તાજેતરમાં પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ કેટલાક જાહેર સેવકો દ્વારા ઉત્સાહના અતિરેકમાં આવીને જવાનો માટે વાણી વિલાસ કરવામાં આવ્યા તે ખરેખર દુઃખની બાબત છે. નેતાઓ તો પ્રજા માટે રોલ મોડેલ હોવા જોઈએ તેના બદલે જાહેર જનતા દુઃખી થાય તેવા સ્ટેટમેન્ટ કરીને પ્રજામાં તેઓ અળખામણા બનતા જાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એ નેતાને વાણીવિલાસ અંગે ફટકાર લગાવવામાં આવી તે સારું જ થયું છે. તે નિવેદનને પરિણામે આખો દેશ શર્મસાર થયો છે એવું સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દ્વારા જણાવાયું તે યથાયોગ્ય છે.
લોકશાહી દેશમાં જાહેર સેવક હલકી માનસિકતા ધરાવતો હોય તે ચાલી શકે નહીં. નેતાઓ પાસેથી તો સારા ગુણોની અને અસરકારક નેતૃત્વની જાહેર જનતા અપેક્ષા રાખે છે. પ્રજાના સેવક સત્તાના નશામાં ડૂબીને ઘમંડી વર્તન કરીને એલફેલ બોલે તે એમના માટે પણ શોભાસ્પદ નથી. પ્રજાના સેવક પ્રજાના માલિક બનીને વર્તે તે કેવી રીતે ચાલી શકે? પ્રજા સેવકોનું કામ તો લોકોમાં ભાઈચારો વધે તથા એકતા જળવાય તે માટેના પ્રયત્નો કરવાના હોય છે તેને બદલે પ્રજા નારાજ થાય તેવા નિવેદનથી એમણે દૂર રહેવું જોઈએ. પરિપક્વ નેતાઓની જાણે અછત વર્તાય રહી છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.