એક મલ્ટિનેશનલ કંપનીમાં સીનિયર મૅનેજર માર્કેટિંગનો હોદ્દો ધરાવતી વ્યક્તિને જ્યારે એક થોડીક નાની કહી શકાય પરંતુ કંપનીમાં પ્રમોટર્સ જ્યાં સીધા કામની પ્રવૃત્તિમાં સંકળાયેલા છે તેવી કંપનીમાં સારા પેકેજ સાથે જનરલ મૅનેજરનો હોદ્દો મળ્યો. કંપનીના મૅનેજમૅન્ટને લાગ્યું કે મલ્ટિનેશનલ કંપનીના અનુભવથી તેમની કંપનીને આ વ્યક્તિથી ખૂબ જ ફાયદો થશે પરંતુ તેને જબરજસ્ત ઝાટકો લાગ્યો જ્યારે તેમના નવા જનરલ મૅનેજરે કંપની છોડવાનો નિર્ણય કર્યો.
હવે બીજા ઉદાહરણની વાત કરું. મીડિયમ સાઇઝની કંપનીમાં વાઇસ પ્રૅસિડન્ટનો હોદ્દો ધરાવતાં કર્મચારીએ ભારતની જાણીતી બ્રાન્ડ ધરાવતી કંપનીમાં જનરલ મૅનેજરના હોદ્દાવાળી નોકરી સ્વીકારી. શરૂઆતમાં ખૂબ જ ધગશથી કામ કરવાની શરૂઆત જનરલ મૅનેજરે કરી પરંતુ થોડા જ સમયમાં ઑર્ગેનાઇઝેશનની પોલિસી, વિવિધ કામ કરવાની પદ્ધતિઓથી જનરલ મૅનેજર ત્રસ્ત થઈ ગયા અને થોડા જ વખતમાં તેમણે જાણીતી બ્રાન્ડ ધરાવતું ઑર્ગેનાઇઝેશન છોડી દીધું.
હવે જ્યારે આ બંને ઉદાહરણોનો બારીકાઈથી અભ્યાસ કરીએ તો એક કારણ આંખે ઊડીને વળગે તેવું છે અને એ છે – કર્મચારી અને કંપની વચ્ચેનો વૈચારિક સમન્વય. વધુ સારા શબ્દોમાં કહીએ તો ‘કલ્ચર ફિટ.’ હાલના સમયમાં ઑર્ગેનાઇઝેશને જ્યારે કર્મચારીની પસંદગી કરવાની હોય અને જ્યારે કર્મચારીએ ઑર્ગેનાઇઝેશનની પસંદગી કરવાની હોય ત્યારે ‘કલ્ચર ફિટ’ બહુ અગત્યનો ભાગ ભજવે છે.
આથી જ હ્યુમન રિસોર્સિસ વિષયના નિષ્ણાતો કર્મચારીની પસંદગી વખતે કર્મચારીઓના વૈચારિક સમન્વયને વધુ મહત્ત્વ આપે છે. જો કોઈ કર્મચારીમાં જ્ઞાન અથવા તો આવડતનો થોડો અભાવ હોય તો વિવિધ ટ્રેનિંગ દ્વારા તેમાં વધારો કરી શકાય છે પરંતુ વૈચારિક સમન્વયમાં જ જો વાંધો હોય તો ઑર્ગેનાઇઝેશન અને કર્મચારી વચ્ચેનો સંબંધ બહુ લાંબો ટકતો નથી. ઑર્ગેનાઇઝેશન હંમેશાં એવું ઇચ્છે કે તેનો કર્મચારી કંપનીમાં લાંબો સમય રહે અને કંપનીના વિકાસમાં યોગદાન આપે.
પરંતુ વૈચારિક સમન્વયના અભાવે કર્મચારી અને મૅનેજમૅન્ટનો મોટા ભાગનો સમય એકબીજાના વિચારો બદલવામાં જ જાય છે અને અંતે આખી વાત નિષ્ફળતામાં પરિણમે છે. કંપની નાની હોય કે મોટી પરંતુ મોટા ભાગના કંપનીના માલિકોની એક જ ફરિયાદ હોય છે કે સારા માણસો અત્યારે મળતા નથી. સામે પક્ષે કર્મચારીઓની પણ મહદંશે સરખી જ ફરિયાદ હોય છે કે સારા ઑર્ગેનાઇઝેશનમાં સારી જૉબ મળતી નથી.
