Business

IT RAID: સુરતની ડાયમંડ કંપનીના 500 કરોડના બેનંબરી હિસાબો મળ્યા

સુરત: સુરત આવકવેરા વિભાગની DI વિંગ દ્વારા સુરત અને નવસારીની જાણીતી ડાયમંડ કંપનીના 20 સ્થળો પર કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોની બેનામી સંપત્તિના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. ગઇકાલે ગુરૂવારે મોડી રાતે સર્ચ ઓપરેશન પુરુ થયા પછી આજે ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતું. 2000 રત્નકલાકારો વરાછા ખોડિયાનગરની ફેક્ટરીમાં કામ કરે છે. એવી ડાયમંડ પેઢીની મુંબઇ, સુરત, નવસારી, વાંકાનેર અને મોરબીની ઓફિસોમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ DI વિંગને સર્ચ કાર્યવાહી દરમિયાન મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ઓફિસમાંથી 10 કરોડના હીરા બિનહિસાબી મળી આવ્યા હતા. હીરાના આ લોટની વિડીયોગ્રાફિ કરી એસએસમેન્ટમાં તેને લગતી નોંધ કરવામાં આવી હતી. તે ઉપરાંત 40 કરોડનો ભંગાર વેચ્યો હોવાની વિગતો પણ ડોક્યુમેન્ટ સ્વરૂપે મળી હતી. આ કંપની દ્વારા 40 કરોડની જમીનની લે-વેચ કરવામાં આવી હતી. તેના ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 10 બેંક લોકર અને 2 કરોડની રોકડ તથા જ્વેલરી પણ સીઝ કરવામાં આવી છે.

  • મુંબઇના BDBમાંથી 10 કરોડના બિનહિસાબી હીરા, 40 કરોડના ભંગાર વેચવાના ડોક્યુમેન્ટ મળ્યા
  • 40 કરોડની જમીન લે-વેચના ડોક્યુમેન્ટ, 10 બેંક લોકર અને 2 કરોડની રોકડ જ્વેલરી સીઝ કરાઇ

CBDTની ગાઇડલાઇન પ્રમાણે બેહિસાબી હીરા જપ્ત કરવામાં આવ્યા નથી પરંતુ ડોક્યુમેન્ટમાં તેની વિગત નોંધી લેવામાં આવી છે. આ કંપની હોંગકોંગ અને બેલ્જિયમમાં પણ ઓફિસ ધરાવે છે તે ઓફિસ સાથે પણ હીરાના સોદાઓના ડોક્યુમેન્ટ વેરીફાઇ કરવામાં આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોવિડકાળમાં કર્મચારીઓને લેબર એક્ટ મુજબના અધિકારો નહીં આપવાના મામલે ડાયમંડ લેબર યુનિયન દ્વારા કરવામાં આવેલી ફરિયાદની વિગતોને આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમા મોટા પાયે કરચોરી થઇ રહી હોવાની વિગત મળી હતી. આ કંપનીમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સર્ચ કાર્યવાહી કરવા માટે તખ્તો ગોઠવાયો હતો. પરંતુ તે દરમિયાન કંપનીની ઓફિસો બંધ રહેતા સર્ચ કાર્યવાહી પાછળ ઠેલાઇ હતી.

આવકવેરા વિભાગે કોમ્પ્યુટરનું પાસર્વડ ક્રેક કરવા માટે પ્રોફેશનલની મદદ લીધી

સુરતમાં ડિયોરા એન્ડ ભંડારી ફર્મને ત્યાં સર્ચ કાર્યવાહી દરમિયાન ડેટા ઉડાવવા ઉપરાંત પાસર્વડ બદલી નાખવામાં આવતા સર્ચ કાર્યવાહીમાં વિલંબ થયો હતો. તે કેસને ધ્યાને રાખી સુરત આવકવેરા વિભાગની DI વિંગે સુરત અને નવસારીની આ ડાયમંડ કંપનીને ત્યાં સર્ચ કાર્યવાહીની શરૂઆતમાં કોમ્પ્યુટર અને લેપટોપના ડેટા મેળવવા આઇટી એક્સપર્ટની મદદ લીધી હતી. કોમ્પ્યુટરના પાસર્વડ ક્રેક કરવા માટે નિષ્ણાંત ગણાતી ટીમને સાથે રાખવામાં આવી હતી. જેથી કોઇપણ પ્રકારનો ડેટા કંપનીના સંચાલકો નાશ ન કરી શકે.

Most Popular

To Top