Editorial

બાળકોના જાતીય શોષણ સામે ખૂબ કડકાઇથી કામ લેવું જરૂરી છે

પોર્નોગ્રાફી એટલે કે જાતીયતાના દ્રશ્યો બતાવતા વીડિયોઝ, ક્લિપો, ફિલ્મો વગેરે આજે એક મોટું દૂષણ બની ગયું છે. તેમાં પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે કે બાળકો સાથે જાતીય વ્યવહારો, બાળકોના જાતીય શોષણના દ્રશ્યો બતાવતી સામગ્રી તો ખૂબ જ જઘન્ય બાબત છે. આ ફક્ત ભારતની જ નહીં વિશ્વભરના દેશોની સમસ્યા છે. માનસિક વિકૃતિ ધરાવતા ઘણા લોકો નાના બાળકોને જાતીય શોષણના શિકાર બનાવતા હોય છે. ભારત સહિતના દેશોમાં વિદેશથી આવતા પર્યટકો જાતીયતા માટે બાળકો શોધતા હોય તેવી ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી છે. કેટલાક સમય પહેલા સંભવત: ગોવામાંથી કોઇ પશ્ચિમી દેશનો નાગરિક બાળકોના જાતીય શોષણ બદલ પકડાયો હતો.

આવા વિકૃત લોકોની વિકૃત માનસિકતાને પોષવામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ મોટો ભાગ ભજવે છે, વળી આવી ચાઇલ્ડ પોર્નોગ્રાફી બાળકોની ગરિમાનો પણ ભંગ કરે છે. આ બધા સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કડક અભિગમ અપનાવીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંગે એમ મહત્વનો ચુકાદો આપ્યો છે. આ સીમાચિન્હરૂપ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સોમવારે ઠરાવ્યું હતું કે કોઇ પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફિક સામગ્રી ફક્ત કબજામાં રાખવી પણ પોકસો અને આઇટી કાયદાઓ હેઠળ અપરાધ ગણાશે. તેનો ફેલાવો ન કરવામાં આવ્યો હોય તો પણ તે ગુનો જ ગણાશે. વર્ષ ૨૦૧૨ના તમિલનાડુના એક કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો ખૂબ મહત્વનો બની રહે તેમ છે.

સુપ્રીમ કોર્ટે બાળકોના જાતીય શોષણના મુદ્દાને વ્યાપક અને ઉંડા મૂળિયા ધરાવતો મુદ્દો ગણાવ્યો હતો જે વિશ્વભરના સમાજોમાં ફેલાયો છે અને ભારતમાં તે ગંભીર ચિંતાની બાબત બની ગયો છે. છેક ૨૦૧૨માં તે સમયે ૨૮ વર્ષના એવા એક નાગરિકને ચાઇલ્ડ પોર્નોગ્રાફી તેના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવા બદલ સજા થઇ હતી. બાદમાં કેસ હાઇકોર્ટમાં જતા મદ્રાસ હાઇકોર્ટે આ શખ્સને નિર્દોષ છોડી મૂક્યો હતો, જે બાબત સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. સર્વોચ્ચ અદાલતે મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને આઘાતજનક ગણાવ્યો છે અને તેને રદ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૧ જાન્યુઆરીએ મદ્રાસ હાઇકોર્ટે એક ૨૮ વર્ષીય શખ્સ સામેની ક્રિમિનલ કાર્યવાહી રદ કરી હતી જેની સામે બાળકોને સંડોવતી પોર્નોગ્રાફિક કન્ટેન્ટ તેના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવાનો આરોપ હતો.

મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે આવી પોર્નોગ્રાફિક સામગ્રી કબજામાં રાખવી કે ડાઉનલોડ કરવી એ પોકસો એકટ અને આઇટી કાયદા હેઠળ ગુનો બનતો નથી. આની સામે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એ તારણ પર પહોંચ્યા છીએ કે હાઇકોર્ટે આ ચુકાદો આપવામાં એક આઘાતજનક ભૂલ કરી છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે પોકસો કાયદા હેઠળ ત્રણ જુદા જુદા ગુનાઓ દંડને પાત્ર બને છે તે જણાવ્યું હતું . આઇટી એક્ટ પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામગ્રી રાખવાને ગુનો ગણે છે. જ્યારે કાયદાઓ સ્પષ્ટપણે ચાઇલ્ડ પોર્નોગ્રાફીક સામગ્રી પોતાના કબજામાં રાખવાને ગુનો ઠરાવતા હોય ત્યારે મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો ખરેખર આઘાતજનક જ ગણાય.

બાળકોના જાતીય શોષણની સામગ્રી સગીર વયના નાગરિકોની ગરિમાને ખંડીત કરનારી અને તેમના મૂળભૂત અધિકારોનો ભંગ કરનારી છે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું તે બિલકુલ વાજબી જ છે. સુપ્રીમ કોર્ટે મહત્વનું સૂચન એ પણ કર્યું છે કે સંસદે પોકસો કાયદામાં સુધારો કરવા ગંભીરપણે વિચારવું જોઇએ અને તેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને બદલે બાળકોના જાતીય શોષણ અને દુરૂપયોગની સામગ્રી એવા શબ્દો વાપરવા જોઇએ જે આ ગુનાઓની વાસ્તવિકતાનું વધુ સચોટ પ્રતિબિંબ પુરું પાડે છે. સુપ્રીમ કોર્ટે અદાલતોને પણ તેમના ચુકાદાઓ કે આદેશોમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી એવા શબ્દો નહીં વાપરવા અને તેને બદલે બાળકોના જાતીય શોષણ અને દુરુપયોગની સામગ્રી એવા શબ્દો વાપરવા કહ્યું હતું. બાળકોની ગરિમાની જાળવણી માટે આ ખૂબ મહત્વની બાબત છે. બાળકોના જાતીય શોષણની વિકૃતિ સાથે કામ પાર પાડવા કડક કાયદાઓ અને તેના કડક અમલની જરૂર છે.

Most Popular

To Top