Comments

તે નુકસાનકારક છે, પણ તેના વિના ચાલે એમ નથી

હવે તો શાળામાં ભણતાં બચ્ચાં પણ જાણે છે કે પ્લાસ્ટિક એટલે પર્યાવરણનો દુશ્મન. તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ, તેને રિસાયકલ કરવું જોઈએ વગેરે…પર્યાવરણને લગતી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ આ વિષય પર વક્તવ્ય આપે, ચિત્ર દોરે કે નિબંધ લખે એટલે પત્યું. આયોજકોને અને સ્પર્ધકોને પર્યાવરણ માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ થઈ જાય. શાળાઓમાં પણ રિસાયકલીંગ એક પ્રોજેક્ટ લેખે હાથ પર લેવામાં આવે છે અને તત્પૂરતાં વિદ્યાર્થીઓને તેનાથી જાગ્રત બનાવવાનો પ્રયત્ન કરાય છે.

આ બધું તેને સ્થાને બરાબર છે, પણ એ કોઈ નક્કર ઉકેલ તરફ ભાગ્યે જ દોરી જાય છે. પ્લાસ્ટિક હવે આપણા જીવનનું એવું અભિન્ન અંગ બની ગયું છે કે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણાં ઘરોમાં તે પ્રવેશી જાય છે. પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવાની જાહેરખબરો વિવિધ પ્રસાર-પ્રચાર માધ્યમોમાં જોરશોરથી કરવામાં આવે છે પણ એનું પરિણામ શું? પ્લાસ્ટિકનો ઉપયોગ હવે એક હદથી વધુ ઘટાડવો શક્ય નથી, પણ તેના રિસાયકલીંગની યોગ્ય વ્યવસ્થા ગોઠવી શકાય તો સમસ્યા કંઈક હળવી બની શકે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન અનેકગણું વધ્યું છે. તે સસ્તું, સુયોગ્ય અને સક્ષમ હોવાથી અનેક ઠેકાણે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ પચાસ વર્ષ પહેલાંની સરખામણીએ પ્લાસ્ટિકનો આપણો ઉપયોગ વીસ ગણો વધ્યો છે, એમ પ્લાસ્ટિકનો 90 ટકા કચરો લૅન્ડફીલમાં કે સમુદ્રમાં ઠલવાય છે અને સરવાળે અનેક સમસ્યાઓ ખડી કરે છે. પ્લાસ્ટિકના રિસાયકલીંગ માટે પર્યાવરણને સાનુકૂળ હોય એવા વિકલ્પ વિચારવા રહ્યા, એમ તેના નિકાલની અને નિકાલ ટાણે જ વિભાજનની સુયોગ્ય વ્યવસ્થા ગોઠવવી રહી.

પ્લાસ્ટિકના તેના બંધારણ અનુસાર વિવિધ પ્રકાર હોય છે અને તમામ પ્રકારનાં પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે એવાં નથી હોતાં. આથી સૌ પ્રથમ એ જાણી લેવું જરૂરી છે કે કયાં કયાં પ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય એમ છે. પોલિઈથીલીન ટર્ફ્થેલેટ (P.E.T.- પૅટ) તરીકે ઓળખાતું આ પ્લાસ્ટિક મોટે ભાગે ખોરાકી અને પીણાંનાં પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાય છે. એ મજબૂત, હલકું અને સોંઘું છે. સીંગલ-યુઝ પ્લાસ્ટિક તરીકે તે સામાન્ય રીતે વપરાય છે અને તે સંપૂર્ણપણે રિસાયકલ કરી શકાય છે.

બીજા પ્રકારનું પ્લાસ્ટિક છે H.D.P.E. એટલે કે હાઈ ડેન્‍સિટી પોલિઈથીલીન. તે મજબૂત અને ભારે તેમજ કાટરોધક છે. દૂધ, ડિટરજન્‍ટ, બ્લીચ, શેમ્પૂ જેવાં ઉત્પાદનો માટે તે વધુ ઉપયોગમાં લેવાય છે. H.D.P.E.ને પણ રિસાયકલ કરી શકાય છે.
H.D.P.E.ની જેમ L.D.P.E. એટલે કે લો ડેન્‍સિટી પોલિઈથીલીન મોટે ભાગે કડક અને લવચીક હોવાથી ટૂથપેસ્ટ, બ્રેડની કોથળીઓ વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. તેને પણ રિસાયકલ કરી શકાય છે. પોલિપ્રોપીલીન એટલે કે P.P. તરીકે ઓળખાતું પ્લાસ્ટિક સૌથી વધુ રિસાયકલ થાય છે. તેના ઊંચા ગલનબિંદુને કારણે P.P.નો ઉપયોગ ઉષ્ણ પ્રવાહી ભરવા માટેનાં કે અન્ય પ્રકારનાં પાત્રો બનાવવા માટે થાય છે. આમ, આ ચાર પ્રકારનાં પ્લાસ્ટિકને રિસાયકલ કરીને તેમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. એ જ રીતે અમુક પ્રકારનાં પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકતાં નથી. તેને પણ જાણી લેવાં જરૂરી છે.

