Comments

સ્વચ્છતા અભિયાનની શરૂઆત શિક્ષણ વિભાગથી થાય તો સારું!

“પાન સોપારી અને પૈસો મુકો” દરેક પગલે પાન સોપારી અને પૈસો મુકતા જાવ”. સમાજમાં ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં ઘણી વાર આવનારા મહેમાનનું સ્વાગત આમ પગલે પગલે પૈસો મુકીને થાય. અબીલગુલાલ અને રૂપિયા ઉડાડીને થાય એવી પરમ્પરાઓ છે. સ્ત્રીને સીમંતના પ્રસંગે પણ પગલા ભરાવે ત્યારે પગલે પગલે પૈસો મુકાવે પણ આ બધામાં આનંદ હોય, સ્વેચ્છા હોય, સમજણ હોય અને માત્ર પ્રતિકાત્મકતા હોય. ક્યાંય દાદાગીરી, દબાણ અને કામ રોકી દેવાની લુખ્ખાઈ ના હોય પણ સમાજમાં ઓછું થતું જતું ચલણ હવે સરકારમાં વિવિધ વિભાગોમાં વધતું જાય છે. જેમ કે શિક્ષણ વિભાગ.

વાત કડવી છે પણ સત્ય છે અને આમ તો છેલ્લા ઘણા સમયથી વિવિધ આદેશો અને વિભગના ભ્રષ્ટ કર્મચારીઓના અન્યાય ને મૂંગેમોઢે સહન કરતા શિક્ષકો હવે બોલતા થયા છે. તાજેતરમાં જ શાળામાં હાજર કરવા બાબતે વ્યવહાર કરવા કહેતા લોકો સામે શિક્ષકોએ જાહેરમાં ફરિયાદ કરી છે. આવું જ ઉચ્ચ શિક્ષણમાં સળંગ નોકરી ગણવાના પરિપત્ર માટે રૂપિયા માંગવાની વાત પણ શિક્ષણમંત્રી સુધી પહોચી છે. સારી વાત એ છે કે સરકારમાં ઉચ્ચ સત્તાવાળાએ આ વાત ગંભીરતાથી લીધી છે અને દલાલો થોડા સમય માટે ધીમા પડ્યા છે. પણ આ વાત કાયમ માટે જ રોકાવી જોઈએ અને સરકારે આ માટે ગંભીરતા પૂર્વક પગલા લેવા ઘટે. જોગાનુંજોગ અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલુ થયું છે. આ ગાંધીજયંતિ એ સરકાર સ્વચ્છતા અભિયાનની શરૂઆત શિક્ષણ વિભાગમાંથી કરે તો સારું. આ વાત એટલા માટે લખવી પડે છે કારણ કે ઉપરા ઉપરી બે ત્રણ ઘટનાઓ સામે આવી છે. ફરિયાદો થઇ છે. 

સરકારશ્રીએ રાજ્યના તમામ સહાયક વર્ગના અને પાંચ વર્ષ ફિક્સ પાગ્રમાં કામ કરતા કર્મચારીઓના નોકરીના વર્ષ સળંગ ગણવાનો નિર્ણય કર્યો પછી ક્રમસ બધા જ વિભાગે નોકરી સળંગ ગણવાનના પરિપત્રો કર્યા પણ લાંબા સમય સુધી કોલેજોના અધ્યાપક સહાયકની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાના પરિપત્ર થયા નહિ. જોકે એમાં ટેકનીકલ કારણ હતું અને યુજીસીના નિયમો પાળવાના હોવાથી અન્ય કર્મચારીઓની જેમ આમાં સરળતાથી પત્ર થઇ શકે તેમ ના હતો.

