Comments

ઝાકળ પડ્યું ને તમે યાદ આવ્યાં..!

માણસવાળી ફેકલ્ટીમાં જ સૌને સારા દિવસ જાય, એવું નથી. ઋતુઓને પણ જાય. આજકાલ શિયાળાને સારા દિવસ જઈ રહ્યા છે. જે માણસનું નામ ગુલાબ નથી, એ પણ અત્યારે ગુલાબી-ગુલાબી ઠંડી મહેસુસ કરે છે બોલ્લો..! ચૂંટણીઓ તૂટી પડી છે, પણ હજી ઠંડી તૂટી પડી નથી. જેને ચૂંટણી લડવાની ટીકીટ મળી નથી, એ પણ હાલની ટાઈઢમાં ગુલાબી-ગુલાબી થઈને ફક્કડ ગિરધારીની માફક ફરે છે મામૂ..! ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ ની માફક, ઘર-ઘર તિરંગાની માફક ઘર-ઘર ટાઈઢ હવે ફરી વળશે.! લેખ વાંચીને તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે ટાઈઢની હજી પૂરેપૂરી સીમંત સંસ્કારની વિધિ બાકી છે. અત્યારે તો, ગર્લફ્રેન્ડ જેવી સુંવાળી-સુંવાળી મલમલી ઠંડીનાં છાંટણાં ચાલે છે. ક્રિકેટનો ખેલાડી શરૂ-શરૂમાં પોચા-પોચા રન કરે, ને છેલ્લે ફટકાબાજીનાં પાટિયાં ફેરવે એવું ટાઈઢનું..! જોયું ને ઇંગ્લેન્ડની ટીમ સામે ભારતનો કેવો વીંટો વળી ગયો, એના જેવું..!

આ તો શિયાળાની શરૂઆત પહેલાંની આગમચ અગમ ચેતવણી..! ચેતેલો નર સુખી થાય, ને, સંકટ સમયે માનવી ‘પોમલું’ નહિ બની જાય. આજકાલ ઠંડીનો વેધ ભરાવા માંડ્યો છે. વગર ફેશને મજબુરીથી ઉઘાડા ફરતાં હોય એમણે ધાબળા-સ્વેટર વગેરે હવે શોધવા પડશે. હાથે તે સાથે..! ગયા વખતની ચોમાસાની મારફાડ બેટિંગ યાદ છે ને..? છત્તર-ફાડ વરસાદ તૂટી પડેલો, નદી નાળાં તળાવ ઘર સુધી મળવા આવેલાં..! છત્રી કાગડી થવાને બદલે કાગડો વધારે થયેલી. ઉનાળામાં ચામડામાં ચીરા પડી ગયેલા એમ, શિયાળામાં ચામડા-ફાડ ટાઈઢ પણ તૂટી પડે તો નવાઈ નહિ. બેફામ બનેલી ઋતુઓ સામે, ઉઘાડી તલવાર લઈને યુદ્ધ ખેલવા તો જવાય નહિ. એટલે પણ રામ રાખે તેમ રહેવાનું ને સમાધાન કરીને જીવવાનું. બાકી મને યાદ નથી કે, અઠંગ ટાઈઢ પડતી હોય ત્યારે સ્વેટર ધાબળા કે વેસેલીનના બાટલા વહેંચ્યા માટે કોઈ સરકાર હેલીકોપ્ટરમાં નીકળી હોય..!

