Columns

પાકિસ્તાન શિમલા કરારનો ત્યાગ કરે તે ભારત માટે ફાયદાકારક જ હશે

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.આ નિર્ણયોમાં રાજદ્વારી મિશન ટૂંકાં કરવા અને અટારી સરહદ બંધ કરવા ઉપરાંત સૌથી મોટો નિર્ણય સિંધુ જળ સંધિ મુલતવી રાખવાનો હતો.જવાબમાં પાકિસ્તાને પણ ભારત વિરુદ્ધ ઘણા નિર્ણયો લીધા છે. તે મુજબ ભારત હવે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી શકશે નહીં. આ ઉપરાંત, પાકિસ્તાને ૧૯૭૨ના શિમલા કરારને સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

ઘણાં પાકિસ્તાનીઓ કહી રહ્યાં છે કે તેનાથી તેમને ફાયદો થશે.તેમની દલીલ છે કે શિમલા કરાર પાકિસ્તાનને કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરતાં અટકાવતો હતો, પરંતુ હવે પાકિસ્તાન કોઈ પણ રાજદ્વારી જવાબદારી વિના દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવશે.પાકિસ્તાની વિશ્લેષકો કહે છે કે શિમલા કરારમાંથી બહાર નીકળ્યા પછી પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય મિડિયામાં પણ કાશ્મીરનો મુદ્દો જોરશોરથી ઉઠાવી શકે છે. આ પરિસ્થિતિમાં આ વિવાદને સમજવા માટે શિમલા કરારની વિસ્તૃત માહિતી મેળવવી જરૂરી છે.

૧૯૭૨માં જુલાઈના પહેલા અઠવાડિયામાં પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પાકિસ્તાનના ૭૩,૦૦૦ યુદ્ધકેદીઓ ભારતના કબજામાં હતા, જેમાં ૪૫,૦૦૦ લશ્કરી અથવા અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનો સમાવેશ થતો હતો.તદુપરાંત પશ્ચિમ પાકિસ્તાનનો લગભગ ૫,૦૦૦ ચોરસ માઇલ વિસ્તાર ભારતીય કબજા હેઠળ હતો.આ પૃષ્ઠભૂમિમાં ભારતીય વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો શિમલામાં મળી રહ્યાં હતાં. અહીં વાટાઘાટો પછી જે કરાર થયો તેને શિમલા કરાર કહેવામાં આવ્યો હતો.

આ કરારના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાની તારીખ ૨ જુલાઈ ૧૯૭૨ નોંધાયેલી છે, જ્યારે વાસ્તવમાં આ દસ્તાવેજ પર ૩ જુલાઈની સવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ એક ઔપચારિક કરાર હતો, જેને બંને દેશો વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના શાંતિપૂર્ણ સમાધાનને આગળ વધારવામાં શિમલા કરારની પણ ખાસ ભૂમિકા હોવાનું માનવામાં આવતું હતું.

૧૯૭૧ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પછી, પૂર્વ પાકિસ્તાન બાંગ્લા દેશ તરીકે સ્વતંત્ર દેશ બન્યું હતું. બંને દેશોએ પરસ્પર સંમતિથી શાંતિપૂર્ણ રીતે વાતચીત દ્વારા તેમના મતભેદોનો ઉકેલ લાવવા માટે સંમતિ વ્યક્ત કરી હતી.પાકિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ એવી હતી કે પાકિસ્તાનમાં કોઈ બંધારણ નહોતું. ૧૯૭૦ની સામાન્ય ચૂંટણીઓમાં ચૂંટાયેલી રાષ્ટ્રીય સભાની સરકારના ભવિષ્ય વિશે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નહોતું. ચૂંટણી હારનારા પક્ષો ચૂંટણી રદ કરવાની માંગ કરી રહ્યા હતા.દરમિયાન, ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી એક વિજયી દેશનાં નેતા તરીકે ભારતનાં લોકોમાં સૌથી વધુ લોકપ્રિય નેતા બની ગયાં હતાં.