થોડી વાર લાગી તો એમ પણ કેટલાક તક સાધુઓ વ્યવહાર કરવો પડશેના કાવતરા કરવા લાગ્યા. એતો મંત્રીશ્રી સુધી ફરિયાદ પહોચી અને કડક આદેશો છુટ્યા બાકી એટલે વાત ધીમી પડી ગઈ  બાકી એમ પણ ખેલ થયો હોત.! આમ તો આ દેશમાં લાંચ આપવી અને લેવી બન્ને ગુનો ગણાય છે પણ આ એકાદ સ્વચ્છતા સપ્તાહ દરમિયાન માત્ર લાંચ લેનારા ગુનેગાર ગણાશે એવું જાહેર કરો તો મજબુરીથી અને હારી થાકીને લાંચ આપતા નાના કર્મચારીઓ આપો આપ ફરિયાદ કરતા થઇ જશે.

વિચારો કર્મચારીને પાંચ વર્ષ પુરા થાય ત્યારે ફાઈલ માટે વ્યવહાર, પછી એરીયર્સ માટે વ્યવહાર, પછી હાયર સ્કેલની માન્યતા માટે, પછી એના એરીયર્સ માટે, કહેવાય છે કે શિક્ષકો પરદેશ જાય ત્યારે તેમના પગાર રોકી દેવાય છે પાછા આવે ત્યારે તેનું બિલ બને છે. હવે આ બીલ મંજૂર કરવમાં પણ લેવાદેવા થાય છે. મતલબ પગલે પગલે પાન મૂકવાનું. કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે જીપીએફની ચુકવણી સીધી જ જમા થાય છે. ગ્રેજ્યુઇતિ પણ જમા થાય છે પેન્શન ખાતું ઝડપથી કામ કરે છે. પણ રજાનો પગાર કે કાગળિયા તૈયાર કરનારા તો નિવૃત્ત કર્મચારી પાસે પણ આશા રાખે છે, તે દુખદ છે.

સરકારને વિનંતી કે હવે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આટલી વિકસી છે અને પાગર સહિત તમામ બાબતોનું ડીજીટલાઇજેશન થયું છે તો કર્મચારીને ડાયરેક્ટ પેમેન્ટની જ સુવિધા કરી દો. દરેક બાબતમાં મંજુરી અને સ્ટીકર અને કામ વગરના કાગળિયાંની ફાઈલોની ઝંઝટ જ દૂર કરી દો. વળી કર્મચારીની જવાબદારી નક્કી કરી દો. ફાઈલને મોડું થાય કે ચુકવણી ના થાય તો જે તે ટેબલ જવાબદાર ગણાય. પછી જૂઓ કર્મચારી સામેથી કામ કરતો થઇ જશે.

છેલ્લે એક વાત, વારેવારે સરકાર અને ઓફિસનો વાંક કાઢવા સાથે વર્તમાન કર્મચારી મંડળના આગેવાનો એ પણ આત્મનિરીક્ષણ કરવા જેવું છે અને તે એ કે શિક્ષક, અધ્યાપક કે કર્મચારી મંડળોના આગેવાનો એ આ ખાતાકીય ભ્રષ્ટાચાર દુર કરવા ક્યાં પગલા લીધા? ક્યાંક તો આ આગેવાનો જ વચેટિયાનું કામ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે.

સામાન્ય જનતા હવે બધી કચેરીમાં સીસીટીવી કેમેરા લગાડવાની વાત કરી રહી છે એટલે તે જોઈ શકે કે “અમારાવાલા” કેટલા આમાં સામેલ છે. પાનમસાલા કે ચાપાણીનાં વ્યવહારથી શરુ થયેલો સિરસ્તો હવે ટકા મુજબ લેતીદેતીમાં પહોચ્યો છે. આ રોકવું રહ્યું.  સ્વચ્છતા અભિયાનમાં આંતરિક શુદ્ધિનો પણ સમાવેશ કરીએ અને શિક્ષણ એ સમાજ ઘડતરનું ક્ષેત્ર છે. માટે શુદ્ધિકરણની શરૂઆત આ ખાતાથી થાય તો સારું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top