Charchapatra

એરપોર્ટ પર પણ બુલડોઝર ફેરવાયું એમ લાગે છે

તા. ૨૯મીના ‘ગુજરાતમિત્ર’માં છેલ્લા પાને સુરત એરપોર્ટનો વિસ્તારપૂર્વક સમાચાર પ્રસિધ્ધ થયા જેમાં કોઈ પણ વિગત ચૂકી નથી, પરંતુ આ સમાચાર વાંચી ઘણો આઘાત લાગ્યો છે. મફતમાં મળી રહેલી કરોડોની જમીન કેમ નકારી તે સમજાતું નથી. ખરેખર હવે આ એરપોર્ટની પ્રગતિ પર પાણી ફેરવાઈ ગયું હોય તેમ લાગે છે. CAT1 લાઈટ અને રડાર સ્ટેશન પ્રોજેક્ટ પર બુલડોઝર ફેરવાઈ ગયું. હવે તો ભવિષ્યમાં એવું પણ બને કે આ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની પૂરેપૂરી જમીન પર બુલડોઝર ફેરવાઈ જાય, કારણ એવું છે કે આ જમીન, સોના જેવી લગડી પર બિલ્ડરોની ખરાબ નજરથી જોવાઈ રહી છે.

સુરતનું આ એરપોર્ટનું સપનું રોળાઈ ગયું હોય તેમ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. સુરતની પ્રગતિ પર અવરોધો વારંવાર આવી રહ્યા છે જેમાં આ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની કોઈને ખૂબ જ ખરાબ નજર લાગી ગઈ છે. જાગો સુરતીઓ જાગો. આ એરપોર્ટની શાનને બચાવવા તેમજ તેને પ્રગતિના પંથે ન્યાય મળે તે માટે જાગો, હવે તો આ સુંદર એરપોર્ટની શાન ઝાંખી થઈ જશે. આ એરપોર્ટને બચાવવા તેમજ બિલ્ડરો માટે આ જગ્યા ન આપવા માટે લડત માટે તૈયાર રહેવું પડશે, નહીં તો ભવિષ્યમાં આ સુરત એરપોર્ટ પર બિલ્ડીંગોની કતાર લાગી જશે અને ભરચક એરિયા થઈ આ ડુમસ રોડની શાન છીનવાઈ જશે એવું લાગી રહ્યું છે.
ગોપીપુરા, સુરત   – ચેતન અમીન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top