સુરત: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં તા. 7મી જૂનથી પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સુરતના ઓલપાડમાં ગઈકાલે શુક્રવારે રાત્રે 11.30 કલાકે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, તો સુરત શહેરમાં શનિવારે મળસ્કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
ભારે બફારા વચ્ચે હવામાનની આગાહી પ્રમાણે આજે શનિવારે તા. 8 જૂને મળસ્કે સુરતમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. જેથી ગરમીનો અનુભવ કરતાં લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં અનોખો અનુભવ થયો હતો. સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. રાત્રિના 12 વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીમાં પડેલા વરસાદમાં સૌથી વધુ માંગરોળમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરત સિટીમાં 5 મિમિ વરસાદ નોંધાયો હતો.
સુરત શહેરમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 8 મિમી, સેન્ટ્રલ ઝોલનમાં 5 મિમી., કતારગામ ઝોનમાં 3 મિમી, વરાછા બી ઝોનમાં 5 મિમી વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં 27 મિમી, ઓલપાડમાં 8 મિમી અને માંડવીમાં 5.6 મિમી વરસાદ વરસ્યો હતો.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ઓલપાડના બજારો પાણી પાણી થઇ ગયા હતા. ઓલપાડ તાલુકાના કીમ, કુડસડ, કઠોદરા, મૂળદ સહિતના ગામોમાં સારો વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.
દ. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. આથી આ જિલ્લાઓના લોકોને ગરમીથી રાહત મળશે એવી પણ શક્યતા છે. જોકે 2023ના જૂન મહિના કરતાં આ વર્ષે 2024ના જૂન મહિનામાં 2 ડિગ્રી તાપમાન વધુ છે.