Madhya Gujarat

કેરિયર બનાવવા ‘રાઈટ ટાઇમ’માં રાઈટ ચોઈસ કરવી જરૂરી

આણંદ : આણંદ બીએપીએસ મંદિર અને ઇંડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અક્ષરફાર્મ ખાતે રાઇટ ટાઇમ – રાઇટ ચોઇસ વિષયક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વિખ્યાત મોટીવેશનલ સ્પીકર ડો.જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રેરક વક્તવ્ય રજૂ કર્યું હતું. તેઓએ સાંપ્રદ સમયમાં સ્ટ્રેસ મેનેજમેન્ટનું માર્ગદર્શન આપ્યું હતું. ધૂન, સ્તુતિ બાદ આજના કાર્યક્રમને આનુષાંગિક જાણીતા મનોચિકિત્સક, બ્લોગર અને કટાર લેખક ડો.હંસલ ભચેચે આજની યુવા પેઢીની તણાવની સ્થિતિ, તેના કારણો અને તેને સંતુલિત રાખવા અંગેની અસરકારક વિગતો રજૂ કરી હતી.

આણંદના અક્ષરફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડો.જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિમાં નાની મોટી આવડત, કળા, શ્રધ્ધા હોય છે. દરેકને જીવનમાં સંતોષ, સફળતા જોઈએ છે. જેમાં યોગ્ય સમયે યોગ્ય પસંદગી થાય તો જ સફળતા પ્રાપ્ત થાય છે. એમાં “યોગ્ય સમયે યોગ્ય પસંદગી” એ ઘણી અગત્યની બાબત હોય છે. વ્યક્તિ આવડતવાળી, કાબેલ હોય પણ આંખ, કાન, બુદ્ધિ વગેરે ખૂબ જાગૃત હોય, સારા વિચારો મળે એવા વાતાવરણમાં ઉછેર હોય તો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. થોડીક પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એટલે માર્ગ છોડે એને ‘યુવાન’ ન કહેવાય. પ્રમુખસ્વામી ગાદી પર આવ્યા ત્યારે એમની ઉંમર 50 વર્ષ હતી. એ વખતે એમના માટે આવનારા સમયમાં ખૂબ મોટી ચેલેન્જ હતી.

એ સમયમાં બીએપીએસમાં અત્યાર જેટલા મંદર નહોતા. પરંતુ એમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો કે વિશેષપણે વિચરણ કરીને સત્સંગ પ્રવર્તન કરવું. એમાં સમર્પિત ભક્ત સમુદાય તૈયાર થયો. બાદમાં મંદિરો, હોસ્પિટલો, શાળાઓ બાંધી અને મોટા મોટા મહોત્સવો કર્યા. આપણે બીજાને જોઈને પોતાનું કેરિયર નક્કી ન કરવું. પરંતુ પોતાની ક્ષમતા, પોતાની બુદ્ધિ-શક્તિ રુચિ પોતાનો આત્મવિશ્વાસ કઈ બાબતમાં છે ? એ બાબત જોઈને પોતાનું ધ્યેય નક્કી કરવું. અત્યારે તરુણ અને યુવા અવસ્થામાં જ્યાં જ્યાં પોતાની શક્તિનો વ્યય થાય છે, એવા વ્યસનો, ખરાબ સોબતથી દૂર રહેવું, એ ચોઇસ અત્યારે કરવાનો રાઈટ સમય છે. આજે ડિજિટલ ડીવાઈસના અતિરેકથી યુવાપેઢી માનસિક રોગોના શિકાર બની રહી છે.

FOMO (Fear Of Missing Out), Textaphernia & Textiety જેવા માનસિક રોગો પ્રચલિત છે. આ પરિસ્થિતિમાં ચોઈસ આપણી છે. સૌમાં ઉચ્ચ કેરિયર બનાવવાની ક્ષમતા છે પરંતુ “રાઈટ ટાઇમમાં રાઈટ ચોઈસ” કરવી જરૂરી છે. ઉત્સાહમાં કોઈને વચન ન આપવું અને દુઃખમાં કોઈ નિર્ણય ન લેવા જોઈએ. આ માટે રોજ પંદર મિનિટ સારી બળ પ્રેરક વાતો સાંભળવી જોઈએ. આ પ્રસંગે સૌ યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે “હું રોજ પંદર મિનિટ સદવાંચન કરીશ”. બીજું કે કોઈ પ્રત્યે ઈર્ષાભાવ, સ્પર્ધાભાવ ન રાખવો. “એની પાસે છે એ મારી પાસે હોવું જ જોઈએ” એ અભિગમ ન હોવો જોઈએ. જીવનની બે ચોઇઝ છે, એક નાસ્તિકતા અને બીજી આસ્તિકતા. આ બે માંથી આસ્તિકતાનો માર્ગ એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

પ્રમુખસ્વામી મહારાજ, મહંતસ્વામી મહારાજ જેવા મહાન અને પવિત્ર સંત અને એના જીવન અને કાર્ય સામે જોઈએ તો આસ્તિકતાનો માર્ગ જ શ્રેષ્ઠ જણાય છે. આ પ્રસંગે સાત હજાર ઉપરાંત હરિભક્તોએ લાભ લીધો હતો. આણંદ મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજ્ય યજ્ઞસેતુસ્વામી અને સંતો તથા યુવકો, યુવક અને સંયુક્ત મંડળના કાર્યકરો, સ્વયંસેવકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઇ, આણંદ કલેકટર ડી.એસ. ગઢવી, આઈએમએ આણંદના પ્રમુખ ડો. દિપક શાહ, ડો. નિકેત પટેલ-આકાંક્ષા હોસ્પિટલ જોડાયાં હતાં.

Most Popular

To Top