National

‘રામસેતુ હોવાનો દાવો કરવો મુશ્કેલ છે…’, અસ્તિત્વ પર સંસદમાં સરકારે આપ્યો જવાબ

નવી દિલ્હી: ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચે ચાલી રહેલા રામસેતુ (Ram Setu) વિવાદ (Controversy) અંગે કેન્દ્ર સરકારે સંસદમાં (Parliament) જવાબો આપ્યા હતા. રામસેતુના અસ્તિત્વ (Existence) અંગે રાજ્યસભામાં ઘણા સવાલો ઉઠ્યા હતા. ત્યારે સરકારે પોતાના પક્ષ તરફથી જવાબો રજુ કર્યા હતા. સરકાર તરફથી આપવામાં આવેલા જવાબ બાદ કોંગ્રેસને (Congress) વધુ એક મુદ્દો મળ્યો હતો, અને કોંગ્રેસે સરકારને આ મુદ્દે ઘેરી હતી.

પૌરાણિક કથા અનુસાર સમુદ્રમાં બનેલા રામ સેતુને લઈને ભારત અને શ્રીલંકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં આ અંગે જવાબ આપવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે રામ સેતુના અસ્તિત્વના સંપૂર્ણ પુરાવા હજુ સુધી મળ્યા નથી. હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકારને પૂછ્યું હતું કે હું પૂછવા માંગુ છું કે શું સરકાર આપણા ગૌરવશાળી ઈતિહાસ પર કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરી રહી છે? કારણ કે અગાઉની સરકારોએ આ મુદ્દા પર સતત ધ્યાન આપ્યું ન હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તેમના પ્રશ્નનો જવાબ આપ્યો. 

સરકાર તરફથી આ જવાબ આપવામાં આવ્યો
જ્યારે સરકાર તરફથી જવાબ આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું કે, મને ખુશી છે કે અમારા સાંસદે રામસેતુને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ અંગે અમારી કેટલીક મર્યાદાઓ છે. કારણ કે આ લગભગ 18 હજાર વર્ષ પહેલાનો ઈતિહાસ છે. અમે જે બ્રિજની વાત કરી રહ્યા છીએ તે લગભગ 56 કિલોમીટર લાંબો હતો. સ્પેસ ટેક્નોલોજી દ્વારા અમને જાણવા મળ્યું કે સમુદ્રમાં કેટલાક પથ્થરોના ટુકડા મળી આવ્યા છે, કેટલાક એવા આકાર છે જે સાતત્ય દર્શાવે છે. સમુદ્રમાં કેટલાક ટાપુઓ અને ચૂનાના પથ્થર જેવી વસ્તુઓ જોવા મળી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો રામસેતુનું વાસ્તવિક સ્વરૂપ ત્યાં હાજર છે તે કહેવું મુશ્કેલ છે. જો કે, ત્યાં કેટલાક સંકેતો છે જે સૂચવે છે કે સ્ટ્રક્ચર ત્યાં હાજર હોઈ શકે છે. અમે પ્રાચીન દ્વારકા શહેર અને આવા કેસોની તપાસ માટે સતત કામ કરી રહ્યા છીએ. 

કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા પ્રશ્નો 
તમને જણાવી દઈએ કે રામસેતુને લઈને ઘણી થિયરી સામે આવી ચુકી છે, ભાજપ સતત કોંગ્રેસ પર આરોપ લગાવી રહી છે કે તે રામસેતુના અસ્તિત્વમાં વિશ્વાસ નથી કરતી. આ સાથે જ સંસદમાં સરકારના જવાબને કારણે મામલો વધુ ગરમાયો છે. હવે કોંગ્રેસ આ મુદ્દે સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ સરકારનો આ જવાબ ટ્વિટર પર પોસ્ટ કર્યો અને લખ્યું, “તમામ ભક્તો, ખુલ્લા કાનથી સાંભળો અને ખુલ્લી આંખે જુઓ. મોદી સરકાર સંસદમાં કહી રહી છે કે રામ સેતુના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી.” પવન ખેડા ઉપરાંત વિપક્ષના તમામ નેતાઓ હવે તેને સોશિયલ મીડિયા પર શેર કરીને કહી રહ્યા છે કે ભાજપનું અસલી સત્ય સામે આવ્યું છે. 

શું છે રામસેતુ વિવાદ?
રામસેતુ વિશે અનેક પૌરાણિક કથાઓ ટાંકીને દાવા કરવામાં આવે છે. સૌથી મોટો દાવો એ છે કે ભગવાન રામે લંકા પર ચઢાઈ કરવા માટે આ પુલ બનાવ્યો હતો. જેમાં વાનરસેનાએ તેમની મદદ કરી હતી. બીજી તરફ, મુસ્લિમ પક્ષ તરફથી દાવો કરવામાં આવે છે કે આદમે આ પુલ બનાવ્યો હતો. જો વૈજ્ઞાનિક સંશોધનની વાત કરીએ તો નિષ્ણાતો કહે છે કે દરિયામાં તે જગ્યાએ છીછરા પાણીને કારણે પથરી દેખાવા લાગી છે. આ અંગે વર્ષ 2007માં યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે કથિત રામસેતુ મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા નથી. આ અંગે ભારે હોબાળો થયો હતો, જેનો ઉલ્લેખ હજુ પણ ભાજપના અનેક નેતાઓ કરે છે.

Most Popular

To Top