Columns

ખરેખર અટકી જવાની જરૂર હતી

એક બિઝનેસમેન હોસ્પિટલના ફાઈવ સ્ટાર ડિલક્સ વોર્ડમાં સવારે એકલા એકલા વ્હીલચેર પર બેઠા હતા અને બારીની બહાર જોઈ રહ્યા હતા. થોડીવારમાં વોર્ડબોય આવ્યો અને કહ્યું, ‘સર, બ્રેકફાસ્ટ રેડી છે તમને બ્રશ કરાવી દઉં અને ફ્રેશ થઈ નાસ્તો કરી લો.’ ફ્રેશ થઈને બિઝનેસમેન નાસ્તો કરવા બેઠા. તેમણે ધીમેથી વોર્ડબોયને કહ્યું, ‘દોસ્ત તને કામ ન હોય તો હું નાસ્તો કરું એટલી વાર મારી સાથે વાતો કરને.’ વોર્ડબોય ઊભો રહ્યો. બિઝનેસમેને નાસ્તો કરતા કરતા વાતો શરૂ કરી; તેમણે વોર્ડબોયને પૂછ્યું, ‘તારું નામ શું છે અને ઘરમાં કોણ કોણ છે?’ વોર્ડબોયે કહ્યું, ‘સર, મારું નામ બિરજુ છે. ઘરમાં માતા પિતા, પત્ની, ત્રણ બાળકો અને નાનો ભાઈ અને બહેન છે અને મારો એક મિત્ર સામે જ રહે છે તે પણ ભાઈ જેવો જ છે, અહીં સાથે જ કામ પણ કરે છે.’

બિઝનેસમેન હસ્યા અને બોલ્યા, ‘અરે વાહ, તું તો નસીબદાર છે. મારી હાલત જો જોડે નાસ્તો કરવા કે વાત કરવા કોઈ નથી.’ વોર્ડબોય બોલ્યો, ‘સર, શું મારી મજાક કરો છો.’ બિઝનેસમેન બોલ્યા, ‘ના મજાક નથી કરતો હકીકત કહું છું. મારી દશા એ છે કે આજે આ ફાઈવસ્ટાર રૂમમાં માંદો છું ત્યારે સાવ એકલો છું અને વ્હિલચેર સિવાય હલનચલન પણ કરી શકતો નથી.’ વોર્ડબોયે ધીમેથી પૂછ્યું, ‘સર, શું તમારું કોઈ નથી?’ બિઝનેસમેન નિસાસો નાખતા અફસોસ સાથે બોલ્યા, ‘અરે દોસ્ત, છે તો પૂરો પરિવાર અને ઘણા કહેવા માટેના મિત્રો પણ સાચા સ્વજન કોઈ નથી અને તેમાં મારો જ વાંક છે, જિંદગી ભર બિઝનેસ માટે અને પૈસા કમાવા માટે આંખ બંધ કરીને દોડતો રહ્યો.

બહુ પૈસા કમાયો. મોટો બિઝનેસ બનાવ્યો, તેને હજી વધુ મોટો કરવા વધુ દોડ્યો અને પૈસા મેળવ્યા પણ જિંદગી માટે જરૂરી ઘણું ઘણું ગુમાવી દીધું. મેં કુટુંબને મારી જરૂર હતી ત્યારે સમય આપ્યો નહીં અને એટલે મારી પત્ની મને છુટાછેડા આપી છોડી ગઈ, બે બાળકોને મારા નામ અને પૈસામાં જ રસ છે મારી સાથે વાત કરવાનો તેમને સમય નથી, મળવા આવવાનું તો બહુ દૂરની વાત છે. સફળતા મેળવવા માટે કામ પાછળ દોડવામાં મેં દોસ્તો સાથે પણ દોસ્તીનો સબંધ પણ નિભાવ્યો નહીં. એટલે અત્યારે મારી પાસે કોઈ દોસ્ત પણ નથી. જીવનમાં જરૂરી હોય છે એક પરિવાર, એક પત્ની, એક સાચો દોસ્ત! પણ મેં તે જાળવ્યું જ નહીં હકીકતમાં જીવનમાં સઘળું મેળવવા મારે વધુ દોડવાની નહીં પણ અટકી જવાની જરૂર હતી તે મને બહુ મોડે મોડે અહીં વ્હિલચેર પર અટક્યા પછી સમજાય છે.’ બિઝનેસમેને પોતાના મનનું દુઃખ જણાવતા એક જીવન હકીકત જણાવી.     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top