Editorial

સરકાર હવે પેટ્રોલ-ડીઝલ પરનો વેરો થોડો ઘટાડે તો સારું

કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાંથી રૂ. ૯૪૧૮૧ કરોડની આવક મેળવી છે અને ઇંધણો પરના વિક્રમી વેરાઓના કારણે અગાઉના નાણાકીય વર્ષ કરતા ૮૮ ટકા વધુ આવક મેળવી છે એ મુજબ લોકસભાને હાલમાં આપવામાં આવી. સરકાર પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણો પર ઘણા મોટા પ્રમાણમાં વેરા વસૂલે છે અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવો ખૂબ નીચા ગયા હતા ત્યારે પણ પેટ્રોલ-ડીઝલ પર એકસાઇઝ ડ્યુટી ખૂબ વધારી દઇને તેણે પ્રજાને સસ્તા ઇંધણનો લાભ આપ્યો ન હતો એવા આક્ષેપો થાય છે, આની સામે સરકાર કહે છે કે કોવિડના રોગચાળા સામે લડવા માટે તેને વધુ નાણાની જરૂર છે તેથી હાલ ડ્યુટી નહીં ઘટાડી શકાય.

ગયા વર્ષે રોગચાળાને કારણે માંગ ખૂબ ઘટી જતા ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતો ઘણા વર્ષના નીચા સ્તરે પહોંચી ગયા બાદ સરકારે ઘટેલી કિંમતો પર વધુ વેરો મેળવવા પેટ્રોલ પરની એકસાઇઝ ડ્યુટી લિટરે રૂ. ૧૯.૯૮ પરથી વધારીને રૂ. ૩૨.૯૦ કરી હતી જ્યારે ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટી પ્રતિ લિટર રૂ. ૧૫.૮૩ પરથી વધારીને રૂ. ૩૧.૮૦ કરવામાં આવી હતી આના કારણે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝની વસૂલાત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧(ગત નાણાકીય વર્ષ)માં ડયુટીની વસૂલાત વધીને રૂ. ૩.૩૫ લાખ કરોડ થઇ હતીી જે એક વર્ષ પહેલા રૂ. ૧.૭૮ લાખ કરોડ હતી એમ પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું હતું.

આ વસૂલાત એના કરતા પણ વધારે ઉંચી હોત પણ લોકડાઉનના કારણે તથા અન્ય નિયંત્રણોને કારણે ઇંધણની માગ ઘટતા આવક થોડી ઘટી હતી. એપ્રિલથી શરૂ થતા હાલના નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રણ માસમાં (એપ્રિલથી જૂન) પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટીની આવક રૂ. ૯૪૧૮૧ કરોડ થઇ હતી. જો કે અન્ય પેટ્રો પેદાશો જેવી કે એટીએફ અને નેચરલ ગેસ પરની એકસાઈઝ ડ્યુટી પણ ધ્યાનમાં લેતા એપ્રિલ-જૂનમાં એકસાઈઝ ડયુટીની આવક રૂ. ૧.૦૧ લાખ કરોડ થઇ હતી.

આપણે જોઇ શકીએ છીએ કે સરકારે પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંઘણો પરની ડ્યુટીમાંથી ખાસ્સી કમાણી કરી છે. સરકાર આ નાણા રોગચાળા સામે લડવા ખર્ચતી હોય તો સારી વાત છે પરંતુ ઇંધણોમાં, અને તેમાં પણ ખાસ કરીને ડીઝલના ભાવોમાં રાહત મળે તે હવે મોંઘવારીને નાથવા માટે પણ જરૂરી બન્યું છે. પ્રજા હિતમાં બીજી રીતે પણ વિચારીને સરકાર આ ઇંધણો પરનો વેરો થોડો ઘટાડે અને પ્રજાને કંઇક રાહત આપે તે હવે જરૂરી બન્યું છે.

પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇટ ડ્યુટી ઉપરાંત રાજ્ય સરકારોના સ્થાનિક વેરાઓ પણ લાગે છે. કેટલીક રાજય સરકારો પણ ખૂબ ઉંચા દરે આ વેરાઓ લાગુ પાડે છે તેથી આ ઇંધણોના ભાવો આ રાજ્યોમાં વધુ ઉંચા રહે છે. કેન્દ્ર અને રાજય સરકારો સહમતિથી અને સહકારથી પોત પોતાના આ વેરાઓ થોડા પ્રમાણમાં પણ ઘટાડે તો પ્રજાજનોને મોટી રાહત થઇ શકે તેમ છે પરંતુ કેન્દ્ર કે રાજ્યો – બંનેમાંથી કોઇ પણ પોતાની વેરાની આવકમાં ઘટાડો થાય તે માટે તૈયાર નથી. પેટ્રોલ, ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો આ બંને ઇંધણોના ભાવો નોંધપાત્ર ઘટી શકે તેમ છે અને આ બાબતની અનેક માગણીઓ અને ચર્ચાઓ થઇ ચુકી છે પરંતુ આ ઇંધણોને જીએસટી હેઠળ લાવવામાં આવતા નથી કારણ કે તેનાથી કેન્દ્રને એક્સાઇઝ ડ્યુટીની અને રાજ્યોને સ્થાનિક વેરાઓની મોટી આવક ગુમાવવી પડે તેમ છે. વ્યાપક વપરાશના આ બંને ઇંઘણોને હાલ ભલે જીએસટી હેઠળ નહીં મૂકવામાં આવે પરંતુ આ બંને ઇંધણો પરના વેરાઓ થોડા ઘટાડવામાં આવે તો પણ પ્રજાજનોને મોટી રાહત થઇ શકે તેમ છે.

Most Popular

To Top