Comments

ભારતની મૂળભૂત સાંસ્કૃતિક સમજણને જાળવવાનું કામ આપણા સૌનું છે

ભારત ખેતીપ્રધાન દેશ હતો.હતો એટલા માટે કારણ કે પહેલાં ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ૫૦% થી વધુ રોજગારીમાં ૮૦ % થી વધુ અને નિકાસો પણ ખેતીપ્રધાન વસ્તુઓની હતી પણ હવે આવકમાં માત્ર ૧૪% થી પણ હિસ્સો ઓછો થઈ ગયો છે.નિકાસો ઔદ્યોગિક થઈ ગઈ છે અને માત્ર રોજગારીમાં હિસ્સો ૫૨% થી વધુનો ટકી રહ્યો છે એટલે ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે હવે ભારત ખેતીપ્રધાન નથી રહ્યો.

ભારતમાં ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ જીવનની રીત છે પણ હવે આ સમજણ ઓછી થતી જાય છે.ભારતમાં ખેતી આપણા રોજિંદા જીવન સાથે વણાયેલી હતી પણ હવે શહેરી સમજણમાંથી આ બધું નીકળી રહ્યું છે. આ સાતમ આઠમના તહેવારો જ લો ને.દેખીતી રીતે ધાર્મિક લાગતી આ પરમ્પરાના મૂળમાં ખેતી રહેલી છે.નાગપાંચમથી શરૂ કરો.પહેલાં નાગની પૂજા, પછી ગાયની પૂજા, પછી અગ્નિની પૂજા,વરસાદની પૂજા, ઘાસની પૂજા.એક વાત યાદ રાખો, તહેવારો સમાજની પરંપરામાંથી આવે છે ( અને ડે ઉપરથી )ખેડૂતને ખેતરમાં રોજ જીવ જંતુ સાપ વીંછી સાથે પનારો પાડવાનો.

વળી ખેતી માટે અળસિયાં ઉપયોગી.સાપ હોય તો ઉંદરડા ના આવે.ગાય તો દૂધ અને આવકનો મોટો આધાર અને આર્યો અગ્નિપૂજક એટલે અગ્નિને દેવ માને.અત્રે એક વાત યાદ કરવું કે ભારતીય પરમ્પરામાં આપણે એવું  છે કે જે બાબત માણસને જીવન જીવવામાં ઉપયોગી થાય એ બાબતને વરસમાં એક વાર થેન્ક્યુ કહેવું.આગ, પાણી, હવા એ તો જીવનના આધાર એટલે એને તો પંચતત્ત્વો ગણ્યાં અને ભગવાન પણ માન્યા પણ સાથે સાથે નદી, પર્વત, વૃક્ષ, ગાય એ બધું પણ ખેતી માટે ઉપયોગી એટલે વરસમાં એક દિવસ એને પણ થેંક્યુ કહેવાનું રાખ્યું.

ભારતમાં પહેલા વરસમાં બે વાર કે વધુમાં વધુ ત્રણ વાર પાક લઇ શકતા એટલે ખેતી થાય …પાક તૈયાર થાય ત્યારે ઉત્સવ આવે.ચોમાસું ખેતીનો પાક આવે ત્યારે નવરાત્રી આવે અને શિયાળુ ખેતીનો પાક આવે ત્યારે ધુળેટી આવે.ટૂંકમાં આથેવારો ખેતીપ્રધાન ભારતની પરમ્પરા છે અને હવે સ્માર્ટ સીટીમાં તે ઉજવાય છે ત્યારે તહેવારોનો વિચાર ગાયબ થયો અને ટ્રેડીશન આગળ ચાલી.ઉજવણી કરવાની પણ વિચાર્યા વગર ..સમજણ વગર ….હવે આપણો મૂળ પ્રશ્ન એ કે શું સત્તાવાળાની આ બાબત જવાબદારી ખરી કે નહિ.સાંસ્કૃતિક સમજણને આગળ વધારવામાં સત્તાવાળા ભાગ ભજવી શકે?..એ કામ તે કરે? કરવું જોઈએ? તો જવાબ છે હા.

ભારતના બંધારણ મુજબ દેશના સાંસ્કૃતિક વારસાને આગળ વધારવાનું કામ સરકારોનું પણ છે અને હમણાં હમણાં દેશમાં સામાજિક વિસંવાદિતાના જે પ્રશ્નો ઊભા થયા છે તે હળવા કરવામાં આ સમજણ ખૂબ ભાગ ભજવે છે. સરકારે તહેવારોનું વેપારીકરણ અને કર્મકાંડોનો ધંધો અટકાવી સાચી સમજણથી તહેવારો ઉજવાય તે જોવું જોઈએ.આ માટે માત્ર સરકારી ઉત્સવો અને તેનું બજારુ રૂપ અમલમાં નથી મૂકવાનું પણ શિક્ષણમાં આ સમજણ સામેલ કરવાની છે.કાયદાઓમાં તે લાવવાની છે અને આ વારસાને જળવવા મથતાં લોકોને મદદ કરવાની છે.

આપણા શિક્ષણથી માંડીને કોર્ટ કચેરી બધું જ ઉદ્યોગપ્રધાન શહેરોને ધ્યાનમાં રાખીને ચાલે છે.ખેતીને ધ્યાનમાં રાખીને આ બેંકો,સ્કૂલો ,સરકારી ઓફિસો નથી ચાલતી.આજે સાતમ આઠમમાં સ્કૂલોમાં રજા હોય છે પણ ત્યાં કલાસીસો રજામાં ચિક્કાર હોય છે.યંત્રવત્ જીવનમાં તહેવારોનો આનંદ ઉમેરતો નથી.શહેરમાં આવેલાં સૌને ગામડે જવું હોય છે એની વ્યવસ્થા વિચારતી નથી.માત્ર કૃષિ મેળા કરવાથી વાત પૂરી ન થાય.ખેતીને અનુરૂપ વ્યવસ્થા ગોઠવાય તો ખેતી અને તે સાથે જોડાયેલા તહેવારો સાચી રીતે ઉજવાય અને આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અત્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં સંસ્કૃતિપ્રેમી સરકાર છે ( અથવા તો એવો દાવો કરતી સરકાર છે ) સરકારે ગ્રામ્ય વિસ્તારો માટે અલગ અને શહેરી વિસ્તારો માટે અલગ વ્યવસ્થાઓ વિચારવી જોઈએ.ગામડામાં ખેતીના સમય મુજબ સ્કૂલો અને બેંકો અને મામલતદાર કચેરીઓ ચાલે, એમની ભાષામાં વાત કરે એવી રીતે ચાલે અને તેમના તહેવારો ઉજવવામાં સામેલ થાય તેવાં લોકોથી ચાલે તે ખૂબ જરૂરી છે પણ આ સમજણ આ લોકોને આપે કોણ?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top