરિસ્થિતિમાં ભાજપ તરફથી દબાણ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. પાર્ટી ઉપર રાજકીય આરોપો લગાવ્યા, પરંતુ પાર્ટી કેમ છોડી તેની સ્પષ્ટતા કરી નથી, એમ કહી ગોપાલ ઇટાલીયાએ કરપડાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

Most Popular

To Top