Comments

વર્ષો પછી માફી માંગવા માટે અત્યારે દુષ્કૃત્ય કરવું જરૂરી છે

‘‘મારું નામ સાશીન લીટલફેધર છે. હું અપાચે (અમેરિકી મૂળની) છું અને નેશનલ નેટિવ અમેરિકન એફર્મેટિવ ઈમેજ કમિટીની પ્રમુખ છું. આજની આ સાંજે હું માર્લોન બ્રાન્ડોનું પ્રતિનિધિત્વ કરી રહી છું અને તેમણે પોતાના એક દીર્ઘ વક્તવ્યમાં આપ સૌને જણાવવા માટે કહ્યું છે, પણ સમયના અભાવે હાલ હું એ આપની સમક્ષ રજૂ કરી શકતી નથી. પછી પ્રસાર માધ્યમો સમક્ષ મને એ જાણ કરતાં ખુશી થશે કે તેઓ આ ઉત્તમ એવોર્ડનો ભારે હૈયે સ્વીકાર કરી શકે એમ નથી. એનાં કારણોમાં છે ફિલ્મ ઉદ્યોગ દ્વારા અને ટેલિવિઝન પર પ્રદર્શિત કરાતી ફિલ્મોમાં તેમજ તાજેતરમાં ‘વુન્ડેકડ ની’ ખાતે થયેલી ઘટનાઓમાં અમેરિકી મૂળનાં લોકો સાથે કરવામાં આવતી ગેરવર્તણૂક. હું ક્ષમા ચાહું છું કે આજની સાંજે અહીં મેં ઘૂસ નથી મારી અને ભવિષ્યમાં આપણાં હૈયાં અને આપણી સમજણ પ્રેમ અને ઉદારતાથી ભેગાં મળશે. માર્લોન બ્રાન્ડો વતી આપ સૌનો આભાર.’’

૨૭ માર્ચ, ૧૯૭૩ ના રોજ અમેરિકાના લૉસ એન્જેલિસ ખાતે યોજાયેલા ૪૫ મા એકેડેમી એવૉર્ડ સમારંભમાં ‘શ્રેષ્ઠ અભિનેતા’ તરીકે ‘ગૉડફાધર’ ફિલ્મના મુખ્ય અભિનેતા માર્લોન બ્રાન્ડોનું નામ ઘોષિત કરવામાં આવ્યું. તેમના વતી આ એવૉર્ડનો સ્વીકાર નહીં, પણ ઈન્કાર અમેરિકી મૂળની અભિનેત્રી, મોડેલ અને કર્મશીલ સાશીન લીટલફેધરે કર્યો અને પોતાના માંડ એક મિનીટના લઘુ વક્તવ્યમાં આમ જણાવ્યું. તેમણે અમેરિકી મૂળના લોકો માટે દુ:સ્વપ્ન બની રહેલી, ‘વુન્ડે્ડ ની’ નામના સ્થળે બનેલી દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો. આ વક્તવ્ય દરમિયાન અને પછી તેમને મિશ્ર પ્રતિસાદ મળ્યા.

અસલમાં માર્લોન બ્રાન્ડોએ લીટલફેધરને પંદર પાનનું વક્તવ્ય આપેલું, જે તેમણે આ સમારંભમાં વાંચવાનું હતું. પણ છેલ્લી ઘડીએ લીટલફેધરને જણાવવામાં આવ્યું કે તેમનું વક્તવ્ય માત્ર સાઠ સેકન્ડમાં પૂરું થઈ જવું જોઈએ, નહીંતર તેમની ધરપકડ કરવામાં આવશે. જહોન વેય્ન નામના પ્રસિદ્ધ અભિનેતા તો ઉશ્કેરાઈને લીટલફેધર પર હુમલો કરવા માટે ધસી ગયેલા. લીટલફેધરના આ વક્તવ્યે હોલીવુડમાં તેમની કારકિર્દીનો અકાળે અંત લાવી દીધો, એટલું જ નહીં, તેઓ સૌની હાંસીને પાત્ર બની રહ્યાં. પોતાની સુંદર સાંજ ‘બરબાદ કરવા’ બદલ ઘણાએ તેમને ભાંડ્યાં. આ ઘટના પછી એકેડેમીએ અન્ય કોઈ દ્વારા એવૉર્ડ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકી દીધો.

૧૯૭૩ માં બનેલી આ ઘટના ફરી એક વખત સમાચાર માધ્યમોમાં ચમકી છે, પણ જુદાં કારણોસર. ઓગણપચાસ વર્ષ પછી હવે એકેડેમીએ એક પત્ર દ્વારા લીટલફેધરની લેખિત માફી માંગી છે. એકેડેમીના પ્રમુખ ડેવિડ રુબિને પત્રમાં લખ્યું ‘આ કથનને લઈને તમારે જે વેઠવું પડ્યું એ ગેરવાજબી અને બિનજરૂરી હતું. તમે જે સંવેદનાત્મક બોજ તળે રહ્યાં અને તમારી પોતાની કારકિર્દીને જે નુકસાન થયું એ કાયમી છે. તમે દર્શાવેલી હિંમતની નોંધ લેવાનું ઘણા લાંબા સમયથી બાકી છે. આના માટે અમે અમારી ઊંડી દિલસોજી તેમજ દિલી પ્રશંસા બન્ને વ્યક્ત કરીએ છીએ.’

