એક દિવસ ક્લાસમાં આવીને સરે બધાના હાથમાં એક એક સફેદ પેપર આપ્યું.અને પછી કહ્યું, ‘આ સફેદ પેપર છે તેનું તમારે જે કરવું હોય તે કરો.પણ માત્ર આ સફેદ પેપર પર જ… તમારી પાસે અડધો કલાકનો સમય છે. બધા વિદ્યાર્થીઓ વિચારવા લાગ્યા.અને સર કઈ જ બોલ્યા વિના બોર્ડ પર સુવાક્ય લખતા હતા ‘આપણા વિચાર ..આપણી મહેનત…આપણી પ્રગતિ…આપના હાથમાં હોય છે.’ આ સુવાક્ય લખ્યા બાદ સર ચુપચાપ કોણ શું કરે છે તે જોવા ક્લાસમાં આંટા મારતા હતા.એક વિદ્યાર્થીએ સફેદ પેપરમાંથી બોટ બનાવી અને બીજા વિદ્યાર્થીએ રોકેટ.ત્રીજા વિદ્યાર્થીએ સફેદ પેપર પર સરસ ડીઝાઇન કરી..ચોથા વિદ્યાર્થીએ સુંદર ચિત્ર બનાવ્યું.પાંચમાં વિદ્યાર્થીએ તેની પર કવિતા લખી…છઠ્ઠા વિદ્યાર્થીએ સફેદ પેપરને કાતરથી કટિંગ કરી જાળીદાર ડીઝાઇન બનાવી.
સર ખુશ થયા કે બધા વિદ્યાર્થીઓ તેમને મળેલા સફેદ પેપર પર કૈંક સરસ બનાવી રહ્યા હતા.સરે જોયું એક વિદ્યાર્થી સફેદ પેપરને માત્ર જોઈ રહ્યો હતો અને કૈંક વિચારી રહ્યો હતો.સર કહ્યું, ‘જલ્દી કર સમય પૂરો થવા આવ્યો છે.’ બીજો વિદ્યાર્થી સફેદ પેપર પર કૈંક દોરતો વળી તેને ભૂંસી નાખતો.આમ તેને ઘણી વાર કર્યું અને પેપર પર ડાઘ પડી ગયો.સર કહ્યું, ‘વાંધો નહિ ભલે ડાઘ પડ્યો પણ કૈંક બનાવ.’ એક વિદ્યાથી કઈક બનાવવાની કોશિશ કરતો હતો પણ કઈ બરાબર બન્યું નહિ અને આખું પેપર ચોળાઈ ગયું.સર બોલ્યા, ‘ભલે ચોળાઈ ગયું ફરી એકવાર કોશિશ કર.’એક વિદ્યાર્થીએ તો ખબર નહિ શું કર્યું કે તેની બેદરકારીથી પેપર પણ પાણી ઢોળાયું અને પેપર ફાટી ગયું.સર બોલ્યા, ‘જલ્દી પેપર ચીટકાવ અને પછી આગળ વધ.’ એક વિદ્યાર્થીએ તો પેપરમાંથી કઈ ન બનાવતા તેને ડૂચો વાળી કચરાટોપલીમાં ફેંકી દીધું.સર કઈ ન બોલ્યા આગળ વધી ગયા.
આમ અડધો કલાક પૂરો થયો અને બધાના સફેદ પેપરનું સ્વરૂપ બદલાયેલું હતું.સરે બધાના પેપર જોયા અને તેમને કરેલા કામ માટે શાબાશી આપી.પછી સમજાવ્યું, ‘વિદ્યાર્થીઓ તમને બધાને વર્ગની શરૂઆતમાં એક સરખા સફેદ પેપર આપવામાં આવ્યા હતા અને અડધો કલાક તમે તમારા વિચારો અને તમારી આવડત પ્રમાણે જે મહેનત કરી તે તમારી સામે છે.હવે સમજો તમારું જીવન તમારું નસીબ આ સફેદ પેપર સમાન છે તમે તમારી મહેનત અને આવડત પ્રમાણે તેમાંથી જે બનાવશો તે પ્રમાણે તમારું જીવન બનશે.જો તમે તમારી આવડત પ્રમાણે મહેનત કરશો તો જીવનમાં મનચાહી મંઝીલ પામી શકશો.જો માત્ર શું કરવું વિચારતા જ રહેશો તો સમય પસાર થઇ જશે.ભૂલ થાય તો તેમાંથી શીખી આગળ વધજો અટકી ન જતા.હતાશ કે નિરાશ થયા વિના મહેનત ચાલુ રાખજો.અને જીવનને નકામું સમજીને વેડફી ન દેતા.’ સરે વિદ્યાર્થીઓને જીવન વિષે બહુ સરસ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.