સુરત: છેલ્લાં કેટલાંય સમયથી સુરત એરપોર્ટના ટર્મિનલ, પેરેલલ ટેક્સી ટ્રેકના નિર્માણની કામગીરી ચાલી રહી છે. ખૂબ જ ધીમી ગતિએ આ કામગીરી થતી હોવાની અનેકોવાર બૂમો ઉઠે છે, ત્યારે આ મામલે એક નવો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2023માં પણ સુરત એરપોર્ટ પર પેરેલલ ટેક્સી ટ્રેક નહીં બની રહે તેવી માહિતી બહાર આવી છે.
- આ વર્ષે પણ સુરત એરપોર્ટ પર પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ પૂર્ણ થવું મુશ્કેલ
- વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગૃપના સભ્યોએ એરપોર્ટની મુલાકાત લીધી
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગૃપના સભ્યોએ બુધવારે તા. 4 જાન્યુઆરી 2023ના રોજ સુરત એરપોર્ટની (Surat Airport) મુલાકાત લીધી હતી. તેમાં એરલાઈન્સના કેટલાક સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગૃપના સભ્યોએ એરપોર્ટનું અવલોકન કર્યું હતું. તેમજ નવી એર કનેક્ટીવિટી માટે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ હતી.
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગૃપના (We Work For Working Airport) સભ્યોએ જણાવ્યું હતું કે, ટર્મિનલ (Terminal) વિસ્તરણનું કામ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થાય એવું હાલ લાગી રહ્યું છે. બહારનું અને આંતરિક ફર્નિશિંગનું કામ 75 ટકા પૂર્ણ થયું હોય એવું હાલ લાગી રહ્યું છે. હાલની એર લાઈન્સ (Air Lines) કંપનીઓ માર્ચ 2023 સુધીમાં કોઈ વધારાના સ્થળો ઉમેરે એવી કોઈ યોજના નથી. સિવાય કે નવી એલ લાઈન્સ આવે અને ચાલુ કરે. એપ્રિલ 2023 માં 2-3 નવા સ્ટેશનોની કનેક્ટીવિટી મળે એવી સંભાવના છે.
સમર શિડ્યુઅલમાં યુએઈની ફ્લાઈટ મળે તેવી સંભાવના
સભ્યોએ એરલાઈન્સ કંપનીના અધિકારીઓને પટના-વારાણસી-લખનઉ વન સ્ટોપ, ગુવાહાટીને કોલકાતા દ્વારા, બેંગલોર, મુંબઈ, ઇન્દોર, ઉદયપુર અને પૂણે દ્વારા વન સ્ટોપ કોચિન સાથે અને દિલ્હી દ્વારા ગોરખપુરને જોડવા માટે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટા ભાગની એરલાઈન્સ કંપનીઓ બેઝ ફ્લાઈટ ઓપરેટ કરવા માટે સુરત એરપોર્ટ પર પાર્કિંગની ફાળવણી ઇચ્છે છે. પેરેલલ ટેક્સી ટ્રેક અને પાર્કિંગ બેઝ સંબંધિત કામો ડિસેમ્બર 2023 પૂર્ણ થાય એવું લાગતું નથી. 2023ના સમર શિડ્યુલમાં યુએઇની વધુ એક કનેક્શન મળી શકે એવી સંભાવના છે.