ઉનાળામાં ચામડાફાડ ગરમી પડે ત્યારે કાશ્મીર-સીમલા-શ્રીનગરમાં કોઈને માઈગ્રેટ કર્યા હોય..! ચૂંટણી હોય તો ઠીક છે કે, બધાં કાળજી રાખે. આચાર-વિચાર ને પ્રચારના મૂઢમાર સાથે રજેરજની કાળજી પણ લે. પણ એ ચૂંટણી છે. એની આગળ ઋતુઓની હાલત ચટણી જેવી. ઋતુઓથી પણ મહાન ચુંટણી બની જાય..! આ તો જેનાથી ટાઈઢ સહન નહિ થતી હોય તેની વાત છે. બાકી જે સર્વાંગી સહનશીલ છે, એને ક્યા કંઈ કહેવાની જરૂર..? પેલાં દુહા જેવું… બુરે સમય દેખકે ગંજે તું કયો રોયે કિસી ભી હાલતમે તેરા બાલ ન બાંકા હોયે..!

હમણાં-હમણાં તો ટાઇઢ ગર્લફ્રેન્ડ જેવી મંદ-મંદ અને આહલાદક લાગે છે. એટલે ચિંતાની જરૂર નથી. પણ ખાવા માટે તો શૈયા-ત્યાગ કરીને ગોદડીમાંથી નીકળવું પડે ને..? શિયાળાની ઠંડીથી પેટ થોડું ભરાય..? અદાણી હોય કે અંબાણીના વારસદાર કેમ ના હોય, ઋતુ સાથે સોદાબાજી કરી શકાતી નથી. માણસ ઢાંકેલો હોય કે, ઉઘાડો, ઋતુ આવે એટલે ટાઈઢ એવી કળા બતાવે કે, નાકની અંદરના ‘સીસોટા’પણ આઈસ્ક્રીમ જેવાં કરી નાંખે..! ઋતુઓ એ નથી વિચારતી કે, તમે કેટલાં જોડી ગરમ કપડાંનાં આસામી છો? પરણેલા છો કે કુંવારા છો, વિધૂર છો કે સધૂર છો, વિધવા છો કે ત્યકતા છો? ગરીબની હાલત જોઇને ઋતુઓ વધતી-ઓછી થતી નથી.

ગરીબોની ગલી જોઇને ઋતુઓ ‘રીટર્ન’થતી નથી, ને તવંગરના મહોલ્લા જોઇને ટાઈઢ તૂટી પડતી નથી. એ તો સબકા માલિક એક જેવી..! માણસની માફક હવે તો ઋતુઓ પણ સ્વચ્છંદી બની ગયેલી. કેલેન્ડરના મહિના પ્રમાણે એ હવે ફરકતી નથી. ફરકે તો ક્મુયાં તો શળધાર ફરકે, ને નહિ ફરકે તો કાલાવાલા પણ કરવા પડે. માટે જેવી જ્યારે વરસે તેવી ઋતુ માની લેવાની. સારું છે કે, ઋતુઓની નાડ ભગવાનના હાથમાં છે. નહિ તો ચૂંટણીના પ્રચારમાં એવી પણ ગાજે કે, ‘એકવાર અમને સત્તા ઉપર બેસવાનો એકવાર મોકો આપો, ઉનાળામાં ગરમીનો પારો અમે ૨૦ ટકા નીચો. લાવીશું, ને શિયાળામાં ૧૦ ટકા ઉંચો કરી આપીશું..! એના કપાળમાં કાંદા ફોડે..!

મને તો બધી ઋતુ કરતાં ગ્રીષ્મ ઋતુ ભણેલી લાગી. આ ઋતુ પાસે જેટલી ડીગ્રી છે, એટલી કોઈ ઋતુ પાસે નથી. ઋતુની રાણી વર્ષારાણી પાસે પણ નહિ. ક્યારેય એવું સાંભળ્યું કે, ફલાણી જગ્યાએ આટલી ડીગ્રી વરસાદ પડ્યો. રસ્તા ઉપર ભલે ખાડા ફૂટ-ફૂટના હોય, પણ વરસાદ ઇંચમાં નોંધાય. માટે શિયાળામાં એવી મૂછ તો આમળવી જ નહિ કે, મેં બાર જ્યોતિર્લિંગનાં દર્શન પૂરાં કરેલાં છે, એટલે મને તો માફકસરનો જ વરસાદ મળશે, ને માફકસરની જ ટાઈઢ અથડાશે..! માળાઓ ગમે એટલી કરી હોય ને, પ્રસાદમાં સાકરની ગાંગડી પણ ભલે પોતાના વજનના ભારોભાર ચઢાવી હોય, આ ઋતુ કોઈની સગી થતી નથી.

