Editorial

વેપારીવૃત્તિથી વિવાદો કરતા બાબા રામદેવને હવે સરકાર સબક આપે તે જરૂરી છે

પહેલા યોગ અને હવે પોતાના નિવેદનને કારણે બાબા રામદેવ ભારે વિવાદમાં આવી ગયા છે. બાબા રામદેવનો વિવાદ ઊભો કરવા પાછળ શું હેતું છે તેની તો માત્ર બાબા રામદેવને જ ખબર, પરંતુ જે રીતે વિવાદ શરૂ થયો છે તે હવે વકરી રહ્યો છે. સરકાર પણ આ વિવાદમાં તાલ જોઈ રહી છે પરંતુ આ વિવાદમાં એક વાત એ ચોક્કસ છે કે સારવારની દરેક પદ્ધતિ પોતાની રીતે સાચી છે અને ક્યારેય કોઈને પણ એવો અધિકાર મળતો નથી કે પોતે જે તે ચિકીત્સા પદ્ધતિની બદબોઈ કરે. દેશમાં સદીઓથી આયુર્વેદની પદ્ધતિથી સારવાર કરવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે આયુર્વેદની સાથે સાથે નેચરોપથીથી પણ સદીઓ પહેલા સારવાર થતી જ હતી. બાદમાં એલોપથી અને હોમિયોપેથી પણ આવી. આ તમામ સારવાર પદ્ધતિ પોતાની રીતે સાચી પણ છે અને દરેક પદ્ધતિના ફાયદા અને તેની સાથે નુકસાન પણ છે. બાબા રામદેવ પોતાની પ્રોડક્ટ વેચવામાં વિવિધ પદ્ધતિઓ વચ્ચે રહેલી ભેદરેખાને ઓળંગી ગયા અને ઝેર ઓકી ગયાં. હકીકતમાં બાબા રામદેવને માત્ર યોગ આવડે છે. એ સિવાય બાબા રામદેવ પાસે આયુર્વેદ કે અન્ય કોઈપણ તબીબી સારવારનું કોઈ જ જ્ઞાન નથી.

થોડા સમય પહેલા બાબા રામદેવએ યોગ અભ્યાસના એક સેશનમાં એવું કહ્યું હતું કે વેક્સિનના બન્ને ડોઝ લીધા પછી પણ એક હજાર ડોક્ટરોનાં મોત થયાં છે. ડોક્ટર પોતાને જ ન બચાવી શક્યા તે ડોક્ટર શા કામના? ડોક્ટર બનવું હોય તો બાબા રામદેવ જેવા ડોક્ટર બનો!! બાબાના આ બફાટને કારણે એલોપથીના તબીબો ભારે રોષે ભરાયા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. બાબા પાસે કોઈ તબીબી ડિગ્રી નથી. આ સંજોગોમાં બાબા રામદેવે એવું કેવી રીતે કહી શકે કે બાબા રામદેવ જેવા ડોકટર બનો? આઈએમએની ભારે આપત્તિને પગલે બાબા રામદેવે માફી માંગી લીધી. પરંતુ જે વિવાદ શરૂ થયો છે તેમાં હવે ઈન્ડિયન મેડિકલ એસો. બાબા સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગણી કરી રહ્યું છે. એસો. દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ અંગે પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં એવું પણ કહેવાયું છે કે બાબા રામદેવ વેક્સિન અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે.

જેથી તે ગુનાને પાત્ર ઠરે છે. ઉત્તરાખંડ આઈએમએ દ્વારા બાબા રામદેવ પર માનહાનિનો કેસ કરીને 1000 કરોડના વળતરની માંગ પણ કરવામાં આવી છે.ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા વડાપ્રધાનને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં એવું જણાવ્યું છે કે, બાબા રામદેવે એવો દાવો કર્યો છે કે રેમડેસિવર, ફેવિફ્લૂ અને DGCI દ્વારા મંજૂરી અપાયેલી વિવિધ દવાઓને કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા છે. કોરોના દર્દીઓની સારવારમાં રેમડેસિવિરના ઉપયોગની મંજૂરી કેન્દ્રની સંસ્થા સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ જૂન-જુલાઈ 2020માં આપી હતી. જેથી તેના વિરોધ દ્વારા બાબા રામદેવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને સ્વાસ્થ્યમંત્રીની સંસ્થાને પણ પડકાર આપ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા બાબા રામદેવ સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.

પરંતુ સાથે સાથે એ સત્ય જ છે કે બાબા રામદેવ કોઈ ડોક્ટર નથી અને તેમની પાસે એવી કોઈ સિધ્ધિ નથી ત્યારે બાબા રામદેવને આવી રીતે લવારા કરવાનો કોઈ જ હક મળતો નથી. માત્ર યોગના કેટલાક આસનો દ્વારા પોતાના ભક્તો ઊભા કરી લેનાર બાબા રામદેવ અને તેમના ગુરુ બાલકૃષ્ણ જ્યારે તેમને જરૂર હોય ત્યારે એલોપથીની સોડમાં ભરાઈ જાય છે. જો બાબા રામદેવ અને તેમના ગુરુ બાલકૃષ્ણને પોતાની સારવાર પદ્ધતિ અને પોતાની દવાઓ પર એટલો જ ભરોસો હોય તો શા માટે એલોપથીની સારવાર તેમણે લીધી હતી? બાબા રામદેવને એ ભાન હોવું જોઈએ કે એક એલોપથી ડોક્ટર ત્યારે જ તૈયાર થાય છે કે જ્યારે સાડા ચાર વર્ષ ભણતર અને એક વર્ષ ઈન્ટર્નશિપ કરી હોય. સાડા પાંચ વર્ષની મહેનત બાદ એક એલોપથી ડોક્ટર તૈયાર થાય છે.

ખરેખર સરકારે બાબા રામદેવના આ લવારા હવે બંધ કરાવવા જોઈએ. બાબા રામદેવ પાસે કોઈ જ ઓથેન્ટિક તબીબી જ્ઞાન નથી. પોતાની દવાઓ વેચવા અને વેપાર કરવા માટે બાબા રામદેવ અવારનવાર આવા બળાખા કરે છે. બાબા રામદેવનો હેતુ માત્રને માત્ર એલોપથી માટે ભ્રમ ફેલાવીને પોતાની દવાઓ વેચવાનો છે. આ સંજોગોમાં પોતાના લવારા દ્વારા લોકોની જિંદગી સાથે ચેડાં કરવાની કોઈ જ સત્તા બાબા રામદેવને મળતી નથી. સરકાર તાકીદના ધોરણે બાબા રામદેવ સામે પગલાં લે અને સાથે સાથે બાબા રામદેવ આવી રીતે કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે ખોટા નિવેદનો નહીં કરે તે સુનિશ્ચિત કરે તે જરૂરી છે.

Most Popular

To Top