પ્રત્યેક સંબંધ દ્વારા માનવી લાગણી, હૂંફ અને માનવતા જેવા સંબંધોનો આગ્રહ સેવતો હોય છે જે બંને પક્ષે આવકાર્ય હોય. પરંતુ વર્તમાન સમયમાં કયાંક સંબંધોમાં ઔપચારિકતા દૃષ્ટિગોચર થાય છે. પહેલાં જે લાગણી, સ્નેહ, વ્યકત થતાં હતાં એમાં ઓટ આવતી જણાય છે. નિમંત્રણ, આમંત્રણ, કંકોતરી, દિવાળીની શુભેચ્છા વિ. વોટસઅપ દ્વારા જ પાઠવી દેવાય છે. જે પહેલાં એકમેકને ઘેર જઇ પાઠવવામાં આવતી હતી. કયારેક ફોન પર ખબરઅંતર જાણી લેવાય છે. સગાંને ત્યાં બહારગામ પણ આવવું-જવું કદાચિત ઓછું થઇ ગયું છે. પહેલાં શૈશવકાળમાં વેકેશનમાં મામાને ત્યાં ધામા નખાતા હતા. તે લગભગ બંધ થઇ ગયા લાગે છે. દરેકને પારિવારિક સમસ્યા નડતી હોય છે. જે સગાં હોય છે તે વહાલાં નથી હોતાં અને જે વહાલાં હોય છે તે સગાં નથી હોતાં! કયારેક નજીવી બાબતમાં મિત્રતામાં પણ ગેરસમજ ઊભી થતી હોય છે. કોણ ઝૂકે? એ યક્ષ પ્રશ્ન હોય છે! સંબંધની જાળવણી દરિયાદિલીથી થતી હોય છે અને અહમ્ ની ગેરહાજરી સંબંધ મહેકાવે છે. જીવનમાં ચપટી ધૂળનો પણ ખપ પડે એવું વડીલો કહેતાં હતાં જે યથાર્થ હતું. સહૃદયતા સંબંધ સહૃદયતાથી સચવાય, ઔપચારિકતાથી નહીં.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રકૃતિએ રૌદ્ર રૂપ ધારણ કર્યું
પ્રકૃતિએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હોવાનું અનુભવાઈ રહ્યું છે. પ્રકૃતિ માટે જવાબદાર મનુષ્ય પોતે જ છે. મનુષ્યે પ્રકૃતિદત્ત મનુષ્યતાને ઉપયોગી પંચ તત્ત્વો પૃથ્વી, આકાશ, અગ્નિ,વાયુ અને જળનો બેફામ ઉપયોગ તો કર્યો જ સાથે તેને પ્રદૂષિત પણ કરી મૂકયાં. પ્રકૃતિ પાસે મનુષ્યે માત્ર ને માત્ર લીધું જ, પ્રકૃતિને આપ્યું કશું જ નહીં. એટલે જ નહીં, અન્ય તમામ જીવોના રક્ષણનું ઉત્તરદાયિત્વ પણ પ્રકૃતિએ મનુષ્યને સોંપ્યું હતું. કહે છે ટેકનોલોજી જે સગવડ આપે છે તેનાથી વધુ તે પ્રકૃતિનું નિકંદન કાઢતી હોય છે. ટેકનોલોજી પ્રકૃતિને ખોરવી નાંખે છે. આથી જ પ્રકૃતિ વિનાશ વેરી રહી છે. મનુષ્યતાએ વિચારવું પડશે, તેને ખોટો વિકાસ જોઇતો હોય તો સાચુકલા વિનાશ માટે પણ તૈયાર રહેવું પડશે તે નક્કી.
નવસારી. – ગુણવંત જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.