Comments

નીતીશકુમારને બિહારના મુખ્ય મંત્રી બનાવવા પડે છે તે ભાજપની મજબૂરી છે

બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દર ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ બધાની નજર નીતીશકુમાર ઉપર છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વોટચોરીના આક્ષેપો બહુ ગાજવાને કારણે બિહારની ચૂંટણી બહુ વિવાદાસ્પદ બની ગઈ છે. વિવિધ રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલી બેઠકોની વહેંચણીની વાટાઘાટો વચ્ચે ભારતના ચૂંટણી પંચે SIR (સઘન મતદાતા સુધારણા) નો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ બિહારમાં હવે ૭.૪૨ કરોડ મતદારો છે. ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં SIR શરૂ કર્યું હતું.

વિરોધ પક્ષોએ તેના સમય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે ચૂંટણી પંચે તેને મતદાર યાદીમાં સુધારો કરવાની પ્રક્રિયા તરીકે વર્ણવી હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરશે અને તેની સાથે રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ જશે. આચારસંહિતા લાગુ થાય તે પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ૭૫ લાખ મહિલાઓનાં ખાતાંમાં ૧૦-૧૦ હજાર રૂપિયા જમા કરાવીને રેવડી આપવાનો પ્રારંભ પણ કરી દીધો છે.

બિહાર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ ૨૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થાય છે. તેથી, રાજ્યમાં નવેમ્બર સુધીમાં ચૂંટણીઓ યોજાવાની છે. બિહારમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ૨૦૨૦માં કોરોના મહામારીના પડછાયા હેઠળ ૨૮ ઓક્ટોબરથી ૭ નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં યોજાઈ હતી. કોરોના મહામારી દરમિયાન ભારતમાં યોજાનારી આ પહેલી મોટી ચૂંટણી હતી અને તેના સંદર્ભમાં ઘણી માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. ૨૦૨૦ ની ચૂંટણી પછી બિહાર રાજ્યમાં NDAની સરકાર બની હતી, પરંતુ ઓગસ્ટ ૨૦૨૨ માં નીતીશકુમારે ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને તેઓ મહાગઠબંધનમાં જોડાયા હતા. ભાજપ અને જેડીયુ વચ્ચેના સંબંધો એટલા ખરાબ થઈ ગયા હતા કે નીતીશકુમારે તો એવું નિવેદન પણ આપી દીધું હતું કે તેઓ મરવાનું પસંદ કરશે પણ ભાજપ સાથે ક્યારેય નહીં જાય. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે નીતીશકુમાર માટે NDAના દરવાજા હંમેશા માટે બંધ છે, પરંતુ રાજકારણમાં કોઈ અંતિમ સત્ય ન હોવાથી, પરિસ્થિતિ ફરી એક વાર બદલાઈ ગઈ હતી.

નીતીશકુમારના જેડીયુ અને લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એ ૨૦૧૫ ની વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડી હતી, બહુમતી મેળવી હતી અને સરકાર બનાવી હતી. આ ગઠબંધન ૨૦૧૭ માં તૂટી ગયું હતું. નીતીશ કુમાર પલટી મારીને NDAમાં જોડાઈ ગયા હતા અને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહ્યા હતા. ૨૦૨૨માં તેમણે ફરી વાર પલટી મારી હતી અને આરજેડી સાથે મળીને સરકાર બનાવી હતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપનો મુકાબલો કરવા માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહેલા ચહેરાઓમાં નીતીશકુમારને એક મહત્ત્વપૂર્ણ નેતા માનવામાં આવતા હતા.

કદાચ તેઓ મોદી સામે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર થાય તેવી સંભાવના હતી, પરંતુ જાન્યુઆરી ૨૦૨૪ માં તેઓ ફરી એકવાર NDA માં જોડાયા હતા અને RJD થી અલગ થઈ ગયા હતા. ૨૦૨૫ની ચૂંટણી પહેલા પણ અટકળો ચાલી રહી હતી કે નીતીશ કુમાર ગમે ત્યારે ભાજપ સાથેનો છેડો ફાડી શકે છે. ભાજપ બિહારમાં પોતાના બળ ઉપર સરકાર બનાવવા માગે છે અને પોતાનો મુખ્ય મંત્રી બનાવવા માગે છે, પણ બિહારમાં નીતીશકુમારનું કદ એટલું મોટું છે કે ભાજપની તે ઇચ્છા પૂરી થતી નથી.

બિહારમાં વિધાનસભામાં કુલ ૨૪૩ બેઠકો છે અને સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ કે ગઠબંધન પાસે ૧૨૨ બેઠકો હોવી જરૂરી હોય છે. બિહારમાં હાલમાં NDAની સરકાર છે, જેમાં JDU અને ભારતીય જનતા પાર્ટી તેના ઘટક પક્ષો છે અને RJDના તેજસ્વી યાદવ બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે. હાલમાં બિહાર વિધાનસભામાં ભાજપ પાસે ૮૦, આરજેડી પાસે ૭૭, જેડીયુ પાસે ૪૫ અને કોંગ્રેસ પાસે ૧૯ ધારાસભ્યો છે.

