Comments

પ્રામાણિક રહેવું સારી બાબત છે, પરંતુ પ્રામાણિકતા ભાર વગરની હોવી જોઈએ

આપણે એવું માની લીધું છે, જેમની પાસે સત્તા છે તેઓ પ્રામાણિક હોઈ શકે જ નહીં, જેને તક મળે તેઓ પોતાની સત્તાનો ઉપયોગ કરી પૈસા કમાઈ લે છે, પણ આ સંપૂર્ણ સત્ય નથી. જેની મનમાં આપણને પણ ખબર છે, આપણી આસપાસ જ આવાં અનેક લોકો છે, જેઓ ભાર વગરની પ્રામાણિક જિંદગીને જીવ્યા અને તેમણે પોતે પ્રામાણિકતાને કારણે કેવી પરેશાની સહન કરી તેની ફરિયાદ પણ કરી નથી, છતાં આપણું ધ્યાન તેમની તરફ જવાને બદલે કોણ પોતાની સત્તાને કારણે કેવી રીતે પૈસાપાત્ર બન્યો તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેના કારણે વાહ વાહી પ્રામાણિકતાની થવાને બદલે આડતકરી રીતે જેઓ અપ્રામાણિક જીવન જીવ્યા તેમની જ વાહ વાહી થાય છે. આપણે માનીએ છીએ કે પોલીસ એટલે ભ્રષ્ટાચારનો પર્યાય છે. આ ખૂબ અધૂરી માહિતી છે, કારણ કે દેશ અને રાજયના ભ્રષ્ટ વિભાગમાં પોલીસમાં નંબર 18-19 મા સ્થાને આવે છે, પરંતુ પોલીસને લાંચ આપનાર કાયમ દુ:ખી હોવાને કારણે ચર્ચામાં કાયમ પોલીસ જ રહે છે.

મારા પરિચયમાં ઘણા આઈપીએસ અધિકારીઓ છે, જેઓ પોતાની કેરિયર શરૂ કરી અને પૂરી કરી ત્યાં સુધી તેઓ પ્રામાણિકપણે જીવ્યા છે. જો કે એક આઈપીએસ અધિકારી માટે જીવનભર પ્રામાણિક રહેવું સહેલું છે તેવું મારા અનુભવથી લાગે છે. કારણ તેમને અપ્રત્યક્ષ રીતે પણ અપ્રામાણિક થવા માટે કોઈ ફરજ પાડી શકતું નથી. મારા એક આઈપીએસ અધિકારીએ મને કહ્યું કે હું પ્રામાણિકપણે કામ કરું તો પણ એક સામાન્ય નોકરિયાત કરતાં મને મહિને 25-30 હજારનો ફાયદો થાય છે કારણ મારે ભાડું-લાઈટ બીલ ભરવાનું નથી. હું કયાંક બહાર નીકળું તો મારા સાથી કર્મચારીઓ મારી કાળજી લે છે. આમ એક એક આઈપીએસ અધિકારી પ્રામાણિક રહે તો મને લાગે છે, ઉત્તમ હોવા છતાં તેમને ઓછી પરેશાનીનો સામનો કરવો પડે છે, પણ નાના દરજ્જાનો અધિકારી પ્રામાણિક રહે તો તેમના માટે ખાસ્સું મુશ્કેલ કામ છે.

2001 માં પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ભરતી થયેલા એક પોલીસ અધિકારીએ નક્કી કર્યું કે તેઓ પગાર સિવાયની કોઈ રકમને હાથ લગાડશે નહીં. તેમણે પીએસઆઈ તરીકે પોતાની પ્રામાણિકતા જાળવી, પોલીસ ઈન્સ્પેકટર તરીકે પણ તેઓ પહેલાં જેવા જ રહ્યા અને આજે ડેપ્યુટી એસપી તરીકે પણ તેઓ પોતાની જાતને સાચવી શકયા છે, પણ હવે બન્યું એવું કે તેમની દીકરીને વિદેશ ભણવા જવું છે. તેમને 25 લાખની જરૂર છે. જે માણસ પ્રામાણિકપણે જીવ્યો હોય તે લોન વગર આટલી રકમની વ્યવસ્થા કરી શકે નહીં.