સ્વાભાવિક રીતે જ લીટલફેધરને આ પત્ર મળ્યો ત્યારે તેમના માન્યામાં આ બાબત આવી નહીં, કેમ કે, જીવતે જીવ પોતાને આ દિવસ જોવા મળશે એવી અપેક્ષા તેમણે રાખી ન હતી. ઘણા વખતથી એકેડેમીના એવૉર્ડની પસંદગીમાં હાંસિયામાં ધકેલાયેલા વર્ગના કલાકારો પ્રત્યે ભેદભાવ રખાતા હોવાના આક્ષેપ થતા રહ્યા છે. ૨૦૧૫ માં આ નીતિ વિરુદ્ધ ફાટી નીકળેલા જુવાળને પગલે એકેડેમીએ કલાકારોના નામાંકનમાં વૈવિધ્ય વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ નીતિના ભાગરૂપે પણ લીટલફેધરને માફીપત્ર મોકલવામાં આવ્યો હોય એ શક્ય છે.

લીટલફેધરે સાહજિકતાપૂર્વક જણાવ્યું હતું કે અમે અમેરિકી મૂળનાં લોકો બહુ ધીરજવાન હોઈએ છીએ. હજી તો પચાસ વર્ષ જ વીત્યાં છે.’ મતલબ કે કેવળ એકેડેમીએ લીટલફેધરની નહીં, સમસ્ત અમેરિકાએ અમેરિકી મૂળના લોકોને કરેલા અન્યાય બદલ તેમની માફી માંગવાની રહે છે. ત્રણેક સપ્તાહ પહેલાં આ કટારમાં રોમન કેથલિક ચર્ચના સર્વેસર્વા પોપ ફ્રાન્સિનસે તેમની કેનેડાની મુલાકાત દરમિયાન રોમન કેથલિક ચર્ચ દ્વારા કેનેડાનાં સ્થાનિક બાળકો પર આચરવામાં આવેલા અમાનવીય જુલમ બાબતે જાહેરમાં માંગેલી માફીનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. કોઈ શક્તિશાળી સંસ્થાને જાણીબૂઝીને આચરેલા દુષ્કૃત્ય બદલ માફી માંગવા માટે કેટલાં વર્ષ રાહ જોવી જોઈએ?

સરખામણી અસ્થાને છે, છતાં આપણા દેશમાં છેલ્લા પખવાડિયામાં ઉપરાઉપરી જે રીતે ઘટનાઓ બની રહી છે એ ચિંતાપ્રેરક કરતાંય વધુ તો શરમજનક છે. રાજસ્થાનમાં એક બાળકને એ દલિત હોવાને કારણે શિક્ષક દ્વારા મારવામાં આવે અને બાળકનું મૃત્યુ થાય! સુરતમાં ટ્રાફિક બ્રિગેડના એક ઉમેદવાર દ્વારા વકીલ મેહુલ બોઘરા પર સરેઆમ  હુમલો કરવામાં આવે અને પોલીસ ફરિયાદ નોંધવામાં આઘીપાછી થાય! બિલ્કીસબાનુ કેસના બળાત્કારી ગુનેગારોની સજા ‘સારી વર્તણૂક’ બદલ ટૂંકાવવામાં આવે અને તેઓ પાછા ફરતાં તેમનું રંગેચંગે સ્વાગત કરવામાં આવે! આ ઘટનાઓ અલગ અલગ સ્થળોએ અને એકમેકથી સંબંધિત ન હોય એ રીતે બનેલી છે, પણ એ બહુ ખતરનાક વર્તમાનની અને એથી ભયજનક ભાવિની ચેતવણીસૂચક ઘંટડી છે.

સત્તાધીશોને પોતાની સત્તા ટકાવવા સિવાય કશામાં રસ નથી અને એ માટે તેઓ કોઈ પણ હદે જઈ શકે છે. પ્રજાને જ્ઞાતિ, ધર્મ અથવા બીજા જે પણ નિમિત્તે વિભાજીત કરતા જવામાં તેમનો ફાયદો છે અને શરમ સાથે એ સ્વીકારવું પડે એમ છે કે તેઓ સફળ થઈ રહ્યા છે. પોપ કે અમેરિકાની એકેડેમીએ વર્ષો પછી પોતાના દુષ્કૃત્ય બદલ માફી માંગી છે, એ સંદર્ભે એમ લાગે છે કે અત્યારે આવાં દુષ્કૃત્યો એટલા માટે કદાચ આચરવામાં આવી રહ્યાં છે કે જેથી ભવિષ્યમાં માફી માંગવા માટે કશીક નક્કર બાબત મળી રહે. કશું ખરાબ કર્યું જ નહીં હોય તો માફી શેની મંગાશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top