Editorial

ભારતમાં મતદારોની સંખ્યા વધીને 100 કરોડની નજીક પણ જાગૃતિ અને પરિપક્વતા વધે તે જરૂરી

વિશ્વમાં જેને સૌથી મોટી લોકશાહી તરીકે ગણવામાં આવી છે તેવી ભારતની લોકશાહીમાં ટુંક સમયમાં જ મતદારોની સંખ્યા 100 કરોડને આંબી જવાશે. તાજેતરમાં મતદારોના જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા તેમાં તા.1લી જાન્યુ., 2025ના રોજ મતદારોની સંખ્યા 99 કરોડ નોંધાઈ હતી અને તેમાં પણ મહિલા મતદારોની સંખ્યા 48 કરોડ સુધી પહોંચી ગઈ હતી. એટલે કે અડધોઅડધ મતદારો મહિલા છે.

ભારતમાં મતદારોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ભારતમાં મતદારો પોતાના હક માટે જાગતા નથી. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, મતદારો દ્વારા એવી વ્યક્તિની પોતાના પ્રતિનિધિ તરીકે પસંદગી કરવામાં આવી હોય કે જેમાં પાછળથી મતદારો જ પસ્તાયા હોય. મતદારોની સંખ્યા વધવાની સાથે સાથે મતદારોમાં પરિપકવતા વધે તે પણ એટલું જ જરૂરી છે.

ભારતમાં મતદારોની સંખ્યા વિશે માહિતી ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીમાં મતદારોમાં 2.2 ટકાનો વધારો થયો છે. મહિલા મતદારોની સંખ્યા પણ વધી છે. 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંતિમ મતદાર યાદી પ્રમાણે 99 કરોડ મતદારનો આંકડો છે. નાગાલેન્ડ, સિક્કિમ અને ચંદીગઢનો ડેટા હજુ પણ તૈયાર થયો નથી. આ રાજ્યોના અંતિમ ડેટા આવ્યા બાદ 99 કરોડમાં વધારો પણ જોવા મળશે. 10મી જાન્યુ.એ આ ત્રણેય રાજ્યોના મતદારોના આંકડાઓ જાહેર કરવામાં આવશે.

જે 99 કરોડ મતદારો છે તેમાં પુરૂષ મતદારોની સંખ્યા 50.7 કરોડ છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 48.3 કરોડ છે. મહિલા મતદારોની સંખ્યા વધી છે. જે કુલ મતદારોની અડધાની નજીક પહોંચી ગઈ છે. આ વર્ષે મતદારોની જે સંખ્યા વધી તેમાં પુરૂષ મતદારો 1.9 ટકા અને મહિલા મતદારોની સંખ્યા 2.5 ટકા વધી છે. મતદારોની વસ્તીનો ગુણોત્તર પણ ગયા વર્ષના 66.8 ટકાથી વધીને 67.8 ટકા થવા પામ્યો છે. આંકડાઓ પ્રમાણે પ્રત્યેક 1000 પુરૂષ મતદારોએ 954 મહિલા મતદારો છે.

મતદારોની સંખ્યામાં યુપીમાં સૌથી વધુ 15.3 કરોડ મતદારો નોંધાયા છે. તેના પછી મહારાષ્ટ્રમાં 9.8 કરોડ, બિહારમાં 7.8 કરોડ, પશ્ચિમ બંગાળમાં 7.6 કરોડ અને તમિલનાડુમાં મતદારોની સંખ્યા 6.3 કરોડની છે. જ્યારે ગુજરાતમાં મતદારોની સંખ્યા 5.31 કરોડની છે. તેમાં 2 કરોડ 58 લાખ પુરુષ મતદારો અને 2 કરોડ 44 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. મતદાર અને વસ્તી ગુણોત્તરમાં લક્ષદ્વીપ સૌથી આગળ છે. ત્યાં આ રેશિયો 82.2 ટકાનો છે. જ્યારે કેરળમાં આંકડો 77.1 ટકા અને પશ્ચિમ બંગાળમાં 75.1 ટકા છે.

રેશિયો જેમ જેમ વધશે તેમ તેમ જે તે રાજ્યમાં સગીરોનું પ્રમાણ ઘટ્યું તેવું માની શકાય. ભારતમાં મતદારોની નોંધણીની આ પ્રક્રિયા બાદ પણ હજુ પણ કેટલાક મતદારો નોંધાયા વિના રહી ગયા હશે. ચૂંટણી પંચ દ્વારા મતદારોની નોંધણી માટે અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ હજુ પણ તેની સંપૂર્ણ અસરકારકતા દેખાતી નથી. મતદારોની નોંધણીની સાથે સાથે મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી મોટાભાગે 60 ટકાની આસપાસ જ રહેતી હોય છે. આ સંજોગોમાં આ ટકાવારી વધે તેવા પ્રયાસો થાય તે પણ જરૂરી છે. મતદારો મતદાન પ્રત્યે જાગૃત થાય અને સાથે સાથે પોતાના માટે યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરતાં થાય તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ હશે તે નક્કી છે.

Most Popular

To Top