National

“દાના” વાવાઝોડું આજે રાત્રે ઓડિશામાં ત્રાટકશે, ભારે પવન અને વરસાદ વચ્ચે 10 રાજ્યોમાં અસર દેખાઈ

બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ચક્રવાતી તોફાન ‘દાના’ને લઈને તંત્ર એલર્ટ છે તેમજ અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં (ધામરા) 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા અને બંગાળ સહિત 10 રાજ્યોમાં ચક્રવાતી તોફાન દાનાની અસર જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે. તે આજે રાતથી આવતીકાલ સવાર સુધી દરિયાકાંઠે અથડાવાની સંભાવના છે.

આ વાવાઝોડું ભીતરકણિકા નેશનલ પાર્ક અને ઓડિશાના ધામરા પોર્ટ નજીક ઉતરશે. ભુવનેશ્વર હવામાન કેન્દ્ર અનુસાર, લેન્ડફોલ પ્રક્રિયા 5 કલાક સુધી ચાલશે. આ વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના ઉત્તરીય ભાગમાંથી પસાર થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 20 સેમી વરસાદ પડી શકે છે. ભદ્રક, કેન્દ્રપરા સહિત કેટલાક સ્થળોએ 30 સેમીથી વધુ એટલે કે 12 ઇંચ (એક ફૂટ) વરસાદ પડી શકે છે. ઓડિશાના 14 જિલ્લામાં 10 લાખ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડાને કારણે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, ઝારખંડ, કર્ણાટક અને તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

300 ફ્લાઈટ્સ અને 552 ટ્રેનો કેન્સલ
ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરે સવારે 9 વાગ્યા સુધી 16 કલાક માટે લગભગ 300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અહીં સાઉથ ઈસ્ટ રેલ્વેએ 150 ટ્રેનો, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ 198 ટ્રેનો, ઈસ્ટર્ન રેલ્વેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ 14 ટ્રેનો કેન્સલ કરી છે. કુલ 552 ટ્રેનો રદ કરવામાં આવી છે.

પુરીના જગન્નાથ મંદિર પરિસરમાંથી તમામ હંગામી તંબુઓ હટાવી દેવામાં આવ્યા છે. એસ્બેસ્ટોસની છત પર રેતીની થેલીઓ મૂકવામાં આવી છે. જેથી તે ઉડી ન જાય. કોણાર્ક મંદિર બે દિવસથી બંધ છે. ઓડિશામાં NDRF અને ફાયર બ્રિગેડની 288 ટીમો તૈનાત કરવામાં આવી છે. ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો તૈનાત કરી છે.

તોફાનથી પ્રભાવિત 14 જિલ્લાઓમાં શાળા અને કોલેજો 25 ઓક્ટોબર સુધી બંધ રહેશે. આ જિલ્લાઓના તમામ ટૂરિઝમ પાર્કની સાથે ઓડિશા હાઈકોર્ટે પણ 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે તોફાનનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

દાના ચક્રવાતને ગંભીર ચક્રવાત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તે હવે ઓડિશાના દરિયાકિનારાથી લગભગ 200 કિલોમીટરના અંતરે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની સાથે સાથે ગાઢ વાદળો પણ દરિયામાંથી કિનારા તરફ આગળ વધી રહ્યા છે. તોફાન દાના અંગે પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે કહ્યું કે, “આપણે અત્યારે સંકટના સમયમાં છીએ. ચક્રવાત દાના નજીક આવી રહ્યું છે, પરંતુ બંગાળમાં આપણે ઘણા તોફાનોનો સામનો કર્યો છે અને તેનો પણ આત્મવિશ્વાસ અને ધીરજ સાથે સામનો કરીશું. બંગાળ સાથે મળીને ઊભો રહેશે. આપણે જીતીશું.”

Most Popular

To Top