SURAT

સુરતમાં મ્યુકરમાયકોસિસના 600 કરતાં વધારે કેસ હોવાનો અંદાજ, તંત્રની દોડધામ

સુરત : સુરત શહેરમાં કોવિડ ( covid) કરતાં અત્યંત ખતરનાક અને ભયાનક ગણાતો 600 કરતાં વધારે મ્યૂકરમાઇકોસિસ ( mucormycosis) ના કેસ લોકોને થયો હોવાનો અંદાજ છે. મ્યૂકરમાઇકોસિસ ની આ બીમારી એટલે ભયાનક છે કે આ રોગથી ગાફેલ રહેનારને તેની આંખ કે જીવ ગુમાવવો પડે છે. કોરોના થયો હોય તેવા દર્દીઓમાં જોવા મળતો આ ભયાનક રોગ હાલમાં તેની ચરમસીમાએ છે. આ રોગમાં ચાર લાખ રૂપિયાથી દસ લાખનાં ઇન્જેક્શન લેવા પડે છે. એક ઇન્જેક્શન ( injection) સાત હજાર રૂપિયાનું હોય છે અને રોજનાં આવા સાત લેખે એકવીસ દિવસ સુધી આ ઇન્જેક્શનની થેરાપી લેવી પડે છે. આમ વ્યક્તિને શારીરિક અને આર્થિક રીતે પાયમાલ કરનારો મ્યૂકરમાઇકોસિસ કોવિડ કરતાં અત્યંત ખતરનાક હોવાની શહેરના તબીબો મારફત ચોંકાવનારી વિગત જાણવા મળી છે. શહેરની એક હોસ્પિટલ સરેરાશ પચાસથી સો મ્યૂકરમાઇકોસિસના કેસનાં ઓપરેશન થઇ રહ્યા છે. આ આંકડો હજુ વધારે ચોંકાવનારો હોઈ શકે છે. શહેરના ખ્યાતનામ તબીબો પાસેથી અમે આ રોગ વિશે વિગતો મેળવી. શહેરના તબીબોએ અત્યાર સુધી 600 લોકોને આ રોગ થયો હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

વીસથી બાવીસ વર્ષના યુવાનોને આ રોગ થઈ રહ્યો છે તે સૌથી આઘાતજનક છે : ડો.નેહલ પટેલ
જડબાના બેતાલીસ કરતાં વધારે ઓપેરેશન કરનાર તબીબ નેહલ પટેલે નાની ઉંમરના યુવાનોને આ રોગ થાય છે તે આઘાતજનક ગણાવ્યું હતું. આ રોગ તે ગણતરીના કલાકોમાં પ્રસરી જાય છે તેથી તેને રોકવો અત્યંત કપરો છે. આ ઉપરાંત આ રોગમાં પહેલા દિવસે માથું દુ:ખે છે, બીજા દિવસે જડબું અને આંખ દુ:ખે છે. 3 દિવસમાં આ રોગ મગજ સુધી પહોંચી જાય છે. તેથી જ્યાં સડો હોય તે ભાગ જ એટલે કે જડબું કે પછી આંખ કાઢી નાંખવી પડે છે. આ રોગ એટલો ઝડપથી પ્રસરે છે કે તેની અવહેલના કરનારના મગજના ભાગ સુધી આ રોગ પહોંચે છે

સુરત ઇએનટી હોસ્પિટલના સંચાલકોએ 80 ઓપરેશન કર્યાં

સુરત ઇએનટી હોસ્પિટલના સંચાલકોએ અત્યાર સુધી 80 ઓપરેશન કર્યાં છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના કરતાં આ બીમારી અત્યંત ખતરનાક છે. તેમાં ચેપ એટલો ઝડપથી પ્રસરે છે કે અવગણનારને જીવ ગુમાવવો પડી શકે છે. એક ઇન્જેક્શન સાત હજારની કિંમતનું આવે છે, આવાં સાત ઇન્જેક્શન એકવીસ દિવસ સુધી લેવા પડે છે. ઇન્જેક્શનનો ખર્ચ ચારથી દસ લાખ સુધી પહોંચે છે. હેવી સ્ટીરોઇડ દવાને કારણે લોકોમાં સુગર લેવલ વધી જાય છે, તેથી આ રોગ થાય છે. તેમાં પણ જો ડાયાબિટીસ હોય તો મ્યૂકરમાઇકોસિસ ચોક્કસ થતો જોવા મળી રહ્યો છે એમ ડો.સંકેત ગાંધી ડો સંદિપ પટેલ અને ડો વિશાલ અરોરાએ આ વિગત જણાવી હતી.

Most Popular

To Top