Gujarat

રેમડેસિવિર ઈન્જેક્શનનો બિનજરૂરી ઉપયોગ ન થાય તે જરૂરી છે : રૂપાણી

સોમવારે ફેસબુક લાઈવ ( facebook live ) દ્વારા મહત્વના નિર્ણયોની જાહેરત કર્યા બાદ મંગળવારે સીએમ વિજય રૂપાણીએ ( vijay rupani ) 8 મનપાના કમિશ્નરો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોરોનાના વધતાં જતાં કેસો અંગે ચર્ચા કરી હતી. રૂપાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં મર્યાદિત કંપનીઓ રેમડેસિવિર ( remdesivir ) ઈન્જેક્શન બનાવે છે તેમ છતાં પણ આપણે અન્ય રાજ્યો એટલે આસામ અને મુંબઈ જેવાં શહેરોમાંથી દૈનિક ૨૦,૦૦૦ ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ. આપણે અત્યારે રેમડેસિવિર ઈન્જેક્શન માટે સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોની પ્રાયોરિટી નક્કી કરવી પડશે. જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકોને જ રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર પડતી હોય છે એટલે બિનજરૂરી રેમડેસિવિરનો ઉપયોગ ન કરે તો જરૂરી છે. રૂપાણીએ જણાવ્યું હતું કે દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૪ ટકાથી ઉપર હોય તો હોમ આઈસોલેશનમાં રહેવું જોઈએ. અગાઉ ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાત ૨૫૦ ટન હતી જે વધીને ૬૦૦ ટન સુધી પહોંચી છે. એટલે સ્વાભાવિક રીતે ઓક્સિજન માંગ વધી છે.

રૂપાણીએ ખાસ કરીને ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે ખાસ ભાર મૂકયો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં ૬૦ ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે. કોરોના મહામારી ગુજરાત તથા ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહી છે. ભારતમાં ગઈકાલે એક જ દિવસમાં ૧,૬૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં અગાઉ દૈનિક ૩૦૦ કેસને બદલે અત્યારે ૬,૦૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. એટલે કે થોડા સમયમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉન દરમિયાન હોસ્પિટલો, સારવારની વ્યવસ્થા, દવાઓ, ડૉકટર અને મેડિકલ સ્ટાફ તેમજ શ્રમિકોના અનેક પ્રશ્નો આપણી સામે હતા જ્યારે અત્યારે કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે તેના પર નિયંત્રણ લાવવા માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો, હોસ્પિટલોમાં નવા બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર ઈન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે ત્યારે અનેક પડકારો ઝીલીને આપણે સાથે મળીને સંક્રમણ આગળ વધતુ અટકાવવું પડશે.

તેમણે કહ્યું હતું કે નવા ચૂંટાયેલા પદાધિકારીઓ-પ્રતિનિધિઓ માટે કોરોના કાળમાં સેવા કરવાની ઉત્તમ તક છે તે જવાબદારી આપણે નિભાવવાની છે. છેલ્લાં ૧૫ દિવસમાં ગુજરાતમાં સરકારે દિવસ-રાત એક કરીને કોરોનાના નિયંત્રણ અને કોઈ સંક્રમિત સારવાર વિનાનો ન રહે તે માટે ૧૮,૦૦૦ નવા કોરોના બેડ ઉભા કર્યાં છે. રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટે વિવિધ હોસ્પિટલોને મંજૂરી, રેમડેસિવિર ઈન્જેક્શન, વેક્સિનેશન તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરી છે.
કોરોના સામે જંગ લડવા સખત પરિશ્રમ કરીને વિવિધ સંસ્થાઓ, સમાજ, સંતો અને સેવાભાવી લોકોને જોડવા પડશે. આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ એટલે ફરિયાદી નહીં પરંતુ જવાબદાર બનીએ. પ્રશ્નો તો આવશે જ પ્રશ્નોથી ગભરાવવાની જરૂર નથી પણ સાથે મળીને તેનો હકારાત્મક ઉપાય શોધવાનો છે.


અગાઉ ગુજરાતમાં ૫૦,૦૦૦ કોરોના ટેસ્ટ કરાતા હતા જે આજે વધીને ૧,૩૦,૦૦૦ કરવામાં આવે છે. ગુજરાતના મોટા શહેરોમાં સંજીવની રથ, ધન્વતંરી રથ અને ૧૦૪ હેલ્પલાઈનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. જે વિસ્તારમાં પાંચથી વધુ કોરોનાના કેસ આવે તે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવે છે. જેથી સંક્રમણ અટકાવી શકાય. ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા ૨૪માંથી ૧૧ કલાક કોરોના કર્ફ્યૂનો કડક અમલ કરાવવામાં આવે છે. એટલે લોકો બિન જરૂરી બહાર ન નીકળે તે ખૂબ જરૂરી છે.
રૂપાણીએ મહાનગરપાલિકાઓના કમિશનરોને તાકિદ કરી હતી કે ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે સમયાંતરે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા અવશ્ય કરવી જોઈએ. જન ભાગીદારી તથા એકબીજાના સહયોગથી જ સમસ્યાનો ઉકેલ લાવી શકાશે. જે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તેવા શહેરોમાં બેડની સુવિધા, ઓક્સિજન, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જકેશન જેવી જરૂરી તમામ સુવિધાઓ વધારવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત મહાનગરોમાં 45 વર્ષથી વધુ વયના મહત્તમ લોકો રસી મુકાવે તે સુનિશ્ચિત કરવું પડશે. આપણે કોરોનાથી ડર્યા વિના માસ્ક પહેરી, સામાજિક અંતર રાખી સાવચેતી સાથે આગળ વધીશું તો આપણે ચોક્કસ ગુજરાતમાંથી કોરોનાને હરાવીશું તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top