આવી સ્થિતિમાં પાકિસ્તાનને મોટો પાઠ ભણાવવાની યોજનાની ચર્ચા થઈ રહી હતી અને ઘણાં અખબારો કહી રહ્યાં હતાં કે પરાજિત પાકિસ્તાન ઉપર ભારતની શરતો અનુસાર કાશ્મીર સહિત તમામ વિવાદોનો કાયમી ઉકેલ લાવવા માટે દબાણ કરવું જોઈએ.પૂર્વ પાકિસ્તાનમાં શરણાગતિ પછી પાકિસ્તાની સેનામાં અશાંતિ વધી ગઈ હતી અને પકડાયેલા સૈનિકોને મુક્ત કરવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો.ઇન્દિરા ગાંધી પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા તૈયાર ન હતાં. પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ રશિયાની મુલાકાત લીધી હતી અને રશિયા દ્વારા ભારત પર વાતચીત શરૂ કરવાનું દબાણ લાવ્યા હતા. ઘણા રાજદ્વારી પ્રયાસો પછી ઇન્દિરા ગાંધી પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા સંમત થયાં હતાં. પરિણામે જે કરાર કરવામાં આવ્યો તે ભારત માટે નુકસાનકારક હતો.

શિમલા કરાર અને ત્યાર બાદના દિલ્હી કરારથી પાકિસ્તાનને જે જોઈતું હતું તે મળી ગયું હતું. ભારતીય સેના દ્વારા કબજે કરાયેલો પાકિસ્તાનનો બધો પ્રદેશ તેને પાછો સોંપવામાં આવ્યો હતો અને હાલના બાંગ્લા દેશમાં નરસંહારના આરોપો માટે કેસ ચલાવ્યા વિના તમામ પાકિસ્તાની સેનાના અધિકારીઓને પાકિસ્તાનમાં સુરક્ષિત પરત ફરવાની રજા આપવામાં આવી હતી. શિમલા કરારમાં પાકિસ્તાન દ્વારા દાખલ કરાયેલ પ્રથમ ફકરો નંબર ૧.૧ જણાવે છે કે યુનોના ચાર્ટરના નિયમો અને હેતુઓ બંને દેશો વચ્ચેના સંબંધોની પ્રકૃતિ અને વાટાઘાટોની દિશા નક્કી કરશે.

ફકરા ૧.૫ (૬) પછી કહે છે કે યુનોના ઠરાવ અનુસાર તેઓ બળનો ઉપયોગ કરવાથી દૂર રહેશે.સૌથી ચતુરાઈભરી વાત ફકરા નં. ૪.૧ માં છે, જે જણાવે છે કે ૧૭ ડિસેમ્બર ૧૯૭૧ ના યુદ્ધવિરામના પરિણામે બંને પક્ષો દ્વારા LoC (નિયંત્રણ રેખા) નું સન્માન કરવામાં આવશે.પાકિસ્તાનનો અભિગમ એવો હતો કે કાશ્મીરનો આખો વિસ્તાર વિવાદિત છે અને યુનોના ઠરાવો હેઠળનો મુદ્દો લોકમત દ્વારા ઉકેલવો જોઈએ.બીજી રસપ્રદ વાત એ છે કે વેપાર, મુસાફરી, સંદેશાવ્યવહાર અને રાજદ્વારી મિશન પણ ફરીથી ખોલવા માટે કે અન્ય કોઈ જોગવાઈ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નહોતી, પરંતુ પાકિસ્તાની પ્રદેશમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવા માટેના કરારના અમલ માટે માત્ર ત્રીસ દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો.

ભારતની ઇચ્છાઓથી વિપરીત શિમલા કરાર થયો તે પાકિસ્તાન માટે અપેક્ષા કરતાં વધુ ફાયદાકારક રહ્યો હતો. આ કરાર હેઠળ પાકિસ્તાનની ૫ હજાર ચોરસ માઇલ જમીન જે ભારતના કબજા હેઠળ હતી તે ૧૯૭૨ના વર્ષના અંત સુધીમાં પરત કરવામાં આવી હતી.ભુટ્ટોએ બાંગ્લા દેશને માન્યતા આપ્યા વિના અથવા યુદ્ધ અપરાધો માટે પાકિસ્તાની સૈનિકો પર કાર્યવાહી કરવા સંમત થયા વિના ભારત પાસેથી શાંતિનું વચન મેળવ્યું હતું.

