Comments

ખેતીની સમસ્યાઓનો સર્વગ્રાહી વિચાર કરવાનો સમય આવી ગયો છે

ભારતના ઇતિહાસનો એક આગવો અને અનોખો બોધ એ છે કે ભારતમાં શકો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા મોઘલો આવ્યા, કોંગ્રેસ આવી કે ભાજપ આવ્યું. વેપારીઓને ક્યાંય તકલીફ પડી નથી અને ખેડૂતોને ક્યારેય શંતિ થઇ નથી.જો ધ્યાનથી અભ્યાસ કરીએ તો એક વાત સમજાય છે કે અંગ્રેજોએ ભારતમાં વિધિસરનું શાસન શરૂ કર્યું પછી શિક્ષણવ્યવસ્થા ઊભી કરી કારણકે તેમણે વહીવટમાં મદદ મળે તેવાં સ્થાનિકોની જરૂર હતી. બેંક શરૂ કરી નાણાં વ્યવસ્થા ઊભી કરી કારણ કે તેમણે વ્યવહાર અને વ્યાપાર કરવો હતો.

રસ્તા, ટેલિફોન, રેલવે બધી જ આધુનિક સગવડ જે બ્રિટીશ શાસનને મદદ કરે, મજબૂત કરે તે અંગ્રેજોએ કરી, જેનો લાભ ભારતીય પ્રજાને પણ મળવા લાગ્યો. વહીવટથી માંડીને વ્યવસ્થા સુધી બધું જ સર્જનારી બ્રિટીશ સરકારે પાણી માટે શું કર્યું? એકાદ અપવાદને બાદ કરતાં અંગ્રેજોએ ભારતમાં ક્યારેય પાણીની વ્યવસ્થા માટે કાંઈ કર્યું નથી. નાનાં કૂવા તળાવ પણ નથી ખોદાવ્યાં તો સિંચાઈ વ્યવસ્થા, બંધ, નહેરો કે વોટર મેનેજમેન્ટ જેવું કાંઈ કર્યું નથી. (કોઈને ધ્યાનમાં હોય તો કહેજો પાછા!) શું અંગ્રેજો જાણતા હતા કે ભારતીય ખેડૂતને પાણી મળી જાય પછી તેને કોઈની જરૂર પડતી નથી. બીજું કે પાણીની વ્યવસ્થા ખેતીપ્રધાન ભારતને આંતરિક રીતે મજબૂત બનાવે. તેને સ્વાવલંબી બનાવે. માટે કદાચ ઈરાદાપૂર્વક અંગ્રેજોએ ભારતમાં પાણી અને તેના વ્યવસ્થાપનમાં કાંઈ કામ કર્યું નહિ હોય.

આઝાદી પહેલાં અંગેજોએ જે ના કર્યું તે આઝાદી પછી સ્વતંત્ર ભારતની સરકારોએ પણ ના કર્યું. જવાહરલાલ નહેરુએ ભાકરાનાંગલ ડેમના ઉદ્ઘાટનમાં કહ્યું હતું કે આ આધુનિક ભારતનાં મંદિરો છે પણ પછી તો ભારત ખરેખર જ હજાર કરોડનાં મંદિરો અને ધર્મસ્થાનો બાંધવામાં લાગી ગયો અને બંધ બાંધવાની વાત બાજુએ રહી ગઈ. ઔદ્યોગિક ક્રાંતિની આડમાં ખેતીપ્રધાન ભારત તેની પ્રાથમિકતાઓ ભૂલ્યો. વચ્ચે એક પાંચ વર્ષીય યોજનામાં ખેતીમાં ક્રાંતિ થઇ. બંધો બંધાયા, નહેરોનો વ્યાપ વધ્યો. કૃષિ કાયદાઓમાં પરિવર્તન થયું.

