Comments

અર્થતંત્ર અને એમ્યુઝમેન્ટ પાર્કમાં ફેર હોય છે તે સમજો તો સારું

તમે કદી આનંદમેળામાં ગયા છો? એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છો? ત્યાં ચકડોળ હોય છે.ટ્રેન હોય છે. જાત જાતની રાઇડ્સ હોય છે, જેમાં બેસીને બાળકો આનંદ લેતાં હોય છે, થોડાં હળવાં થતાં હોય છે. ભાગદોડભરી જિંદગીમાં આવી હળવાશની પળો હોવી જોઈએ. આ પાર્ક કે આનંદમેળામાં જે રાઇડ્સ હોય છે, ટ્રેન હોય છે તે ક્યારેક આનંદ માટે છે અને તેમાં બેસનારને ખબર છે કે આ ટ્રેન અપડાઉનમાં કામ લાગવાની નથી. ત્યાં પ્લેન પણ હોય છે, બોટ પણ હોય છે પણ દુનિયાનો કોઈ અર્થશાસ્ત્રી તેને ઇન્ફ્રાસ્ટ્રકચરનો ભાગ ગણાતો નથી.

અર્થશાસ્ત્રી જ શા માટે, કોઈ સામાન્ય માણસ પણ એને ક્ષણિક મનોરંજનથી વિશેષ ગણતો નથી. હવે તો નાના ગામડામાં પણ આવા મેળાઓમાં ગાડી, બોટ, વિમાન, ચકડોળ વગેરે તત્કાળ ઊભા કરવામાં આવે છે અને ગામલોકો પણ તેનો આનંદ માણે છે પણ એથી કરીને તેઓ હરખાતાં નથી કે આપણા ગામમાં ટ્રેન આવી, વિમાન આવ્યાં …..આટલી સાદી સમજ તો તેમને પણ છે તો પછી શું દેશના અર્થશાસ્ત્રીઓ આટલી સાદી સમજ પણ ગુમાવી ચૂક્યા છે? શું તેઓ ભૂલી ગયા છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ એકલદોકલ ઘટના માત્રથી તે લક્ષ સિદ્ધ થતાં નથી.

એમ્યુઝમેન્ટ પાર્ક આખા અર્થતંત્રનો એક નાનો હિસ્સો હોય પણ આખું અર્થતંત્ર જ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવે ત્યારે પ્રજા અને નિસ્બત ધરાવતાં લોકોએ ચિંતા કરવી જોઈએ. ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી સરકારી ખર્ચે માત્ર મનોરંજન માટેના પાર્ક બનવા લાગ્યા છે. બિન ઉત્પાદક બાંધકામો થવા લાગ્યાં છે, જેનો આવક અને રોજગારીમાં કોઈ ફાળો નથી હોતો.

હા, તમામ બિનઉત્પાદક મૂડીરોકાણનો જ્યારે થાય ત્યારે તે તત્કાલ રોજગારી આપે છે પણ તે કાયમી રોજગારીનું સર્જન નથી કરતા અને માટે તે આવક પ્રવાહ નથી સર્જતા. જેમકે થોડાં વર્ષો પહેલાં ગુજરાતનાં દરેક ગામડાં બહાર પ્રવેશના માર્ગ પર દરવાજા બંધાવાનું શરૂ થયું. ગામના જ કોઈ દાતા પાસેથી રૂપિયા લઇ તેના નામ સાથે પ્રવેશદ્વાર બનાવ્યાં. હવે આ પ્રવેશદ્વાર ઊભાં છે. બસ એ બંધાયા ત્યારે ખર્ચ થયો અને બંધાનારા મજૂરોને  રોજગારી મળી પણ હવે આ પ્રવેશદ્વાર ના કોઈને છાયો આપે છે ના રોજગારી. કડવી પણ આ સાચી વાત છે.

આ જ ખર્ચમાં જો ગામમાં સરકારી શાળામાં ઓરડા બાંધવામાં આવ્યા હોત તો બાળકો આજે તેમાં ભણતાં હોત. તાપ વરસાદમાં તે કોઈનું છાપરું હોત! ગામડાના પ્રવેશદ્વાર તો ગામના કોઈ દાતાએ પોતાની યાદમાં બનાવડાવ્યા હતા પણ હવે સરકારી અધિકારીઓ નવો પ્લાન લાવ્યા છે. સરકારના ખર્ચે એટલે કે પ્રજાના રૂપિયાથી રાજ્યનાં શહેરોમાં પ્રવેશદ્વાર બનાવવાના. ભાઈ શા માટે? આની શું જરૂર? માત્ર કોન્ટ્રાકટ આપવા બાંધકામનાં બજેટ ફાળવવા માટે જ. ગુજરાતમાં જ્યારે હોય ત્યારે સપોર્ટ કોમ્પ્લેક્ષ. એમ્યુઝમેન્ટ પાર્ક ,મ્યુઝિયમના બજેટ ફાળવવાની જ જાહેરાતો થાય છે. ક્યારેય શાળાઓ ,દવાખાનાં,સિંચાઈ જેવાં મૂળભૂત રોકાણો માટે જાહેરાત થતી નથી.

બીજું કડવું સત્ય એ છે કે બાંધકામ માટે નાણાં ફાળવાય છે પણ એ બાંધકામ પત્યા પછી તે સંસ્થા ચલાવવા માટે રોજગારી માટે નાણાં ખર્ચતા નથી.ઇવન નાણાં ખર્ચાઈ જાય પછી એ સંસ્થા એ વસ્તુનું શું થયું તે સરકાર પૂછતી નથી. તેનું વાસ્તવિક ઓડીટ થતું નથી. જેમ કે વર્ષો પહેલાં ગુજરાતમાં કોલેજોમાં લેન્ગવેજ લેબ ચાલુ કરી અને તે માટે કોમ્પ્યુટર ફળવાયાં. પ્રાથમિક શાળાઓમાં પણ કોમ્પ્યુટર ફાળવાયાં પણ હવે તે શું ઉપયોગમાં આવે છે તે કોઈને યાદ પણ નથી. અત્યારે દરેક સ્કૂલને સ્માર્ટ ટી.વી. આપાય છે. આવનારાં વર્ષોમાં તેનું મેન્ટેનન્સ પણ થવાનું નથી. હોસ્પિટલ બાંધવાનો ખર્ચ થાય પણ તેમાં ડોકટર નર્સની નિમણૂક ના થાય તો? હાઉસિંગનાં મકાન બંધાય પણ તે ફાળવાય જ નહિ.

ચૂંટણી વખતે બહુ ગાજેલી સ્માર્ટ સ્કૂલોનું શું થયું? કોઈ અર્થશાસ્ત્રના જાણકારને  પૂછો કે સી પ્લેન ઉડાડવું , નદીમાં ક્રુઝ બોટ ,હોટલ ચલાવવી તે સરકારનાં કામ છે? માત્ર બે શહેર વચ્ચે દોડતી બુલેટ ટ્રેન કદી આંતરમૂડી માળખું ગણાય નહિ. સરકાર રસ્તા બાંધે તે યોગ્ય છે પણ રસ્તાના બ્યુટીફીકેશન માટે ખર્ચ કરે તે પ્રજાનાં નાણાં કોન્ટ્રાકટરના ખિસ્સામાં નાખવાની યોજના માત્ર છે. ગુજરાતમાં હવે પ્રજાએ નહિ નેતાઓએ જાગવાની જરૂર છે. આ અધિકારીઓ તેમને કોઈક અલગ જ રસ્તો બતાવી રહ્યા છે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top