આ પોલીસ અધિકારીએ પોતાના સાથી અધિકારીઓના વોટસ એપ ગ્રુપમાં પોતાની સમસ્યા લખી અને કહ્યું, મારે મદદની જરૂર છે. પહેલાં તો બધાએ માની લીધું કે તે પૈસા માંગશે. પછી તેમણે લખ્યું કે મારી પાસે એક ઘર છે, જે હું વેચવા માંગું છું. મારું ઘર સારા પૈસામાં વેચાય તો હું મારી દીકરીને વિદેશ ભણવા મોકલી શકું તે માટે મને મદદ કરશો. તેમણે લખ્યું કે ઘર વેચાઈ જાય પછી મારે ભાડાના ઘરમાં રહેવું પડશે તેનો મને કોઈ સંકોચ નથી અને કોઈ ફરિયાદ પણ નથી.

આમ પ્રામાણિકતા બહુ સહજ હોવા છતાં તમામ માણસ પ્રામાણિકતાને પોષી શકતા નથી, કારણ પ્રામાણિકતા બહુ મોંઘો શોખ છે. પ્રામાણિકતા પોતાની સાથે દરિદ્રતા પણ લાવે છે, પણ તેની પ્રામાણિકતા રાખનારે ફરિયાદ કરવાની નથી. બે પ્રકારના પ્રામાણિક માણસો અને અધિકારીઓ જોયા છે. પહેલો વર્ગ એવો છે કે જેઓ પ્રામાણિક છે તેમનું તેમને ગૌરવ અને અભિમાન નથી. તેઓ પ્રામાણિકતાને બહુ વ્યકિગત માને છે. જેઓ પ્રામાણિક નથી તેમની સામે તેમનો વિરોધ અને નારાજગી પણ નથી. બીજો પ્રામાણિક એવો છે કે તે પ્રામાણિક છે તે કંઈક ઐતિહાસિક બાબત છે તે રીતે પોતાને રજૂ કરે છે. પોતે પ્રામાણિક રહી દેશ અને સમાજ ઉપર ઉપકાર કર્યો છે તેવા ભાર સાથે તે જિંદગી જીવે છે અને તે ભાર આપણા ખભા ઉપર મૂકવાનો પણ તે પ્રયાસ કરે છે. આ પ્રકારના પ્રામાણિક માણસ અધિકારીઓ બહુ કંટાળાજનક હોય છે કારણ તેમને પ્રામાણિકતાનો કૈફ હોય છે,જે માણસ દારૂ પીધા પછી પાગલ થાય તે તો કલાક બે કલાકનો સવાલ હોય છે પરંતુ પ્રામાણિકતાનો કૈફ 365 દિવસ રહે છે.

મેં આ પ્રકારના અનેક પ્રામાણિક જોયા છે, જેઓ પોતાની પ્રામાણિકતાની ગાથા સંભળાવે તેમાં તેમની બહાદુરી સાથે તેમણે પ્રામાણિક રહેવાને કારણે કેટલું નુકસાન કર્યું તેનો રંજ હોય છે. પ્રામાણિક રહેવાને કારણે તકલીફ પડશે, પણ તેની ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. કારણ આ રસ્તો બહુ વ્યકિતગત છે. પ્રામાણિકતા નેશનલ હાઈ વે નથી. એક કેડી છે, તેની ઉપર બીજા ચાલે તો સારી બાબત છે, પણ આપણાથી કોઈને ફરજ પાડી શકાય નહીં અને જેઓ ચાલે છે તેમણે પણ આ કેડી ઉપર મોર્નિંગ વોક કરતા હોય એટલી સહજતાથી ચાલવું જોઈએ. મારો મિત્ર વિવેક દેસાઈ જે હાલમાં નવજીવન ટ્રસ્ટનો મેનેજીંગ ટ્રસ્ટી છે, તેના દાદા ઠાકોરભાઈ દેસાઈ ગુજરાતના પહેલા ગૃહમંત્રી હતા. ઠાકોરભાઈના દીકરા જીતેન્દ્ર દેસાઈ પણ પિતા ગૃહમંત્રી છે તેનો ભાર લઈ ફર્યા નહીં અને વિવેકના મોંઢે મેં કયારેય તેના દાદા ગુજરાતના પહેલા ગૃહમંત્રી હતા તેવું સાંભળ્યું નથી. આજે આપણે જે રાજનેતાઓ જોયા છે તેમની રહેણીકરણી અને તેમની પેઢીઓને આપણે જોઈ છે, પણ આપણે એક એવી વ્યવસ્થામાં જન્મ્યા છીએ, જયાં સારા માણસો પણ જેઓ પોતાની સારપને સંતાડી ખૂણામાં ઊભા છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top