કહ્યું છે કે, ધીરજનાં ફળ મીઠાં હોય છે. જીવનમાં ઘણા ઝંઝાવતો આવે છે, જેમાં ધીરજ ખોઈ બેસીએ તો નિષ્ફળતા મળે છે. પણ ઘીરજ રાખી આગળ વધતા રહીએ, ઝંઝાવતોનો સામનો કરતા રહીએ તો સફળતા જરૂર મળે છે. સફળતા બે કદમ દૂર હોય ને માણસ હતાશ થઈ પ્રયત્ન છોડી દે, તો પછી એમાં વાંક કોનો? સમુદ્રના ભયંકર તોફાનો વચ્ચે એક વહાણનો કપ્તાન વિશ્વાસ અને હિંમતથી વહાણ આગળ ધપાવી રહ્યો છે દરિયામાં એટલું ભારે તોફાન છે કે, કપ્તાનના અન્ય સાથીઓ મૃત્યુ નજીક જોઈ રહ્યા છે, વહાણ વમળોમાં અટવાયા કરે છે. એમ જ રાત-દિવસ પસાર થતાં ખાવાનું, પીવાનું પાણી ખૂટી પડે છે. કપ્તાને ખાવા-પીવા અંગે નિયમન મૂકવું પડે છે.
કપ્તાન બધાને હિંમત આપી રહ્યો છે. પોતે ઘણા દિવસથી ભૂખ્યો છે, છતાં હિંમતથી વહાણ હંકારી રહ્યો છે. એની નજર બસ હોકાયંત્ર પર જ છે. રોજ સવાર સાંજ પોતાની સફર અને દિશા અંગે નોંધ કરતો રહે છે. એ અગાધ દરિયામાં કેટલા માઈલ આગળ વધ્યા, એ લખતો રહે છે. એની શોધ અવિરત જારી છે. એનું લક્ષ્ય નૈઋત્ય દિશા તરફનું છે. બધા સાથીઓ હવે તેને ગાંડો ગણી રહ્યા છે. સાથીઓ વિચારે છે કે, આને કંઈ મળવાનું નથી, આપણે તેને સમુદ્રમાં ફંગોળી દઈ આગળ વધી જઈએ, પણ બીજા કેટલાક એમ ન કરવા પેલાને સમજાવે છે.
કેપ્ટનની ઘૂન આગળ સાથીઓ લાચાર છે. કેપ્ટન જરાય હતાશ નથી. એક-બે સાથીઓ તેની ધૂન સાથે સંમત થઈ સાથ આપી રહ્યા છે. અનેક ઝંઝાવાતો અને વિટંબણામાંથી એ લોકો પસાર થઈ રહ્યા છે. છતાં કેપ્ટન પોતાનું ધ્યેય અને સૂકાન છોડતો નથી. એણે બસ એક જ દિશા પકડી છે, નૈઋત્ય અને એનું લક્ષ્ય પણ એક જ છે. બસ આગળ જવું છે, છોને ધરતી કેટલી પણ દૂર હોય. અને એક દિવસ એ નૈઋત્યમાં આવેલા એક ઊપખંડ પર પગ મૂકે છે, એ છે અમેરિકા, અને બધા સાથીઓ રાજીરાજી થઈ જાય છે. એ કેપ્ટન હતો કોલંબસ. અમેરિકાની શોધ એની ધીરજ. મહેનત અને વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. જીવનની નૌકા પણ ક્યારેક હાલક-ડોલક થાય, તોફાનો આવે ને જાય, પણ તેમાં ઘીરજ અને હિંમતથી આગળ વધવું એ જ લક્ષ્ય હોવું જોઈએ. સફળતા માત્ર ચાર કદમ આગળ છે, એ યાદ રાખો.