માનવસ્વભાવની એક વિચિત્ર ટેવ છે બીજાની ખામીઓ શોધવી. જે લોકો આમાં પોતાનો સમય બગાડે છે, તેઓ ઘણીવાર પોતાની ખામીઓથી અજાણ હોય છે. આવા લોકોને મૂર્ખ કહેવામાં અતિશયોક્તિ નથી, કારણ કે તેઓ બીજાના દોષ ગણાવવામાં જેટલી ચતુરાઈ બતાવે છે, તેટલી શક્તિ પોતાના સુધારણામાં લગાવતા નથી. ખામીઓ કાઢવી એ નકારાત્મકતાનું લક્ષણ છે, જે વ્યક્તિના મનને સંકુચિત અને સમાજને વિખવાદી બનાવે છે. આવા માણસો બીજાની નાની-નાની ભૂલોને મોટી બનાવીને રજૂ કરે છે, પરંતુ પોતાની નિષ્ફળતાઓ પર પડદો નાખે છે.
તેઓ ભૂલી જાય છે કે કોઈ પણ માનવ સંપૂર્ણ નથી. ખામીઓ શોધવાને બદલે, જો તેઓ બીજાના ગુણોની પ્રશંસા કરે, તો સમાજમાં સકારાત્મકતા ફેલાય. આવો વિચાર ન માત્ર સંબંધોને મજબૂત કરે છે, પણ વ્યક્તિગત વિકાસમાં પણ મદદરૂપ થાય છે. બીજાની ખામીઓ કાઢવી એ એક સરળ રસ્તો છે, જેમાં બુદ્ધિ કે પ્રયત્નની જરૂર નથી. પરંતુ સાચી બુદ્ધિ તો એમાં છે કે વ્યક્તિ પોતાની ખામીઓને સ્વીકારે અને તેને સુધારવાનો પ્રયાસ કરે. મૂર્ખાઓની આ ટેવ છોડીને જો આપણે સહાનુભૂતિ અને સમજણનો માર્ગ અપનાવીએ, તો જીવન વધુ સુંદર અને સમૃદ્ધ બનશે. આવો, ખામીઓ નહીં, ગુણો શોધીએ અને સમાજને પ્રેમથી જોડીએ.
પુનાગામ, સુરત – સોલંકી સંજય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.