આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં સર્જનમાં ભારતીયતા વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજરૂપ વક્તવ્ય પુનરુત્થાન વિદ્યાપીઠના કુલાધિપતિ ઇન્દુમતિબેન કાટદરેએ જણાવ્યું હતું કે, વેદો અને શાસ્ત્રોમાં કહેલી વાતો લોકો સુધી પહોંચાડવાની જવાબદારી વિવિધ માધ્યમો થકી સાહિત્યની છે. લોકો માંગે તે આપવું એ સર્જકનો ધર્મ નથી, પરતું લોકો માંગતા થાય એવું લખવું. તેઓએ સાહિત્યમાં કેવી રીતે ભારતીય દ્રષ્ટિકોણ રહેલો છે તે વિષે ઉદાહરણ આપી સમજાવ્યું હતું.
આ પ્રસંગે ઇન્દુમતિબહેન કાટદરેએ જણાવ્યું હતું કે, ભારતને તેની રાજકીય પરાધીનતા કરતાં વધુ તેની વૈચારિક પરાધીનતાએ ત્રસ્ત કર્યું છે. આક્રાંતાઓ આપણને અભારતીય બનાવવા માટે અનેક પ્રયત્નો કર્યા અને તેના જ એક ભાગરૂપે ભારતની વાર્તાઓને પણ તેમણે ઝેર પીવડાવ્યું છે. પરિણામ સ્વરૂપે શરીરથી ભારતીય પરંતુ માનસિક રીતે અભારતીય એવા ભારતીયોનો જન્મ થયો. સર્જક પોતાના સર્જનમાં રાષ્ટ્રનિર્માણ કરવાના ભાવથી સર્જન કરે તે અપેક્ષિત છે. જે રાષ્ટ્ર હિત, લોક હિત, સમાજ હિતમાં નથી તે લખવું એ વાત ભારતીય સર્જક માટે શક્ય જ નથી. તેથી જ તો સર્જકોમાં ભારતીયતાનું નિર્માણ અત્યાવશ્યક છે. આપણે તો એ દેશના છીએ જ્યાં જ્ઞાનને પરંપરામાં માનવામાં આવે છે.
જ્યાંના અક્ષર, લિપિ, ઉચ્ચારણ વગેરે તમામ બાબતોમાં વૈજ્ઞાનિકતા સમાવિષ્ટ છે, તેવા ભારતના આપણે ભારતીય છીએ. તે આપણા માટે સૌથી વધુ ગૌરવપ્રદ બાબત છે. આ વૈજ્ઞાનિકતાને આધારે નિર્મિત એવા વિશ્વકલ્યાણક ભારતીય વિચારને સર્જકોના સર્જનમાં ઉતારવાથી આપણી આગામી પેઢીઓને ઔપનિવેશિક(વસાહતી) માનસિકતાથી મુક્ત કરવામાં ચોક્કસ સફળ થઈ શકાશે. આ વાત ધ્યાનમાં રાખીને જ સાહિત્ય, કટાર-સ્તંભ વગેરે તમામ પ્રકારનું અને સાથે જ બ્લોગ વગેરે જેવાં સામાજિક માધ્યમોમાં પણ નિયમિત લેખનકાર્ય કરનારા સર્જકો સાથે સર્જનમાં ભારતીયતાની આવશ્યકતા અને તે કેવી રીતે દાખલ કરવી તેના સંદર્ભમાં ચર્ચા-વિચારણા અને સંવાદ સ્થાપિત કરવાના હેતુથી જ ‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આ કાર્યશાળા આયોજિત કરવામાં આવી હતી.
વિચાર મંચ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીઅને સરદાર પટેલ યુનિવર્સિટીના સહયોગથી એક દિવસીય કાર્યશાળા ‘સર્જનમાં ભારતીયતા’નું આયોજન એમ. પી. પટેલ સભાગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય વિચાર મંચ, આણંદ એકમના અધ્યક્ષ ડો. રાજેશભાઇ પરીખ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રો. નીરંજન પટેલે યુનિવર્સિટીમાં આગામી સમયમાં ભારતીય જ્ઞાન પરંપરા માટે કોઈ પણ કાર્યક્રમ યોજવા માટે તૈયારી દર્શાવી સેમિનારની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કોઈપણ દેશને ઝેર આપવું હોય તો તેની વાર્તાઓને ઝેર આપવું જોઈએ
નાઈજિરિયન મૂળના નવલકથાકાર બેન ઓકરીએ જયપુરના લિટરેચર ફેસ્ટિવલમાં એક ત્વપૂર્ણ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કોઈપણ દેશને ઝેર આપવું હોય તો તેની વાર્તાઓને ઝેર આપવું જોઈએ. દેશ – રાષ્ટ્રની રચના સંસ્કૃતિને આધારે થતી હોય છે. તેથી જ તો ભારતે હજારો વર્ષના ઇતિહાસમાં હંમેશાં ભૌગોલિક અને રાજકીય સીમાઓથી દૂર રહીને વિશ્વને આર્ય – સુસંસ્કૃત બનાવવા માટે પહેલ કરી. તેથી જ તો દક્ષિણ અમેરિકાથી માંડીને પાપુઆ ન્યૂગિની સુધી ભારતીય જ્ઞાનપરંપરાની મિઠાશ મહેતી આપણને જોવા મળે છે.