કોઇ બે દેશ વચ્ચે ગોળીબારની ઘટનાઓ અને હિંસક પ્રદર્શનો થાય તે સામાન્ય બાબત છે. કોઇ દેશના લોકો પાણી માટે સામ સામે લડે અથવા પ્રદર્શન કરે તે પણ દુનિયાના દરેક દેશમાં બનતું આવ્યું છે પરંતુ કોઇ એક જ દેશના બે રાજ્યોની પોલીસ વચ્ચે ગોળીબાર થાય તે વાત અકલ્પનીય છે. દેશમાં અનેક રાજ્યો વચ્ચે જુદા જુદા મુદ્દાઓ વચ્ચે ઘર્ષણ ચાલી જ રહ્યાં છે પરંતુ આ પ્રકારે ગોળીબારની ઘટના સંભવત પહેલી છે અને આવી સ્થિતિનું નિર્માણ કોઇ કાળે નહીં થાય તે માટે કેન્દ્રએ સતર્ક રહેવું જ પડશે. નહીં તો આ બાબત દેશ માટે કાળી ટીલી સમાન ગણી શકાય તેમ છે. પૂર્વોતર રાજ્યોમાં આમતો વર્ષોથી જુદી જુદી બાબતે આંદોલન અને ઘર્ષણો ચાલતા જ આવ્યા છે પરંતુ આ વખતે જે બન્યુ છે તે કંઇક અલગ જ છે. આ વાત છે દેશના બે રાજ્યો આસામ અને મિઝોરમની. આસામ અને મિઝોરમ વચ્ચે અંગ્રેજોના સમયથી વિવાદ ચાલ્યો આવે છે. મિઝોરમ 1972 સુધી આસામનો જ હિસ્સો હતો. મિઝોરમ આસામની સાથે જ હતું, પરંતુ મિઝો લોકો અને લુશાઈ હિલ્સનું ક્ષેત્ર નક્કી હતું.
આ ક્ષેત્રને 1875માં નોટિફાય કરવામાં આવ્યું હતું. તે મુજબ મિઝોરમની રાજ્ય સરકાર પોતાની સીમાનો દાવો કરે છે, પણ આસામ સરકાર તેને સ્વીકારતી નથી. આસામ સરકાર 1933માં નોટિફાય કરવામાં આવેલી સીમા મુજબ પોતાનો દાવો આગળ ધરે છે. બંનેના માપમાં ઘણો ફરક છે અને વિવાદનું મૂળ એકમેકની સીમાને ઓવરલેપ કરતો હિસ્સો છે, જેના પરનો પોતપોતાનો દાવો જતો કરવા બંને રાજ્ય સરકારો તૈયાર નથી. 1875નું નોટિફિકેશન બંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન (બીઈએફઆર) એક્ટ-1873 હેઠળ બહાર પાડવામાં આવ્યું હતું, જ્યારે 1933માં જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું તેમાં મિઝો સમુદાયના લોકોની સલાહ લેવામાં આવી ન હતી.
તેથી મિઝો સમુદાયે તેનો વિરોધ કર્યો હતો. આસામની સાથે મિઝોરમની 165 કિલોમીટર લાંબી સીમા છે. તેમાં મિઝોરમના ત્રણ જિલ્લા આઈઝોલ, કોલાસિબ અને મમિતનો સમાવેશ થાય છે, જ્યારે આ સીમામાં આસામના કછાર, કરીમગંજ અને હૈલાકાંદી જિલ્લા આવે છે. આસામના કછાર જિલ્લાના લૈલાપુર ગામના લોકો અને મિઝોરમના કોલાસિબ જિલ્લાના વૈરંગતે પાસે સ્થાનિક લોકો વચ્ચે ગયા ઑક્ટોબરમાં સીમા વિવાદ સંબંધે હિંસક સંઘર્ષ થયો હતો. તેમાં કમસે કમ આઠ લોકોનાં મોત થયાં હતાં. દરમિયાન પાંચ દિવસ પહેલા મીઝોરમ અને આસામ વચ્ચે ફરી ઘર્ષણ થયું હતું. જે દરમિયાન થયેલા ગોળીબારમાં આસામના ઓછામાં ઓછા છ પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા જેના કારણે વિવાદ વધુ વકરી ગયો છે. એટલું જ નહીં મીઝોરમે તો આસામના મુખ્યમંત્રી હેમંત સરમા તેમજ ડીજીપી સહિત છ અધિકારીઓની સામે એફઆઇઆર પણ દાખલ કરી દીધી છે અને તેમને તપાસ માટે હાજર થવા માટે સમન્સ પણ પાઠવી દીધા છે. મિઝોરમ પોલીસે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે હથિયારોથી સજ્જ ૨૦૦ પોલીસ કર્મચારીઓએ આઈજીપીના નેતૃત્વમાં તેમના ૨૦ પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને તેમના પોલીસ કેમ્પને અનામત વનની જમીન પર અતિક્રમણ ગણાવતા બળજબરીથી કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. એફઆઈઆર મુજબ મિઝોરમ પોલીસની સંખ્યા ઘણી ઓછી હતી. આ ઘટનાની જાણ થતાં કોલાસિબ એસપી સ્થળ પર પહોંચ્યા અને આસામ પોલિસ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આસામ પોલીસ સાંભળવા તૈયાર નહોતી. આ અગાઉ આ ઘટનામાં આસામ પોલીસે મિઝોરમના છ અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું. બધાને બીજી ઓગસ્ટે ઢોલાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવાયું છે. હાલમાં તો સ્થિતિ એટલી હદે વણસી ગઇ છે કે બંને રાજ્યોની સીમાઓ પર મોટી સંખ્યામાં બંદૂક ધારી પોલીસ ગોઠવી દેવામાં આવી છે. બે રાજ્યો વચ્ચે ચાલતો વિવાદ દેશમાં નવો નથી. દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો ક્રિષ્ણા અને કાવેરી નદીના પાણી માટે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ક્રિષ્ણા નદીના જળ મુદ્દે તેલંગણા અને આંધ્રપ્રદેશ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે કાવેરી નદીના મુદ્દે કર્ણાટક અને તામિલનાડુ સામસામે છે. બેલગામ માટે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ પણ વારંવાર હિંસક સ્વરૂપ ધારણ કરતાં રહે છે પરંતુ કોઇ દિવસ કોઇ રાજ્યની પોલીસે આ મુદ્દે એક બીજા પર ગોળીબાર નથી કર્યા. આસામ અને મિઝોરમ વચ્ચેનો વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે અને આસામે મિઝોરમની સપ્લાય ચેઇન કાપી નાંખવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. ત્યારે એ બાબત તો સ્પષ્ટ છે કે એક દેશમાં આવેલા બે રાજ્યો વચ્ચે આટલી હદે વિવાદ વકરે તે ગંભીર બાબત છે અને હવે જ્યારે વિવાદ વકરી ગયો છે તો કેન્દ્ર સરકારે વચ્ચે પડીને તેનો માર્ગ શોધી જ કાઢવો જોઇએ.