ભાજપની મજબૂરી છે કે નીતીશકુમારના પક્ષ પાસે માત્ર ૪૫ બેઠકો હોવા છતાં ૮૦ બેઠકો ધરાવતા ભાજપે નીતીશકુમારને મુખ્ય મંત્રી બનાવવા પડે છે. બિહારમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) ના ૧૧ ધારાસભ્યો, હિન્દુસ્તાની અવમ મોરચાના ૪ ધારાસભ્યો, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના ૨ ધારાસભ્યો, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ૨ ધારાસભ્યો, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના ૧ ધારાસભ્યો અને ૨ સ્વતંત્ર ધારાસભ્યો છે.

આ વખતે પણ રાજ્યમાં મહત્ત્વપૂર્ણ મુકાબલો NDA અને મહાગઠબંધન વચ્ચે માનવામાં આવી રહ્યો છે. NDAમાં JDU, BJP, LJP (R), જીતન રામ માંઝીની HAM (સેક્યુલર) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા જેવી પાર્ટીઓનો સમાવેશ થાય છે. મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, સીપીઆઈ (એમએલ), વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી), જેએમએમ અને નેશનલ એલજેપીનો સમાવેશ થાય છે. અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ AIMIM બંનેમાંથી કોઈ પણ ગઠબંધનનો ભાગ નથી. ૨૦૨૦ની ચૂંટણીમાં તેમની પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી, પરંતુ તેના ચાર ધારાસભ્યો પાછળથી RJDમાં જોડાઇ ગયા હતા.

વિધાનસભાની ચૂંટણી નજીક છે તો પણ એનડીએ કે મહાગઠબંધન બંનેમાંથી કોઈએ હજુ સુધી બેઠકોની વહેંચણીના આંકડા જાહેર કર્યા નથી. બે મુખ્ય ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ જોવા મળી રહી છે. બેઠકોની વહેંચણી અંગે અનેક તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. બંને ગઠબંધનમાં નાના પક્ષો પોતાની માનીતી બેઠકો માટે પોતાનો દાવો કરી રહ્યા છે. નીતીશકુમારના ખરાબ સ્વાસ્થ્ય, જેડીયુમાં તેમના ઉત્તરાધિકારી અંગેની અટકળો, પ્રશાંત કિશોરની એન્ટ્રી અને ક્યારેક ચિરાગ પાસવાનના સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાના સમાચારોને કારણે આ વખતની બિહારની ચૂંટણીઓ વધુ રસપ્રદ બની રહી છે.

નીતિશકુમારથી અલગ થયા પછી પોતાની પાર્ટી બનાવનાર પ્રશાંત કિશોરને જ્યારે એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તેમને કેટલી બેઠકો જીતવાનો વિશ્વાસ છે, ત્યારે તેમણે કહ્યું કે તેમનો પક્ષ કાં તો ટોચ પર હશે અથવા નીચે. તેમની પાર્ટી બધી ૨૪૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે અને બેરોજગારી, સ્થળાંતર અને શિક્ષણના મુદ્દાઓ પર ચૂંટણી લડશે. પ્રશાંત કિશોરને બહુમતી મળે તેવી કોઈ આશા નથી, પણ જો ત્રિશંકુ વિધાનસભા રચાય તો તેમના પાસે હુકમનું પાનું આવી જશે. બિહારમાં વધુ એક નવી પાર્ટીનો ઉદય થયો છે. ત્રણ મહિના પહેલાં આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવે ફેસબુક પોસ્ટને કારણે તેમના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. હવે તેમણે પોતાની પાર્ટી બનાવી છે, જેનું નામ જનશક્તિ જનતા દળ છે. આ પાર્ટી વધુ બેઠકો નહીં મેળવી શકે તો પણ આરજેડીની બેઠકો તોડવાનું કામ જરૂર કરશે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA એમ કહીને ચૂંટણી લડી રહ્યું છે કે તેણે રાજ્યનો દરેક રીતે વિકાસ કર્યો છે અને યુવાનોને રોજગાર આપવાની સાથે તેણે છોકરીઓ અને મહિલાઓ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. તે જ સમયે, મહાગઠબંધન રોજગાર, પેપર લીક અને SIR જેવા મુદ્દાઓ પર NDA ને ઘેરી રહ્યું છે અને યુવાનોને સરકારી નોકરીઓ અને રોજગાર સર્જન સહિત અનેક વચનો આપી રહ્યું છે. રાજ્યમાં તેજસ્વી યાદવ સાથે મત અધિકાર યાત્રાનું આયોજન કરતી વખતે રાહુલ ગાંધીએ વારંવાર SIR અને મતચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મતચોરીનો મુદ્દો મતદારોને કેટલો પ્રભાવિત કરી શકે છે, તેની કસોટી પણ બિહારની ચૂંટણીમાં થવાની છે.

જો કે, ભાજપ અને જેડીયુ તેને વિપક્ષી પક્ષોનું રાજકારણ ભયાવહ ગણાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે જો મહાગઠબંધન સરકાર બનશે તો રાજ્યનો વિકાસ અટકી જશે અને ફરી જંગલ રાજ આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનડીએને વિજય અપાવવા પોતાની તમામ તાકાત કામે લગાવી રહ્યા છે. નીતીશ કુમારની તાકાત તેમની ઓબીસી મતબેન્ક છે. જો નીતીશ કુમારનો પક્ષ ગયા વખત જેટલી બેઠકો મેળવવામાં નિષ્ફળ જાય તો ભાજપ તેમને મુખ્ય મંત્રીની ખુરશી ન આપે તેવું બની શકે છે. હંમેશ મુજબ નીતીશકુમાર મુખ્ય મંત્રીની ખુરશી ટકાવવા બધા વિકલ્પો ખુલ્લા રાખશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top