દેશભરમાં જેણે ચકચાર મચાવી હતી તેવું બેંક કૌભાંડ કરીને ભાગતા ફરતા હીરાના વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ થઇ છે. પીએનબી બેંક સાથે રૂ. ૧૩૦૦૦ કરોડ કરતા વધુની બેંક લોન છેતરપિંડી કેસમાં તેની સંડોવણી બદલ ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા તેના પ્રત્યાર્પણની વિનંતીના પગલે તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ચોકસીના ભત્રીજા એવા હીરાના વેપારી નિરવ મોદી પછી બીજા મુખ્ય શકમંદ સામેનું આ પગલું સીબીઆઇ અને ઇડી દ્વારા કરવામાં આવેલ પ્રત્યાર્પણની વિનંતીના આધારે ભરવામાં આવ્યું છે.
નીરવ મોદી હાલ યુકેની જેલમાં છે. ભારતને પ્રત્યાર્પણ કરવા સામેની તેની તમામ અરજીઓ યુકેની કોર્ટોમાં ખારીજ થઇ ગઇ છે પરંતુ રાજકીય આશ્રય માટેની તેની અરજી હજી પેન્ડિંગ પડેલી હોવાથી હજી સુધી તેનું ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું નથી. હવે જ્યારે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ થઇ છે ત્યારે તેને પણ પ્રત્યાર્પણથી ભારત લાવવાનું સરળ નહીં હોય તે સ્પષ્ટ જણાય છે. ૬૫ વર્ષીય ચોક્સી ગયા વર્ષે બેલ્જિયમમાં જોવામાં આવ્યો હતો જ્યારે તે તબીબી સારવાર કરાવવા માટે ત્યાં ગયો હતો. ભારત છોડ્યા પછી તે ૨૦૧૮ થી એન્ટિગુઆમાં રહેતો હતો. હાલ તે કેટલાક સમય પહેલા બેલ્જિયમમાં રહેવા જતો રહ્યો હતો.
મેહુલ ચોકસી ભારતમાંથી તેનું કૌભાંડ બહાર આવતા ૨૦૧૮માં ભારતથી ભાગ્યો તે પછી ભારત સરકારની વિનંતીના આધારે મેહુલ ચોકસી સામે ઇન્ટરપોલે અગાઉ રેડ કોર્નર નોટિસ કાઢી હતી પણ તે બાદમાં ડીલીટ કરી નાખવામાં આવી હતી. કેટલાક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેહુલ ચોકસીના પ્રયાસોથી જ આ નોટિસ રદ થઇ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવેલી રજૂઆતનું વિશ્લેષણ કર્યા પછી, વૈશ્વિક પોલીસ સંસ્થા દ્વારા થોડા સમય પહેલા તેમની ધરપકડ માટે ઇન્ટરપોલ રેડ નોટિસ કાઢી નાખવામાં આવી હતી.
ત્યાર બાદથી ભારતીય એજન્સીઓ પ્રત્યાર્પણ માર્ગ દ્વારા તેને લાવવાના પ્રયાસો કરી રહી હતી. જો કે, આ ભાગેડુ મેહુલનું પ્રત્યાર્પણ કરાવવું મુશ્કેલ કાર્ય સાબિત થઈ શકે છે. મેહુલ ચોક્સી વિરુદ્ધના કેસમાં ફરિયાદ કરનારાઓમાંના એક હરિપ્રસાદે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ કરવું સરળ કાર્ય નહીં હોય કારણ કે આરોપી ઉદ્યોગપતિ પાસે વકીલોનો કાફલો છે, જેના કારણે તે અગાઉ પણ કાયદાથી બચી શક્યો હતો. પ્રત્યાર્પણ કરવું સરળ કાર્ય નથી. ચોક્સીની પાસે અઢળક નાણા છે, અને વિજય માલિયા જે કરી રહ્યા છે તે રીતે તે યુરોપના શ્રેષ્ઠ વકીલોને પોતાના બચાવ માટે રોકશે.
જ્યારે તે એન્ટિગુઆ (ડોમિનિકા) અને અન્ય ટાપુઓમાં પકડાયો હતો, ત્યારે પણ તે તેમાંથી બહાર નીકળી શક્યો કારણ કે તેની પાસે વકીલોનો કાફલો હતો. ભૂતપૂર્વ રાજદ્વારી કેપી ફેબિયનએ કહ્યું કે ભારત પ્રત્યાર્પણની વિનંતી કરી શકે છે, પરંતુ નિર્ણય બેલ્જિયમ સરકારના હાથમાં છે. તેમણે એમ પણ કહ્યું કે ચોક્સી પ્રત્યાર્પણને પડકારવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે અને કોર્ટમાં અપીલ કરી શકે છે. યુરોપના દેશોની અદાલતો મોટેભાગે માનવ અધિકારોના મામલે ખૂબ સતર્કતાથી કામ લે છે અને આપણા ઘણા ભાગેડૂઓ આ જ કારણોસર પ્રત્યાર્પણ ટાળવામાં સફળ રહ્યા છે. હવે મેહુલ ચોકસીને ક્યારે અને કેવી રીતે લાવી શકાય છે તે સમય જ જણાવશે.
