તા.26.06.24ના રોજ સંસદમાં નવા વરાયેલા સ્પીકર શ્રી ઓમ બિરલાએ લોકસભામાં કટોકટીની ટીકા કરતો ઠરાવ રજૂ કર્યો હતો. એથી વિરોધ પક્ષો રોષે ભરાયા હતા. 1975ના જૂનની 24મી તારીખે તત્કાલિન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવાના ભાગરૂપે દેશમાં કટોકટી લાદી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના જજ શ્રી સિંહાએ એક ચુકાદો આપતાં ઇન્દિરા ગાંધીને 6 વર્ષ માટે ચૂંટણીમાં ઊભા રહેવા માટે ગેરલાયક ઠેરવ્યાં હતાં. ચુકાદાને અવગણીને વડાં પ્રધાન ઇન્દિરાજીએ વડા પ્રધાનના પદ ઉપરથી રાજીનામું આપવાની જગ્યાએ દેશમાં કટોકટી લાદીને બંધારણને બાજુએ મૂકી દીધું હતું. કોટકટીના નેજા હેઠળ એમણે દેશના મોટા ભાગના વિરોધપક્ષના નેતાઓને જેલમાં ‘મીસા’ હેઠળ ધકેલી દીધા હતા.
સરકારોનાં કર્મચારીઓમાં, બેંકોનાં કર્મચારીઓ તથા સરકારના તાબા હેઠળનાં નિગમોના કર્મચારીઓ સમયસર પોતપોતાની ઓફિસે પહોંચી જતા હતા. ઓવર ટાઈમ વગર કામ પૂરું કરીને જ મોડી સાંજે ઘેર પહોંચતાં હતાં. રેલગાડીઓ શીડયુલ ટાઈમ પ્રમાણે દોડતી થયેલી. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ સડસડાટ નીચે સરકવા લાગેલા. કાળા બજારિયાઓ, ભેળસેળિયાઓ, સ્મગલરો, દાદાઓ, ડોનલોકો અને ગુંડાઓ અદૃશ્ય થવા લાગેલા. લોકોનાં સરકારી કામો લાંચરૂશ્વત વગર ઝડપથી થવા લાગેલાં. ભ્રષ્ટાચારીઓ ધ્રૂજવા લાગેલા. પરિણામે આ સ્થિતિએ ભારતની આમ જનતા રાજીની રેડ થઇ ગયેલી. સમગ્ર દેશના અનુશાસન જેવું પર્વ ઉજવાતું હોય એવું લાગવા માંડેલું.
તો આ હતી કટોકટીની આડઅસર, જે ભારતની જનતા માટે ખુશીઓની બોછાર લઇને આવી હતી. ત્યાર બાદ 1977ના ફેબ્રુઆરીમાં આવી કટોકટી હટાવી લેવામાં આવી હતી. આવી કટોકટીને પચાસ વર્ષ પૂરાં થવામાં માંડ એક વર્ષ જ બાકી છે. હવે એ કટોકટીને વારેવારે હાથો બનાવીને કોંગ્રેસ પક્ષને શા માટે નિશાન બનાવવામાં આવે છે? કટોકટીની નિંદા એ માત્ર પ્રતિશોધનો આવિષ્કાર નથી તો બીજું શું છે? કટોકટી જરૂર બિનલોકશાહી કદમ હતું પણ આમ જનતા કટોકટીમાં સુખી હતી. એની નોંધ કેમ કોઇ નેતાઓ લેતા નથી?
સુરત – બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.