Comments

આપણી આર્થિક હાલત નાજૂક હોય તે ગુનો નથી પણ આ ગરીબીનો સ્વીકાર ન કરવો તે ખોટું જરૂર છે

એક સવર્ણ જ્ઞાતિના કુટુંબમાં પાંચ સભ્યો છે. માતા-પિતા આધેડ થવા આવ્યા છે બે જુવાન છોકરા હજુ ભણી રહ્યા છે અને નોકરી શોધી રહ્યા છે. ઘરડીમાં સાથે રહે છે. ઘરમાં કોઈ કામાતુ નથી. માને થોડું પેન્શન મળે છે, પપ્પા છુટક કામ કરે છે. મળે તો ઠીક ના મળે તો નવરા. ટૂંકમાં ઘરમાં કાયમી આવક નથી. આ કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ નથી. દર મહિને ભરવા ઘરભાડું નથી. ભણતા છોકરાની ફી ભરવા રૂપિયા નથી. ઓળખીતા પાળખીતા પાસે થઈ રૂપિયા માંગી ઘર ચાલે છે.

આમાં મોટી બીમારી કે અન્ય ખર્ચ આવી જાય તો દેવું થયા વગર રહે નહીં પણ મૂળ પ્રશ્ન એ કે ઉધાર-ઉછીના આપે પણ કોણ? પણ આ ઘરમાં ચેનલ છે. બધા જ સભ્યો પાસે મોબાઈલ છે મહિને એક વાર હોટલમાં જમવાનું અને છોકરાઓ મલ્ટિપ્લેક્ક્ષમાં જ ફિલ્મ જોવા જાય છે. આવક સાથે આ બધુ બંધ નથી બેસતું, પણ છે. સંકટ સમયે મદદ કરનારા ઘણીવાર કહે છે કે ભાઈ તમે ગરીબ છો એ વાત સ્વીકારો. બિન જરૂરી ખર્ચા ઓછા કરો. આપણે ઊંચા સવર્ણ જ્ઞાતિના હોઈએ તો શું થઇ ગયું? આપણે પણ બી.પી.એલ. કાર્ડ કઢાવવું જોઈએ.

સરકારના રાહત દરે જે મળે છે તે વાપરવું જોઈએ અને નોકરી જે મળે તે પણ કાયમી ધોરણે સ્વીકારવી જોઇએ. જો તમે ગરીબી છે એમ સ્વીકારશો તો જ તેના ઉકેલ માટે કમર કસ્સો. છુપાવશો તો ઉકેલ નહીં આવે કડવી લાગે એવી વાત આ દેશને પ્રજા ને અને ખખડી ગયેલા ઘરને બહાર થઈ રંગી નવું હોવાની બનાવટ કરતી સરકારોને સચોટ લાગુ પડે છે. દેશનો નિમ્ન માધ્યમ વર્ગ ના પોસાય એવા ખર્ચ કરી રહ્યો છે, બજારવાદના વસ્તુવાદના, ઉપભોગવાદના રવાડે ચડેલો માનસ ના પોસાય તો પણ મોબાઈલ રાખે છે. માત્ર સ્ટેટસ માટે બાળકોને ખાનગી સ્કૂલોમાં ભણાવે છે. ચેનલોના મહિને ત્રણસો રૂપિયા ચૂકવે છે અને આ બધુ જ હવે પાયાની જરૂર થઇ ગયું છે એવા આશ્વાસનો પણ જાતે જ ઊભા કરે છે.

જો આપણે પ્રમાણિકપણે આપણા ઘરનું બજેટ બનાવીએ તો દેખાય કે આપણે કેટલા બધા એવા ખર્ચ કરીએ છીએ જે ના કરીએ તો ચાલે. દેશમાં પીવાનું પાણી પહોચે એ પહેલા મોબાઈલ પહોચી ગયો છે જે બતાવે છે કે આપણે જરૂરિયાત અને મોજ શોખનો ફેર નથી પાડી સકતા. શહેરીકરણના પાયામાં બિન જરૂરી સ્થળાંતર પણ એક મુદ્દો છે. શહેરો હવે બેકારો થઈ ઉભરાય છે. શહેરમાં આવ્યા પછી રોજીંદા વાહન વ્યવહારમાં રૂપિયા ખર્ચાય છે. બેકારીનો સમય ઘરમાં બેસીને તો પસાર થતો નથી ને? સરકાર ગરીબી ઓછી છે એમ બતાવવા માંગે છે, લોકો પણ અમે ગરીબ છીએ તે છુપાવવા માંગે છે. આમાં ગરીબી પર સીધા હુમલાની વ્યૂહરચના ક્યાંથી થાય?

