રાજ્યો પોતાની માતૃભાષા બોલવા જીદ કરે તે વ્યવહારુ નથી. મહારાષ્ટ્રમાં સત્તા બહાર થયેલા નબળા અને નવરા થયેલા રાજકીય પક્ષો વોટ બેન્ક ઊભી કરવા ભાષાના નામે રાજકીય રોટલો શેકવા નીકળ્યા છે. એમાં હાલમાં જ એક ગુજરાતીને મરાઠી ન બોલવા બદલ માર મારવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં અને તેમાં ખાસ કરીને મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનો ફાળો અમૂલ્ય છે. મુંબઈમાં રહેતા ગુજરાતી પોતાની મહેનતે વેપાર કરી આગળ આવ્યા છે, સમૃદ્ધ થયેલા ગુજરાતીઓની દુકાનોમાં મરાઠીઓ નોકરી કરે છે તેથી ગુજરાતીઓ ખૂંચે છે.
જો ભાષા પ્રત્યે એટલો જ પ્રેમ ઉભરાતો હોય તો દેશની રાષ્ટ્રીય ભાષા તો હિન્દી છે તેને માન આપો. દરેક રાજ્યો પોતાની માતૃભાષામાં વ્યવહાર કરવાની જીદ કરે તે વ્યવહારુ નથી, દરેક રાજ્યોમાં બીજા ત્રીજા રાજ્યના લોકો આવીને વસેલા હોય છે તેઓ જે રાજ્યમાં રહેતા હોય તેની ભાષા નહીં પરંતુ ખાસ કરીને હિન્દી અથવા અંગ્રેજીથી કામ ચલાવે છે તેવા લોકો સાથે કોઈપણ રાજ્ય પોતાની ભાષામાં વાત કરવાની કે વ્યવહાર કરવાની જબરજસ્તી ના કરી શકે. ગુજરાતમાં મરાઠીઓ રહે છે એ લોકો ગુજરાતી બોલતા નથી પરંતુ રાષ્ટ્રીય ભાષા હિન્દી બોલે છે હવે ગુજરાતીઓ મરાઠીઓને કહે કે તમે પણ ગુજરાતી શીખો એવી જબરજસ્તી કરે તો દુશમની સિવાય બીજું કાંઈ થઈ શકવાનું નથી.
સુરત – વિજય તુઇવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.