
વૈશ્વિક રાજનીતિમાં જો કોઈ બે દેશો વચ્ચેના સંબંધો સતત વિસ્ફોટક રહ્યા હોય, તો તે અમેરિકા અને ઈરાન છે. છેલ્લા ચાર દાયકાથી આ બંને દેશો વચ્ચેના સંબંધો ક્યારેક પરમાણુ કરારની આશા તો ક્યારેક યુદ્ધના ભણકારા વચ્ચે ઝૂલતા રહ્યા છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ના ભૌગોલિક-રાજકીય સમીકરણોમાં ઈરાન અને અમેરિકાનો વિવાદ માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની અસર વૈશ્વિક તેલ બજાર અને પ્રાદેશિક શાંતિ પર પણ પડે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના મધુર સંબંધોમાં ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિથી મોટી તિરાડ પડી. તે સમયે અમેરિકાના સમર્થિત શાહના શાસનનો અંત આવ્યો અને આયાતુલ્લા ખાઇમેની સત્તા પર આવ્યા તે જ વર્ષે તેહરાનમાં અમેરિકી દૂતાવાસમાં ૫૨ અમેરિકનોને બંધક બનાવવાની ઘટનાએ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો કાયમી ધોરણે બગાડી નાખ્યા હતા. ત્યારથી અમેરિકા માટે ઈરાન એક ‘દુશ્મન દેશ’ અને ઈરાન માટે અમેરિકા ‘ધ ગ્રેટ સેટન’ (મોટો શૈતાન) બની ગયું છે. જેમાં સૌથી વધુ વિવાદ ઇરાનના પરમાણુ કાર્યક્રમના કારણે છે. JCPOA (૨૦૧૫નો કરાર) જે ઓબામાના વહીવટ હેઠળ ૨૦૧૫માં વિશ્વની સત્તાઓ સાથે ઈરાને પરમાણુ કરાર કર્યો હતો, જેમાં ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદા મૂકવાની બદલે આર્થિક પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવી હતી.
૨૦૧૮માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને ‘સૌથી ખરાબ કરાર’ ગણાવીને તેમાંથી અમેરિકાને બહાર ખેંચી લીધું અને ઈરાન પર ફરીથી કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા. આનાથી બંને દેશો વચ્ચેનો અવિશ્વાસ ચરમસીમાએ પહોંચ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ માત્ર પરમાણુ શસ્ત્રો પૂરતો સીમિત નથી, પરંતુ તે પ્રાદેશિક વર્ચસ્વની લડાઈ પણ છે. ઈરાન મધ્ય પૂર્વમાં લેબનોનના હિઝબુલ્લાહ, ગાઝાના હમાસ, યમનના હૂથી બળવાખોરો અને ઈરાક-સીરિયાના શિયા જૂથોને ટેકો આપે છે.
અમેરિકા આ જૂથોને આતંકવાદી માને છે અને ઈરાનને ‘આતંકવાદનો સૌથી મોટો પ્રાયોજક’ ગણાવે છે. અમેરિકાનો ગાઢ મિત્ર ઈઝરાયેલ ઈરાનને પોતાનું અસ્તિત્વ માટેનું જોખમ માને છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સીધો કે પરોક્ષ સંઘર્ષ હંમેશા અમેરિકાને આ વિવાદમાં ખેંચી લાવે છે. અમેરિકાએ ઈરાનના અર્થતંત્રને તોડવા માટે મેક્સિમમ પ્રેશર (મહત્તમ દબાણ) ની નીતિ અપનાવી છે. ઈરાનના તેલ નિકાસ પરના પ્રતિબંધોને કારણે ત્યાં મોંઘવારી અને બેરોજગારી વધી છે. જોકે, ઈરાને નમતું જોખવાને બદલે રશિયા અને ચીન સાથે પોતાના સંબંધો મજબૂત કર્યા છે, જે અમેરિકા માટે નવી વ્યૂહાત્મક ચિંતાનો વિષય છે.
૨૦૨૦માં અમેરિકા દ્વારા ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ બંને દેશો યુદ્ધની અણી પર આવી ગયા હતા. તાજેતરમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને લાલ સમુદ્રમાં હૂથી બળવાખોરોના હુમલાઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેનો વિવાદ ગમે ત્યારે મોટી જ્વાળામાં ફેરવાઈ શકે છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન તેના મિસાઈલ કાર્યક્રમ અને પ્રોક્સી જૂથોને ટેકો આપવાનું બંધ કરે જ્યારે ઈરાન ઈચ્છે છે કે તેના પરથી તમામ આર્થિક પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવે અને મધ્ય પૂર્વમાંથી અમેરિકી સૈન્ય હટી જાય.
ઈરાન-અમેરિકા વિવાદ એ આજના સમયનો સૌથી જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે. આ લડાઈ માત્ર બે દેશોની નથી, પરંતુ તે લોકશાહી વિરુદ્ધ ધર્મશાહી, અને પશ્ચિમી વિચારધારા વિરુદ્ધ પૂર્વીય પ્રતિકારની લડાઈ બની ગઈ છે. જો આ વિવાદનો ઉકેલ રાજદ્વારી વાટાઘાટો દ્વારા નહીં આવે, તો તેની કિંમત સમગ્ર વિશ્વએ મોંઘા તેલ અને અસ્થિરતાના રૂપમાં ચૂકવવી પડશે. વિશ્વ શાંતિ માટે જરૂરી છે કે બંને પક્ષો મહત્તમ સંયમ જાળવે અને મધ્યમ માર્ગ શોધે.