SURAT

સુરતમાં આખો દિવસ રિમઝિમ વરસ્યો વરસાદ: લોકોને ભીંજવ્યા, ઓલપાડમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ

સુરત: રવિવારે એક ઝલક બતાવ્યા બાદ સોમવારે વરસાદે સુરત શહેરમાં પોતાનું મજેદાર સ્વરૂપ બતાવ્યું હતું. રવિવારની રાત અને સવારે પડેલા વરસાદે બપોર બાદ ઝડપ પકડી હતી. રિમઝિમ વરસાદે મોનસુનના આગમનની સૂચના આપી હતી. સાંજ સુધી પડેલા મસ્ત મજાના વરસાદે વાતાવરણમાં ઠંડક રેલાવી દીધી હતી. જોકે ઓફિસે જતા અને આવતા લોકોને પણ વરસાદે ભીંજવી નાંખ્યા હતા. પહેલા વરસાદમાં પલળવાનો અને ગરમાગરમ ભજીયા ખાવાનો સુરતીઓએ આનંદ લીધો હતો.

શહેરમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા સતત વરસાદ અને દક્ષિણ પશ્ચિમ દિશાથી વહેતા પવનના કારણે આજે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ જિલ્લામાં સર્વત્ર ચોમાસું જામ્યું હતું. ઓલપાડમાં સાંજે બે કલાકમાં અઢી ઇંચ વરસાદે જળબંબાકારની સ્થિતિ કરી હતી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામી રહ્યો છે, અને હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. જિલ્લામાં આજે ઓલપાડ તાલુકામાં સાંજે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. જે જિલ્લામાં સૌથી વધારે છે. ઉમરપાડામાં આજે સૌથી ઓછો 9 મીમી વરસાદ નોંધાયો છે. ચોર્યાસીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજ રોજ તાપમાનમાં સીધો 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી થયું છે. મિનિમમ તાપમાન પણ 27.2 ડિગ્રીથી ઘટીને 25.2 ડિગ્રી થયું છે.

પહેલા વરસાદને કારણે સુરતના અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી. બીજી તરફ ભારે પવન વચ્ચે પડેલા વરસાદના કારણે સુરત શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓને કારણે ફાયર કંટ્રોલ રૂમનાં ફોન સતત રણકતા રહ્યા હતા. સુરત શહેરમાં છેલ્લા 20 કલાકના સમયગાળા દરમિયાન શહેરમાં કુલ 31 ઝાડ પડવાના બનાવોને કારણે ફાયર બ્રિગેડની ટીમ ઝાડને હટાવી લેવાની કામગીરીમાં સતત જોતરાઈ રહી હતી.

આજે વરસેલા વરસાદને પગલે શહેરમાં સૌથી વધુ અઠવા ઝોન વિસ્તારમાં 14 જેટલા ઝાડ ધરાશાયી થયા હતા. સૌથી વધુ ઝાડ ઘોડદોડ રોડ ઉપર પડતાં વાહનચાલકોએ વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અઠવા ઝોન વિસ્તારમાં જોગસ પાર્ક પાસે એક ઝાડ પડતાં બે કારનો ખુરદો બોલી ગયો હતો. આ ઉપરાંત પાર્લે પોઇન્ટ મેઈન રોડ પર 24 કેરેટ પાસે પણ ઝાડ પડતાં એક કાર દબાઈ ગઈ હતી. આ સિવાય ઈન્ડોર સ્ટેડિયમની ગલીમાં નીલકમળ એપાર્ટમેન્ટ ખાતે પણ ઝાડ પડતા બે કારનો ખુરદો બોલી ગયો હતો. જો કે આ સિવાય શહેરમાં રાંદેર ઝોન વિસ્તારમાં પણ 5 તથા ઉધના અને લિંબાયત ઝોન વિસ્તારમાં પણ ચાર ઝાડ પડવાના બનાવો નોંધાયા હતા. આ ઉપરાંત ઉધના ઝોન, કતારગામ ઝોન, સેન્ટ્રલ ઝોન અને વરાછા બી ઝોન વિસ્તારમાં પણ ઝાડ પડવાના બનાવો નોંધાયા હતા.

Most Popular

To Top