નડિયાદ: નડિયાદમાં નવા બનાવવાના રોડ માટે લગાવાયેલા બૉર્ડમાં એજન્સીએ છબરડા કર્યા છે. બૉર્ડમાં રોડ બનાવવાની તારીખથી માંડી, રોડનું કામ પૂર્ણ કરવાની તારીખ, રોડ બનાવવાનું અંદાજીત એસ્ટીમેન્ટમાં આંકડાકીય ભૂલો કરતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાય મહિનાથી લટકતુ બોર્ડ બદલવા તંત્રએ હજુ કોઈ તસ્દી લીધી નથી, જેના કારણે રોડ બનશે કે કેમ? તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
નડિયાદમાં ચકલાસી ભાગોળથી ફતેપુરા ગામ તરફ જતો રસ્તાનું નવીનીકરણ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કપડવંજની એપેક્ષ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર એજન્સી દ્વારા દસેક મહિના પહેલા આ રોડ પર ચકલાસી ભાગોળથી 200 મીટર બાદ રોડની વિગતો દર્શાવતુ બૉર્ડ મારવામાં આવ્યુ હતુ. આ બૉર્ડમાં એજન્સીએ કામ શરૂ કરવાની તારીખ 15 ઑક્ટોબર, 2021ની બદલે 15 ઑક્ટોબર, 2020 મારી છે. કામ પૂર્ણ થવાની તારીખ દોઢ વર્ષનો સમયગાળો બતાવવાની બદલે રોડનું કામ 14 જાન્યુઆરી, 2028માં પૂર્ણ થશે, તેમ દર્શાવ્યુ છે.
સત્ય ચકાસતા રોડ પૂર્ણ કરવાની જે તારીખ દર્શાવી છે, તે તારીખ એજન્સીને નિભાવ પૂર્ણ કરવાની છે. છબરડા આટલે ન અટકતા રોડની અંદાજીત રકમ 2 કરોડને બદલે 3 કરોડ દર્શાવી દેવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે, આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી આર. એમ. શર્માને જે-તે સમયે રજૂઆત કરતા તેમણે એજન્સીને ટકોર કરી બોર્ડ બદલી દેવાનું સૂચન આપ્યુ હતુ. જો કે, એજન્સી જાણે અધિકારીને ગાંઠતી ન હોય તેમ હજુ સુધી તેમની સૂચનાનું કોઈ પાલન કર્યુ નથી અને આ બોર્ડ જે-તે સ્થિતિમાં યથાવત છે.