આ કરારથી ભારતમાંથી પાકિસ્તાની યુદ્ધકેદીઓને મુક્ત કરવાનો માર્ગ મોકળો થયો હતો.પાકિસ્તાનના વિશ્લેષકોના મતે શિમલા કરાર બંને દેશોને સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો અને નિયમો અનુસાર શાંતિપૂર્ણ માધ્યમો અને વાટાઘાટો દ્વારા દ્વિપક્ષીય રીતે તેમના વિવાદોનો ઉકેલ લાવવાની ફરજ પાડે છે. આ સંદર્ભમાં, ભારત દ્વારા ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ વિવાદિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરના બંધારણીય દરજ્જામાં ફેરફાર એકપક્ષીય પગલું છે જે શિમલા કરારનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.

શિમલા કરાર દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા વિવાદોના ઉકેલ પર ભાર મૂકે છે. આ કલમનું અર્થઘટન કરતાં ભારત એવું તારણ કાઢે છે કે દ્વિપક્ષીય વાટાઘાટોનો અર્થ એવો થાય છે કે બંને દેશો વચ્ચેના વિવાદોના ઉકેલમાં સંયુક્ત રાષ્ટ્ર સહિત અન્ય કોઈ પક્ષ, કોઈ ભૂમિકા ભજવતું નથી.તેનાથી વિપરીત, શિમલા કરારની આ જ કલમનું અર્થઘટન કરતાં પાકિસ્તાન કહે છે કે આ કરાર મુજબ ભારત દેશ યુનોના ચાર્ટર અને નિયમોનું પાલન કરવા માટે બંધાયેલો છે અને તેણે જમ્મુ અને કાશ્મીરના વિવાદોનું સમાધાન યુનોના ચાર્ટર અનુસાર જ કરવું પડશે. આ સંદર્ભમાં, શિમલા કરાર હજુ પણ પાકિસ્તાનમાં અસરકારક કરાર તરીકે સ્વીકારવામાં આવે છે અને ભારપૂર્વક જણાવવામાં આવે છે કે શિમલા કરાર દ્વિપક્ષીય વિવાદમાં યુનોની ભૂમિકાને દૂર કરી શકતો નથી.

સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના પ્રતિભાવમાં પાકિસ્તાન માટે શિમલા કરારમાંથી ખસી જવું કેટલું યોગ્ય રહેશે? આ પ્રશ્નના જવાબમાં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના પ્રોફેસર મહેન્દ્ર પી. લામા કહે છે કે સિમલા કરાર પહેલાંથી જ મૃત છે, જ્યારે સિંધુ જળ સંધિ હજુ પણ જીવંત છે. એક મૃત કરારની તુલના જીવંત સંધિ સાથે કરી શકાતી નથી.

પાકિસ્તાનના લોકો તે કરારને સમાપ્ત કરવાની વાત કરી રહ્યા છે, જેની પાકિસ્તાને પોતે ઘણા સમય પહેલાં હત્યા કરી છે.સિંધુ જળ સંધિ સ્થગિત થવાથી પાકિસ્તાન પર ખૂબ જ ખરાબ અસર પડશે. સિંધુ નદીનું ૭૦ ટકા પાણી પાકિસ્તાનમાં જાય છે, તેથી પાકિસ્તાનની ૮૦ ટકાથી વધુ વસ્તી પ્રભાવિત થશે. જો આ પાણી પુરવઠો બંધ કરવામાં આવે તો પાકિસ્તાનનાં લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જ્યાં સુધી શિમલા કરારનો સવાલ છે, તો તેનો હવે કોઈ અર્થ નથી. પાકિસ્તાન દરરોજ તેનું ઉલ્લંઘન કરે છે. જો ભારત પણ શિમલા કરારમાંથી બહાર નીકળી જાય તો ભારતના લશ્કરને નિયંત્રણરેખા પાર કરવામાં કોઈ અંતરાય નડશે નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top