કંપનીઓને સારા કર્મચારીઓ મળતા નથી અને કર્મચારીઓને સારી કંપની મળતી નથી. આનું મુખ્ય કારણ કંપનીઓ સારા કર્મચારીઓ શોધવાની પસંદગીમાં થાપ ખાય છે, જ્યારે કર્મચારીઓ સારું કલ્ચર અથવા તો સુંદર વાતાવરણ હોય તેવી કંપની શોધી શકતા નથી. મારું ચોક્કસ એવું માનવું છે કે કર્મચારીઓની પસંદગી કરતી વખતે તેમનાં જ્ઞાન, અનુભવ કે કૌશલ્ય કરતાં કર્મચારીઓની વૈચારિક શૈલી વધારે અગત્યની છે. કર્મચારીઓની પસંદગી કરવાની હોય ત્યારે HR ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા મૅનેજમૅન્ટ દ્વારા કેવો અભિગમ રાખવો જોઈએ ???
કેટલીક ટિપ્સ
- # કર્મચારીની પસંદગી વખતે તેના અનુભવ કે જ્ઞાનની ચકાસણી બરોબર કરવી પરંતુ સૌથી અગત્યની વાત – કર્મચારીઓની વિચારશૈલી કેવી છે તેના પર ખાસ ધ્યાન રાખવું.
- # કેટલાક કર્મચારીઓ કામમાં નિપુણ હોય છે પરંતુ તેમના વિચારો નકારાત્મક હોય છે. આવા કર્મચારીઓની પસંદગી ટાળવી જોઈએ.
- # કેટલાક કર્મચારીઓ જ્યારે નવી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપતા હોય ત્યારે તેમની હાલની સંસ્થાની કે મૅનેજમૅન્ટની બહુ ટીકા કરતા હોય છે. આવા કર્મચારીઓ હંમેશાં નકારાત્મક બાજુ જોવા ટેવાયેલા હોય છે. આવા કર્મચારીઓને પસંદ ન કરવા.
- # કેટલાક કર્મચારીઓમાં અનુભવ ઓછો હોય છે પરંતુ તેમની આંખોમાં કશુંક કરી બતાવવાની ચમક દેખાતી હોય છે. આવા કર્મચારીઓની પસંદગી તરત જ કરવી કેમ કે લાંબા ગાળે તેઓ કંપનીમાં સૌથી વધારે ફાળો આપી શકે છે.
- # જે કર્મચારીઓએ ફટાફટ જોબ છોડી હોય તેને લેતાં પહેલાં ભૂતકાળના અનુભવો વિશે પૂરતી જાણકારી મેળવવી
- # તમારી કંપનીના ક્લચરમાં જે ફિટ થાય તે કમર્ચારીને ભલે ઓછો અનુભવ હોય તો પણ તેને પ્રાથમિકતા આપવી
- # કેટલાક કર્મચારીઓ ચાપલુસી કરવામાં માહિર હોય છે, આવા કર્મચારીઓને ઇન્ટરવ્યૂમાં ઓળખવા અને રિજેક્ટ કરવા.
- # કેટલાક કર્મચારીઓ સેઇફ પ્લે એક્સપર્ટ હોય છે. તેઓ કદી પણ જાતે નિર્ણય નહિ લે અને કંપનીનો ગ્રોથ અટકાવશે.
- # જે કર્મચારીમાં પોઝિટિવ એટિટ્યૂડ વધારે હોય તેને પસંદગીમાં ચોક્કસ પ્રાથમિકતા આપવી.
- # જે કર્મચારીઓ વધુ પડતા લાગણીશીલ હોય તેને કંપનીમાં લેતા પહેલાં બે વખત વિચારવું. જરા પણ વાંધો પડતાં તે કર્મચારી કંપની છોડતા વાર નહિ કરે.