સુરત મહાનગર પાલિકાએ શહેરીજનોને શહેરની વચ્ચોવચ 145 કરોડના ખર્ચે બનાવેલો બાયોડાયવર્સિટી પાર્ક નશાખોરો માટે દારૂ પીવાનો અડ્ડો બની ગયો છે. પાર્ક ખુલ્લો મુકાયાને 7 જ મહિનામાં આસપાસની સોસાયટીના લોકોએ કચરો ફેંકી અનેક સ્થળો પર અંદર ગંદકીનો ઢગલો કરી દેતા વોકિંગ અને ગાર્ડનમાં હરવા- ફરવા માટે આવનારા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
બાયોડાયવર્સિટી પાર્કમાં અલથાણ તરફથી પ્રવેશ કર્યા બાદ અંદાજે 100 મીટર અંદર ઘૂસતા જ ચિંતાજનક હકીકત સામે આવે છે. વોકિંગ માટે બનાવાયેલા રસ્તાની બંને બાજુ કચરો, પ્લાસ્ટિકની બોટલો, કાચની બોટલો તેમજ નજીકની સોસાયટીમાંથી ફેંકવામાં આવેલા કચરાના થેલા ખુલ્લેઆમ જોવા મળે છે. એટલું જ નહીં, આખા રોડની બંને બાજુ દારૂની ખાલી પોટલીઓ દૂર સુધી ફેલાયેલી જોવા મળે છે. કેટલાક સ્થળોએ તો ખૂબ મોટી સંખ્યામાં ફેંકાયેલી દારૂની પોટલીઓ ફેંકવામાં આવી છે.
અંદર ગેરકાયદે પ્રવેશ માટે કેટલાક અસામાજિક તત્ત્વોએ પાર્કની ફેન્સિંગ કાપી નાખી છે અને રાતના સમયે અહીંથી પ્રવેશ કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાર્કને અડીને આવેલી કેટલીક સોસાયટીમાંથી લોકો રાત્રિના સમયે નશાખોરી કરવા માટે પાર્કમાં પ્રવેશ કરે છે.

બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગમાં બનાવેલા રોડની બંને બાજુ દારૂની ખાલી પોટલીઓ ફેંકવામાં આવી છે. કેટલાક નશાખોરી રાત્રિના સમયે અહીં અંધારું અને સિક્યોરિટી નહી હોવાથી મહેફિલ કરવા આવતા હોય તેવું પણ સંભવ છે. મોટી સંખ્યામાં કોલ્ડડ્રિક્સ અને પ્લાસ્ટિકનો ગ્લાસ પણ ફેંકવામાં આવી છે. બાયોડાવર્સિટી પાર્કના રોડની બન્ને તરફ દારૂની પોટલીઓ ઉડતી જોઇ શકાય છે. કચરો હોવાના લીધે અહીં કૂતરાઓ પણ આવી ગયા છે. જેથી પણ મુલાકાતીઓને ભય લાગે છે.

એક તરફ નજીકની સોસાયટીના રહેવાસીઓ દ્વારા ગંદકી ફેલાવવામાં આવી રહી છે, તો બીજી તરફ ખાડી પાસે આવેલા મુખ્ય માર્ગ પરથી પસાર થનારા લોકો પણ બિન્ધાસ્ત રીતે અહીં કચરો ફેંકી જાય છે. પરિણામે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે 145 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ બાયોડાયવર્સિટી પાર્ક વોકિંગ માટે આવનારા નાગરિકો માટે અસુવિધાજનક અને અસ્વચ્છ બનતો જઈ રહ્યો છે.