જેમ ટાઈમ ટેબલ હોવાં છતાં, ટ્રેન સમયસર નથી આવતી, એમ મૌસમ પણ પંચાંગના મહિનાઓનું મોંઢું જોઇને પ્રગટ થતી નથી. આંતરજ્ઞાતીય લગન ની માફક મૌસમ પણ હવે ‘આંતર મહિના’વાળા સંબંધ નિભાવતી થઇ ગઈ. એને પણ પેલો ‘જેહાદી પ્રેમ’કરવાનો ઉભરો આવતો હોય એવું લાગે. ઈચ્છા થાય ત્યારે ઋતુઓ છાકટી બની જાય..! તેમાં વરસાદ તો ગયા જનમનો ‘વાંઢેસ’હોય એમ, સાવ બળેલો..! ક્યારે કોના લગનના માંડવાની પથારી ફેરવી નાંખે, એનો ભરોસો નહિ. ઉનાળામાં થથરાવે, શિયાળામાં બફારો કરાવે ને ચોમાસામાં હવાખાવાના સ્થળે મોકલાવે, એનું નામ મૌસમ..! એકવાર મૌસમ બગડવી જોઈએ..! સવારે શિયાળો, બપોરે ઉનાળો ને સાંજે વરસાદના છાંટણા પણ છાંટે..! સ્વેટરને ચઢાવવા, ઉતારવા કે રેઇનકોટ-છત્રીને ખભે નાંખીને ચાલવું, એ જ નહિ સમજાય.

હારેલો ઉમેદવાર ફાવેલી પાર્ટીનો ખેસ ગળામાં નાંખી દે એમ, મૌસમ પણ પાટલી બદલતી થઇ ગઈ. શિયાળો ટાઢો તો ટાઢો, પણ ડાહ્યો બહુ. પૂરબહારમાં ખીલે ત્યારે ‘રોમેન્ટિક’અને ‘એન્ટીક’પણ લાગે. ગરમ કપડાનો મેળો શરીરમાં ભરાયો હોય, એવી ‘ફીલિંગ્સ’આપે.. પ્રકૃતિને ‘વ્હાઈટ વોશ’કર્યો હોય એમ નજર દોડાવો ત્યાં, ‘ડ્રાઈ-આઈસ’નો ધુમાડો ફરી વળ્યો હોય એવો આભાસ કરાવે. વરસાદની ભીનાશમાં ટાઈટ થઇ ગયેલા બારી-બારણાને ખુલ્લો ઉઘાડ આપે તે બોનસ..! ગમતી સરકારનું શાસન આવ્યું હોય એમ, હળવા ફૂલ બની જવાય. જાણે ઇસ્ટમેન કલરની ઋતુ.! રંગબેરંગી સ્વેટર પહેરીને લોકોને નીકળતાં જોઈએ ત્યારે તો પતંગિયાં લટાર મારવા નીકળ્યાં હોય એવું જ લાગે..! શિયાળાની સવારને તો માણવાની મઝા જ કોઈ ઔર..! થોડાક મહિના માટે સાળી ઘરમાં મહેમાન બનીને રહેવા આવી હોય એવું લાગે..? શું કહો છો રતનજી..?
લાસ્ટ ધ બોલ
‘મળે એ ગમે નહિ, ને ગમે એ મળે નહિ’એનું નામ મૌસમ. એક જ વાત યાદ રાખવાની કે, શિયાળનું બહુવચન કરવાથી શિયાળો આવતો નથી..! – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top