Business

વાપીની WAAREE સોલાર કંપની પર ITના દરોડા, રેલો સુરત-વલસાડના બિલ્ડર સુધી પહોંચ્યો

વલસાડ, સુરત: છેલ્લા એક દાયકામાં રિન્યુએબલ એનર્જીમાં ઉભરીને આવેલી અને દેશની સૌથી મોટી સોલાર એનર્જીની કંપની બનેલી ‘વારી એન્જિનિયર્સ કંપની’ પર મંગળવારે સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના મોટા પાયે દરોડા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

  • વારી સોલારના ચીખલી, મુંબઈના સ્થળે આઈટીના અધિકારીઓની તપાસ
  • વારી સોલાર દ્વારા ડુંગરી પંથકમાં હજારો વિંઘા જમીનની ખરીદી કરાતાં આઈટીના રડારમાં આવી ગઈ
  • જમીનની ખરીદીની લેતીદેતીમાં સુરતના બે અને વલસાડના એક બિલ્ડર પણ સાણસામાં આવ્યા
  • સુરતના બિલ્ડર રાજેન્દ્ર, મિતુલ અને વલસાડના બિપિનને ત્યાં સર્ચ કરાઈ રહી છે

મુંબઇ ઇન્કમટેક્સ વિભાગની 25થી વધુ ટીમ તેમની ચીખલી સ્થિત કંપની પર તેમજ મુંબઇ અને વાપીના તેમના રહેઠાણ પર વહેલી સવારે ધસી ગઇ હતી. જ્યાં તેમણે તેમની બેનામી આવકની તપાસ હાથ ધરી હતી. આઇટીની તપાસનો આ રેલો સુરતના બે અને વલસાડના એક બિલ્ડર સુધી પણ પહોંચ્યો છે.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લાની ઔદ્યોગિક નગરી વાપીમાં મધ્યમ કક્ષાનું યુનિટ ધરાવતી વારી એન્જિનિયર્સ છેલ્લા એક દાયકામાં હરણફાળ ભરી સોલાર પેનલમાં ભારતની ટોચની કંપની બની ગઇ છે.

વાપી બાદ તેમણે ચીખલીમાં તેમની કંપનીનો જાયન્ટ કહી શકાય એવો મોટો પ્લાન્ટ શરૂ કર્યો છે. આ કંપનીનું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામે, નંદીગ્રામમાં યુનિટ ધમધમી રહ્યા છે. તેમના દ્વારા છેલ્લા 5 વર્ષમાં વલસાડ જિલ્લાના ડુંગરીપંથકમાં હજારો વિઘા જમીનની ખરીદી પણ થઇ છે. આ જાયન્ટ કંપની પર મંગળવારે સવારથી ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી તેની બેનામી આવકની તપાસ હાથ ધરી છે.

ઇન્કમટેક્સના આ દરોડામાં તેમના વલસાડ જિલ્લાના ઉત્પાદન કરતાં યુનિટો, ચીખલીના યુનિટ તેમજ તેના ચેરમેન, તેમના ડિરેક્ટરના મુંબઇ અને વાપીના રહેઠાણ સ્થળોએ પણ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં મુંબઇ સાથે વાપી ઇન્કમટેક્સ વિભાગની ટીમ પણ જોડાઇ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.

તેમના દ્વારા કંપનીની બેનામી આવકની તપાસ માટે તેમના નાણાકીય વ્યવહારોની તળિયા ઝાટક તપાસ થઇ રહી છે. જેમાં ચીખલી, વાપી અને મુંબઈમાં આજે સર્ચ ઓપરેશન દરમિયાન ચીખલીમાં જમીન ખરીદ વેચાણના દસ્તાવેજો મળ્યા હતા. જેને આધારે સુરતના બિલ્ડર રાજેન્દ્ર, મિતુલ અને વલસાડના બિપિનને ત્યાં મુંબઈ આઇટીની ટીમએ મંગળવારે બપોરે સુરતમાં સર્ચ કાર્યવાહી શરૂ કરી હતી. વારી સોલાર એનર્જી કંપનીના એક માલિક વાપી રહે છે અને બીજા મુંબઈ રહી કોર્પોરેટ ઓફિસનું સંચાલન કરે છે.

સુરતના બંને બિલ્ડર અગાઉ કરોડોની જમીનના એક વિવાદમાં આવી ચૂક્યા છે
સુરતમાં જમીન અને મોલમાં રોકાણમાં પણ સોલર એનર્જી કંપનીનું એક્સપોઝર હોવાની આવકવેરા વિભાગને શંકા છે. આખો મામલો સોલાર એનર્જી કંપની સાથેના જમીનના લેણદેણ અને રોકાણને લગતો જણાય છે. મંગળવારે બપોરે સુરતના બે બિલ્ડરને ત્યાં સર્ચ કાર્યવાહી થતા મોટી રાજકીય વગ ધરાવતા આ ગ્રુપમાં નાસભાગ મચી જવા પામી છે. સુરતના બંને બિલ્ડરો અગાઉ કરોડોની જમીનના એક મામલામાં વિવાદમાં આવી ચૂક્યા છે. સુરતના બે અને વલસાડના આ એક બિલ્ડર જમીનોમાં ભાગીદારી ધરાવે છે. એ જોતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

આઈટીનો રેલો સચિન SEZ ની સોલર પેનલ બનાવતી કંપની સુધી પહોંચ્યો
નવસારીના ચીખલીમાં આવેલી સોલર એનર્જી કંપનીના ચીખલી પ્લાન્ટ, વાપી અને મુંબઈમાં થયેલી સર્ચ કાર્યવાહી દરમિયાન મળેલા દસ્તાવેજોના આધારે સુરત, વલસાડના બિલ્ડરો ઉપરાંત તપાસનો રેલો સુરતના સચિન સ્થિત સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ) માં આવેલા સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સુધી પહોંચ્યો છે.

મુંબઈ આવકવેરા વિભાગની એક સાથે 25 ટીમો ઉતરી જતાં અન્ય એકમોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. સુરતમાં સચિન SEZમાં સોલાર પેનલ બનાવતી કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં આઈટી વિભાગને મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં મહત્વના ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

Most Popular

To Top