સંસ્થાકીય અને ટેક્નોલોજીક પરિવર્તનો દ્વારા હરિયાળી ક્રાંતિ થઇ પણ વળી પાછું આધુનિકીકરણ અને શહેરીકરણનું ભૂત વળગ્યું એમાં ઉદારીકરણ આવ્યા અને ખેતીની સદંતર ઉપેક્ષા થઇ અને આજે ભારતમાં ખેતીક્ષેત્ર અનેક નવી સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. વળી ખેતીની ઉપેક્ષા અને ગરીબી માટેની નેતાઓની રાજકીય સમજણ પણ બહુ સારી નથી. કેટલાંક રાજ્યો પછાત રહે અને ખેતી વિકસે નહિ તો ત્યાંનાં લોકો રોજગાર માટે બીજાં રાજ્યો પર પરાવલંબી રહે અને ત્યાં ઉદ્યોગવ્યવસાયને સરળતાથી સસ્તા દરે શ્રમિકો નવા સમયના વેઠિયા મળી રહે!

ભારતીય ખેતીની મૂળભૂત સમસ્યાઓનો છેલ્લા ઘણાં વર્ષોથી નિસ્બતપૂર્વક વિચાર જ થયો નથી. જેમકે ભારતીય ખેતીની મૂળભૂત સમસ્યાઓમાં પ્રથમ એ છે કે ખેતીનો વિકાસ કેવી રીતે થાય? તે સચિવો ટેબલ પર બેસીને વિચારે છે. જમીન સંશોધનથી બિયારણ સંશોધન અને કૃષિવિકાસ બેન્કથી ગ્રામ્ય વિકાસ બધું જ છે પણ છે અધિકારીઓના હાથમાં. અધૂરામાં પૂરું હવે તો સહકારી તંત્ર પણ સરકારી થઇ ગયું છે. નેતાઓ અને વેપારીઓ બધી જ વ્યવસ્થાઓ ગળી ગયા છે.

આજે પણ ભારતીય ખેતી આકાશી ખેતી છે. વરસાદ આધારિત છે અને પાણી અને ખેતીનો સમ્બન્ધ આગ અને હવા જેવો છે. દીવાને સળગતો રાખવા માટે હવા જોઈએ. ઓક્સીજન વગર તે સળગતો ના રહી શકે પણ આ જ હવા જો જોરથી ફૂંકાય તો દીવો ઓલવાઈ જાય. વરસાદનું પણ એવું જ છે. જો બિલકુલ ના આવે તો ખેતી સુકાય અને જો કવેળાનો અતિ આવી જાય તો ખેતી લુંટાય! આપણે ત્યાં ઝડપી અને મોટા પાયે કૃષિ ઉત્પાદન થયું પછી આપણને ખબર પડી કે ખેતીમાં પાક ઉગાડવા કરતાં વેચવામાં વધારે જટિલ છે. કેટલાંક ડાહ્યાં લોકો કહે છે કે એ ખેડૂત પોતે જ વેચે તો તેને નફો થાય. પણ આ નાના શાકભાજીના વેપારીને લાગુ પડે. વીંઘાના વીંઘા ઘઉં કે જુવાર ઉગાડનાર ખેડૂત રસ્તા પર વેચવા કેમનો બેસે? મૂળ તો કૃષિ પેદાશોના બજારની સુચારુ વ્યવસ્થા હોવી એ જ સાચી દિશામાં લેવાયેલું પગલું છે.

આપણે ખેતીના તૈયાર પાકને બચાવવાથી માંડીને તેના વાજબી ભાવ મળે ત્યાં સુધીની વ્યવસ્થાઓનો ફરીથી વિચાર કરવો પડશે. પરમ્પરાગત ખેતી અને પરમ્પરાગત વેચાણ વ્યવસ્થા માટે ફરી વિચાર કરવો પડશે. હમણાં જ નવરાત્રી અને દિવાળી સમયે અમદાવાદના જમાલપુર બ્રીજના નાકે આવેલા ફૂલ બજાર બહાર એવો ટ્રાફિક જામ થતો કે સૌ હેરાન થતાં. આવું વર્ષોથી થાય છે પણ કોઈ અમદાવાદના ચાર ખૂણે ચાર ફૂલ બજાર હોય,આવું વિચારતું નથી. આપણે ફ્રુટનાં બજાર, ફૂલનાં બજાર, કઠોળનાં બજાર એમ વિશિષ્ટ બજારોનો વિચાર જ નથી કરતાં. તેલિયારાજાઓના કારણે આપણે વધુ તેલ મિલોને લાઇસન્સ નથી આપતા, બાકી આ બધી જ મગફળી જે નકામા વરસાદમાં પલળી ગઈ તે વેળાસર વેચાઈ ગઈ હોત!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top