P.V.C. તરીકે ઓળખાતું પોલિવિનાઈલ ક્લોરાઈડ તેમજ વિનાઈલ રિસાયકલ કરી શકાતું નથી, કેમ કે, રિસાયકલ દરમિયાન તેમાંથી ક્લોરિન ઝેરી સામગ્રી છોડે છે. આ પ્લાસ્ટિક મજબૂત અને ટકાઉ હોવાથી તેનો ઉપયોગ ખાદ્ય તેલ, શેમ્પૂ વગેરેની શીશીઓ, હોઝપાઈપ વગેરેમાં કરવામાં આવે છે. સ્ટાયરોફોમ તરીકે જાણીતું પોલિસ્ટાયરીન તમામ પ્રકારનાં પ્લાસ્ટિકમાં સૌથી મોટું પ્રદૂષક કહી શકાય. અનેક કંપનીઓએ હવે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ શરૂ કર્યો છે, છતાં ખોરાક લઈ જવા વપરાતાં મોટા ભાગનાં પાત્રો અને પેકેજિંગ પોલિસ્ટાયરીનનાં હોય છે. તે રિસાયકલ થઈ શકતું નથી.

આ ઉપરાંત #7 તેમજ ‘Other’ છપાયેલું હોય એવી પ્લાસ્ટિક સામગ્રી કોઈ શ્રેણીમાં આવતી નથી તેમજ તે રિસાયકલ પણ થઈ શકતી નથી. પોલિકાર્બોનેટ તેમજ પોલિલેક્ટિક એસિડનો આમાં સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો નાગરિકો કે દુકાનદારો પર આકરો દંડ ફટકારી દેવાથી આ સમસ્યા ઉકેલી શકાશે નહીં. એનાથી કદાચ રાજ્યની તિજોરીમાં આવક થશે પણ સમસ્યા ઠેરની ઠેર રહેશે. પ્લાસ્ટિકના રિસાયકલનું આયોજન યોગ્ય રીતે વિચારીને કરવામાં આવે તો સરવાળે સમસ્યાને હળવી કરવાની દિશામાં કંઈક નક્કર કામ થઈ શકે, કેમ કે, એ હકીકત હવે સ્વીકારવા સિવાય છૂટકો નથી કે પ્લાસ્ટિક વિના જીવન શક્ય નથી. પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જાગૃતિ જરૂરી છે, પણ એકલી જાગૃતિથી કશું ન થાય.

તેના રિસાયકલની વ્યવસ્થા અને એ માટેનું યોગ્ય તંત્ર ઊભું કરવું જરૂરી છે. આમ કરવામાં જેટલું મોડું થશે એટલું નુકસાન છે, કેમ કે, પ્લાસ્ટિકનો ઉપયોગ દિનબદિન એ હદે વધતો જાય છે કે તેની પર નિયંત્રણ મુશ્કેલ છે.
માત્ર જાહેરાતો, પ્રચારપ્રસાર કે સ્પર્ધાઓ યા સૂત્રોને બદલે કંઈક નક્કર પગલાં ભરાય એ હવે અનિવાર્ય બની રહ્યું છે. પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા ઠેરઠેર ઊભી કરી શકાય તો એ બહુ કારગર નીવડી શકે એમ છે. નાગરિકોને પ્રદૂષણ માટે જવાબદાર ઠેરવીને કામ પૂરું થઈ જતું નથી. શાસક પક્ષે વધુ મોટી જવાબદારી છે. છેવટે આનાથી થનારું નુકસાન એકલા શાસક કે એકલા નાગરિકનું નહીં, પણ સમગ્ર માનવજાતનું છે. સૌ આ બાબતે થોડાં વધુ જવાબદાર બને તો આ સમસ્યા કદાચ કંઈક હળવી બની શકે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top