તાજેતરમાં ગુજરાત માનવ અધિકાર સંમેલન યોજાઈ ગયું. અખબારમાં પ્રસિદ્ધ સમાચાર વાંચતાં જાણવા મળે કે હજુ પણ હાલની તારીખે માનવીય ભેદભાવ સો ટકા નાબૂદ થયા નથી એ લોકશાહી દેશ માટે શરમજનક કહેવાય. દેશને ગુલામીની જંજીરમાંથી આઝાદ કરવા માટે કોઈ ભેદભાવ રખાયો ન હતો. દેશનું મહત્ત્વ વિદેશમાં ગૂંજતું થાય પણ દેશમાં અમાનવીય પ્રથા ચાલુ રહે, દલિતો, આદિવાસીઓને રંજડવામાં આવે, તેમને આપેલા સરકારી પ્લોટ ઉપર માથાભારે કબજો કરી લે ત્યારે તે છોડાવવા આંદોલન કરવું પડે.
હજુ પણ atrocity કાયદાનો સહારો લેવો પડે તો દરેકના મનમાં પ્રશ્ન થવો જોઈએ કે આઝાદ ભારતમાં તો બધાં સરખાં હોવાં જરૂરી. તો આવું કેમ? આઝાદ ભારતમાં આજ સુધી દલિત, આદિવાસી, રાજકીય, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે તો શું ગરીબ, દલિત, આદિવાસી જ અત્યાચારનો ભોગ બને છે? સારું છે કે માનવીય અધિકારોના ભંગ બદલ માનવ અધિકાર પંચ કાર્યરત છે. જ્યારે જ્યારે માનવીય ભેદભાવના કિસ્સા માનવીય અધિકાર પંચના ધ્યાને આવે કે લાવવામાં આવે ત્યારે તુરત જ કાર્યવાહી થવી જોઈએ અને આવા અહેવાલો પ્રસિદ્ધ થવા જરૂરી છે.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્વર્ગ તરફ
રવિ પૂર્તિમાં ‘સિલી પોઇન્ટ’ અંતર્ગત સની નામક કાર્ટૂનિસ્ટ એક મજાનું કાર્ટૂન આલેખે છે. આ વખતની તા. 4.2.24 ને રવિવારની પૂર્તિમાં એમણે જે કાર્ટૂન આલેખ્યું છે તે ખરેખર દાદ માગી લે એવું છે. એક યાત્રી કાશ્મીરની યાત્રાએ પોતાની કારમાં બેગ બિસ્તરા સાથે જઇ રહ્યો છે. રસ્તો વળાંકવાળો આવે છે. કાર હાંકનારની ડાબી બાજુ પહાડના ખડકનો એક ભાગ દેખાય છે. વળાંક ઉપર રસ્તાની જમણી બાજુએ બે બોર્ડ લાગેલાં છે. એક બોર્ડમાં આંગળી ચીંધતું ચિત્ર દર્શાવીને લખ્યું છે કે સ્વર્ગ જેવા કાશ્મીર તરફ તો બીજી એક સાઇન બોર્ડ કારની જમણી બાજુએ રસ્તાની ધારે લગાવેલું છે. જેમાં નીચે તરફ દિશા દર્શાવીને લખ્યું છે કે ઓરીજીનલ સ્વર્ગ તરફ. હવે આ ગોળાકાર રસ્તા ઉપર પહેલું બોર્ડ સૂચવે છે કે તમે આગળ ઉપર જાઓ. જયાં તમને સ્વર્ગ જેવું કાશ્મીર જોવા મળશે. જયારે જમણી તરફનું બીજું બોર્ડ સૂચવે છે કે જો તમે જમણી તરફ વળશો તો તમારી કાર નીચે દર્શાવેલી ઊંડી કંદરાઓમાં ખાબકશે અને તમે ઓરીજીનલ સ્વર્ગમાં પહોંચી જશો.
વાહ કયા બાત હૈ. કાર્ટૂનિસ્ટના વહેવારિક જ્ઞાનને સલામ છે. તેઓનું કહેવું છે કે ટ્રાફિકના નિયમો પાળો. રોડ ઉપર આવતાં પાટિયાના લખાણને વાંચો અને એમાં દર્શાવ્યા પ્રમાણે સલામત રીતે ધીમી ગતિએ તમારો પ્રવાસ આગળ ધપાવો. જે તમને સ્વર્ગ જેવા કાશ્મીર તરફ દોરી જશે. બાકી ખોટો ઓવરટેક કરીને બેફામ ગતિએ વાહન દોડાવીને તથા રોડ ઉપરની ધારોએ લગાવેલા આવા બોર્ડને ઇગ્નોર કરીને જો વાહન ચલાવશો તો ઘડીના છઠ્ઠા ભાગમાં ઓરીજીનલ સ્વર્ગમાં પહોંચી જશો. કાર્ટૂનિસ્ટો તો ગાગરમાં સાગર એ ન્યાયે પોતાનાં કાર્ટૂનો વડે જ આપણને ઘણી બધી સમજ અને ચેતવણી આપતા હોય છે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.