વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે સરળ રહ્યું નથી. અમેરિકા સતત વધુને વધુ વિદ્યાર્થી વિઝા નકારી રહ્યું છે. આ સંખ્યા છેલ્લા દાયકામાં તેના ઉચ્ચતમ સ્તરે છે. અમેરિકાએ ગયા નાણાકીય વર્ષ (ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024) માં બધા દેશોની 41 ટકા F-1 વિઝા અરજીઓ નકારી કાઢી હતી. આ આંકડો દર્શાવે છે કે હવે પહેલા કરતાં યુએસ વિઝા મેળવવાનું વધુ મુશ્કેલ બની ગયું છે.
૨૦૨૩-૨૪માં અમેરિકાને F-૧ વિઝા માટે કુલ ૬.૭૯ લાખ અરજીઓ મળી હતી, જેમાંથી ૨.૭૯ લાખ (૪૧ ટકા) અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. જ્યારે ૨૦૨૨-૨૩માં કુલ ૬.૯૯ લાખ અરજીઓમાંથી ૨.૫૩ લાખ (૩૬ ટકા) અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. જોકે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે F-1 વિઝા માટે દેશવાર અસ્વીકાર દરનો ડેટા શેર કર્યો નથી.
નાણાકીય પૃષ્ઠભૂમિ
યુએસ એમ્બેસી એ ખાતરી કરવા માંગે છે કે વિદ્યાર્થી પાસે તેના અભ્યાસ અને રહેવાના ખર્ચ માટે પૂરતા પૈસા હોય. જો અરજદારની નાણાકીય સ્થિતિ સ્પષ્ટ ન હોય અથવા બેંક સ્ટેટમેન્ટમાં વિસંગતતા હોય તો વિઝા અસ્વીકારની શક્યતા વધી જાય છે.
અમેરિકામાં રહેવાના ઇરાદા અંગે શંકાઓ
યુ.એસ. અધિકારીઓને વિશ્વાસ હોવો જોઈએ કે વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાના વતન પરત ફરશે. જો તેમને લાગે કે અરજદાર કાયમી ધોરણે અમેરિકામાં સ્થાયી થવા માંગે છે તો તેમના વિઝા નકારવામાં આવે છે.
આંકડાઓ પર નજર કરીએ તો 2021 માં 65,235 અને 2022 માં 93,181 વિઝા જારી કરવામાં આવ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીમાં ભારતીય વિદ્યાર્થીઓનો નોંધપાત્ર હિસ્સો છે. ઓપન ડોર્સ 2024 ના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે 2023-24માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચીની વિદ્યાર્થીઓ કરતાં વધી ગઈ હતી જેના કારણે ભારતીયો યુએસમાં સૌથી મોટો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જૂથ (આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના 29.4%) બન્યો. ઓપન ડોર્સના ડેટા અનુસાર 2023-24માં યુએસમાં 3.31 લાખ ભારતીય વિદ્યાર્થીઓ હતા જે ભારતીય જૂથ માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