વ્યક્તિની જેમ સરકારો પણ ગરીબી છુપાવવામાં લાગી છે. નવા ગરીબો નોંધવા અને તેમને બીપીએલ કાર્ડ આપવા આપણા સરકારી તંત્રને ગમતા નથી કારણ કે એમ કરવાથી દેશમાં ગરીબોની સંખ્યા જાહેર થઇ જાય. સરકાર દેશમાં મોબાઈલ ધારકોના, ટીવી જોનારના, વાહનો ખરીદનારાના આંકડા જાહેર કરી દેશની પ્રગતિ જાહેર કરવા માંગે છે. દેશમાં ૨૪ કરોડ સાચા અર્થમાં ગરીબ છે જ્યારે બીજા ત્રીસ કરોડ ગરીબ છે પણ ગરીબી રેખા કરતા થોડું વધારે મેળવે છે. આપણે ગરીબીના વાર્ષિક આંકડા ભેગા કરવાની જરૂર છે કારણ કે રોજગારી અત્યંત અસ્થિર પરિબળ બની ગયું છે.

 કરોડો યુવાનો એવી નોકારીયો કરી રહ્યા છે જેમાં આજે કામ છે અને અઠવાડિયા પછી નથી. આ વર્ષે આવક થાય અને આવતું આખું વરસ બેકાર એટલે કે ગરીબ જેમ વ્યક્તિએ તેમ સરકારે દેશમાં જે ગરીબી છે તેનો સ્વીકાર કરવો જોઈએ અને તે નાબૂદ કરવા સખત પગલા લેવા જોઈએ. આપણે બુલેટ ટ્રેન, સ્માર્ટ સીટી કે આધુનિકતાના રંગ રોગન પાછળ દેશની આવક ખર્ચી નાખવાની જરૂર નથી, આપણે બેકારી પર સીધો હુમલો કરવાની જરૂર છે. હજુ આપણે ખેત પેદાશોના ખરીદ-વેચાણની વ્યવસ્થા ગોઠવી શક્યા નથી. એક સમયે જે ડુંગળીના ભાવ વધારા માટે જબરદસ્ત રાજનીતિ થતી હતી, તે ડુંગળીના ભાવ અત્યારે સાવ ગગડી ગયા અને ખેડૂતોને રોવા વારો આવ્યો ત્યારે કોઈ રાજનેતા ડોકાતો નથી. કોઈ ચેનલો ચર્ચા ગોઠવતી નથી, કોઈ છાપાઓ લેખ છાપતા નથી.

 સરકાર ઉજવણીમાં કરોડો રૂપિયા ખર્ચી રહી છે. પ્રધાનમંત્રી આવ્યા અને ગયા એમાં શહેરના રસ્તાઓ પર લાઈટોના ખર્ચા જોયા ત્યારે થયું કે આપણી સરકાર પણ પેલા સજ્જન જેવી જ છે. ખાવાના સાંસા છે અને મોબાઇલ, મલ્ટીપ્લેક્સ, હોટલોના ખર્ચા બંધ નથી થતા. સરકાર તો ઠીક આપણા અર્થશાસ્ત્રીઓ પણ હવે ગરીબી ભૂલી ગયા છે. પહેલા ભારતમાં ગરીબીના સંશોધનો થતા. કારનો અને ઉપાયોની ચર્ચા થતી અને સરકાર એ મુજબ પગલા જાહેર કરતી. દાંડેકરને રથના અભ્યાસો મિન્હાસના અભ્યાસો, આયોજન, પંચના અભ્યાસો.

હવે તો આયોજન પંચ જ નથી રહ્યું તો અભ્યાસો કોણ કરાવે? ગુજરાતમાં પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામોમાં અત્યારે પીવાના પાણીની સમસ્યા છે. આજે પણ ઊંચા શિક્ષણ માટે લાખો વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. આ ગરીબી નથી તો શું છે? આપણે પાયાના પ્રશ્નો ભૂલી ગયા છીએ કે આ નવા બજારમાં ભુલાવી દેવાયા છે. ઓકે, સરકાર તો સુધરે ત્યારે ખરી પણ આપણે તો વિચારી શકીએ ને? જે જરૂરી હોય તે જ ખર્ચા કરીએ તો! ચાદર જેટલી જ ષોડ તાનીયે તો? આપણે ગરીબ હોઈએ તો ગરીબીનો સ્વીકાર કરી શકીએ? મોબાઈલ ચાર્જીંગના રૂપિયા પણ ના હોય તો મોબાઇલ છોડી શકીએ?.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top