Editorial

અનંતસિંહ જેવા નેતાઓને ટિકીટ આપનારા નિતિશ સુશાસનની વાત કરે તે ગળે ઉતરે તેવી નથી

બિહારની રાજધાની પટનાથી 70 કિમી દૂર છે બાઢ. આ બાઢમાં એક ગામ છે નદમા. આ ગામમાં 1 જુલાઈ 1961ના રોજ અનંત સિંહનો જન્મ થયો. લોકો કહે છે કે જ્યારે અનંત સિંહ 9 વર્ષના હતા ત્યારે પહેલી વખતે જેલમાં ગયા હતા. થોડાક દિવસમાં છૂટીને પણ આવી ગયા હતા. અનંત સિંહ હતા તો ચાર ભાઈમાં સૌથી નાના, પણ ગુનાની દુનિયામાં તેમનું નામ ઘણું મોટું છે. 

એક જમાનામાં અનંત સિંહને લોકો ‘રોબિનહૂડ’ના નામે પણ ઓળખતા હતા. કહેતા હતા કે એક વખત તેમણે પોતાનો જ વિડિયો બનાવ્યો, જેમાં તેઓ પટનાના રસ્તા પર બગી પર સવાર જોવા મળ્યા હતા. આ વિડિયોમાં એક ગીત પણ વાગી રહ્યું હતું, જેના બોલ હતા ‘છોટે સરકાર…’ આ ગીત કોઈ બીજાએ નહીં, પણ ઉદિત નારાયણે ગાયું હતું. અનંત સિંહ છેલ્લા 13 મહિનાથી જેલમાં છે અને આ વખતે મોકામા જેલની અંદરથી જ ચૂંટણી લડશે.

અહીંના લોકોને જ્યારે અમે પૂછ્યું કે વોટ કોને આપશો? તો બધાનો જવાબ એક જ હતો કે કંઈ પણ થઈ જાય, વોટ તો અમે દાદાને જ આપીશું. અહીં લોકો અનંત સિંહને દાદા, અનંત દા અને છોટે સરકાર કહીને બોલાવે છે. મોકામાની વાત આવે તો અનંતસિંહનું નામ આવે આવે ને આવે જ. આ બંને હાલમાં એકબીજાના પર્યાયી છે તેમ કહીએ તો પણ ખોટુ કંઇ જ નથી. મોકામાથી જેડીયુ તરફથી વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે. મોકામામાં RJD નેતા દુલારચંદની હત્યાના સંદર્ભમાં પટણા પોલીસે શનિવારે મોડી રાત્રે બાહુબલી અનંત સિંહની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. લગભગ 150 પોલીસ અધિકારીઓની એક ટીમ બાઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેઢનામાં કારગિલ ચોક ખાતે અનંત સિંહના ઘરે પહોંચી હતી.

ધરપકડ બાદ, બાહુબલીએ ફેસબુક પર પોસ્ટ કરી છે કે, ‘સત્યમેવ જયતે!! મને મોકામાની જનતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેથી, મોકામાના લોકો હવે ચૂંટણી લડશે.’ અનંતસિંહ અને નીતીશકુમારની જુગલબંધીની વાત કરીએ તો 2004ની લોકસભા ચૂંટણીના સમયની છે. નીતીશ કુમાર બાઢ બેઠકથી 6 વખત ચૂંટણી લડી રહ્યા હતા. ચૂંટણી પહેલાં મોકામાથી અપક્ષ ધારાસભ્ય સૂરજભાન સિંહ LJPમાં સામેલ થયા હતા. સૂરજભાન સિંહને બલિયાથી ટિકિટ મળી હતી. નીતીશ કુમાર સમજી ગયા કે હવે અનંત સિંહની મદદ વગર તેઓ ચૂંટણી નહીં જીતી શકે. નીતીશના અંગત લલન સિંહે અનંત સિંહને મળાવ્યા હતા. જોકે અનંત સિંહનો સાથ પણ નીતીશને આ વખતે જિતાડી શક્યો ન હતો. અહીંથી અનંત સિંહ અને નીતીશ વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી.

Most Popular

To Top