Comments

શિક્ષણમાં અમેરિકાની નકલ કરવા કરતાં યુરોપમાંથી પ્રેરણા લેવી વધારે સારી

વેકેશન હવે છેલ્લા તબક્કામાં છે. ચોમાસું ઉનાળાને પલાળી ગયું છે. જૂન મહિનો માતા-પિતા માટે જાલીમ હોય છે. કારણ કે હવે આપણે ત્યાં શાળાઓ ખૂલે છે કે બજાર? એ હવે નક્કી કરવું મુશ્કેલ છે. શિક્ષણ મોંઘું થતું જાય છે. ખાસ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં આપણે સાવ જ વિદેશી થતાં જઈએ છીએ. નાનાં-નાનાં ગામડાં, તાલુકા પ્લેસમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલી ગઈ છે. શાળા સંચાલકો બાળકો ઉઘરાવવા બસોની વ્યવસ્થા પણ ગોઠવી નાખે છે.

આપણે અમેરિકાની બજારુ શિક્ષણ વ્યવસ્થાથી વધારે પ્રભાવિત છીએ. આપણો પોતાનો દંભ જીવતો રાખવા વાર તહેવારે ‘મૂલ્ય શિક્ષણ’ની વાતો કરીએ છીએ પણ શિક્ષણમાં નૈતિક મૂલ્યોનું સદંતર પતન થયું છે. ગીતા ભણાવો, યોગ શિખવાડો, સંસ્કાર શિક્ષણ આપો, ઉત્સવ યોજો એવો દેખાડો કરીએ છીએ પણ વાસ્તવમાં અંગ્રેજી માધ્યમમાં માત્ર વ્યવસાયલક્ષી હેતુથી જ બાળકોને ભણાવાય છે. માટે જ દસમા-બારમાની બોર્ડની પરીક્ષા આપનાર બાળકને માતૃભાષામાં માત્ર પાસ થવા પૂરતી જ તૈયારી કરવાનું કહેવાય છે અને જે ‘મૂલ્યો’ સંસ્કાર, પરંપરા શિખવાડવાં છે તે તો ભાષાના અભ્યાસ વગર આવવાના જ કયાંથી છે? બાળકોને વિજ્ઞાન-પ્રવાહમાં ભણાવવા મા-બાપ થનગને છે પણ તેનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે નહીં, તે ડોકટર કે એન્જિનિયર બની સુખ-સમૃદ્ધિમાં આળેટે તે માટે! આ અભિગમ અમેરિકાના બજારવાદનો છે!

વ્યક્તિ તો વ્યવસાયલક્ષી વિચારે જ! શિક્ષણના મૂળ બે જ હેતુ છે. કાં તો માત્ર જ્ઞાન માટે જ્ઞાન અથવા અર્થોપાર્જન માટે જ્ઞાન. વ્યક્તિ વ્યવસાયલક્ષી વિચારે પણ શિક્ષણની આપણી વ્યવસ્થા જ વેપારી મૂલ્યો મુજબ ચાલે તે બજારવાદની આડ અસર છે! માટે જ સરકાર નાના ટેનામેન્ટમાં,શોપિંગ કોમ્પલેક્ષના બીજા-ત્રીજા માળે શાળા કોલેજોને મંજૂરી આપે છે. વળી, શાળા કોલેજની મંજૂરીમાં પ્રથમ શિક્ષકો અને અધ્યાપકો હોવા જરૂરી નથી. પ્રથમ જરૂરી છે પ્રોપર્ટી! તમારી પાસે મકાન અને મૂડી છે તો તમને શાળા કોલેજ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે અને એક વાર મંજૂરી મળે પછી તમે ઓછા પગારે શિક્ષકો અને તગડી ફી સાથે વિદ્યાર્થીઓ રાખી શકશો.

ભારતમાં 2020માં નવી શિક્ષણનીતિનો અમલ કરવામાં આવ્યો છે. જેમાં આદર્શોની રીતે ઘણી સારી વાતો છે. પણ અમલની રીતે અમેરિકાની બજાર ફ્રેન્ડલી નીતિ છે. આખી શિક્ષણનીતિમાં શિક્ષણના સમયગાળા, શાળા કોલેજોની મંજૂરી, ગુણવત્તાની ચકાસણી માટે કશું જ નથી. નવી શિક્ષણનીતિ આવી તે પહેલાં જ ભારતમાં સેમેસ્ટર પ્રથા આવી ગઇ હતી અને સેમેસ્ટર પ્રથાના ગુણદોષની કે છેલ્લાં દસ પંદર વર્ષના અનુભવની કયાંય ચર્ચા જ નથી!

આપણે નાણાંનીતિ હોય, વ્યાપાર હોય, બુલેટ ટ્રેન જેવા માળખાકીય સુવિધાના નિર્ણયમાં વિદેશી મોડલનું અનુકરણ કરીએ છીએ. આપણા નેતાઓ, અધિકારીઓ, વારતહેવારે વિદેશ પ્રવાસ કરે છે. જો તેઓ દેશ-વિદેશમાં શું સારું છે તે જુએ છે તો તેમણે અમેરિકાની સાથે યુરોપમાં પણ જવું જોઇએ! (જાય જ છે!) યુરોપના ‘ફીનલેન્ડ’ની શિક્ષણ વ્યવસ્થાના વાર-તહેવારે સમાચારો છપાતા રહે છે. યુરોપના મોટા ભાગના દેશોમાં પ્રાથમિક શાળાઓ સરકારી અને માતૃભાષામાં જ શિક્ષણ આપે છે. ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ છે. પણ જે તે દેશની માતૃભાષા તો ભણાવાય જ છે!

અગાઉ આ લેખમાં લખ્યું હતું તેમ દુનિયાભરમાં દ્વિભાષા પોલીસી સ્વીકારાઈ છે. મધરટંગ અને અધરટંગ! બાળક સાથે બધે જ માતૃભાષામાં જ વ્યવહાર થાય છે. બાળકોને સાચવવાના, રમાડવાના, પૌષ્ટિક આહારના તમામ નિયમોનું કડકાઈથી પાલન થાય છે! ખાનગી શાળાઓ જે પ્રમાણમાં ખૂબ ઓછી છે તે વાજબી ફી થી જ ભણાવે છે અને સૌથી અગત્યનું એ કે તમે શાળા કોલેજમાં ગુણવત્તા વગરના શિક્ષકો રાખી શકતાં જ નથી અને પગાર નિયમથી ઓછો આપી શકાતો જ નથી. ગુજરાતમાં ગિજુભાઈ બધેકા કે મેડમ મોન્ટેસરીની વાતો હવે વિસરાઈ ગઇ છે. સંપૂર્ણ ગાંધીવાદી સંસ્થાઓ કે ધાર્મિક આગેવાનોએ ‘ગુરુકુળ’ જેવાં નામોથી ચાલતી શાળાઓમાં પણ ‘ઈન્ટરનેશનલ સ્કૂલ’ ના નામે ગોખણિયું જ્ઞાન અપાઈ રહ્યું છે!

માટે વેકેશન ખૂલવામાં હોય ત્યારે બાળકો ભલે શિક્ષણની ચિંતા કરે, વાલીઓ- સારા શાળા સંચાલકો અને સરકારમાં બેઠેલા નિસ્બત ધરાવતા અધિકારીઓ શિક્ષણની વ્યવસ્થા વિષે નિસ્બતપૂર્વક વિચારીએ. શું આપણે માતૃભાષામાં શિક્ષણનું મહત્ત્વ પ્રજાને સમજાવી શકીશું? શિક્ષણના વ્યવસાયમાં ‘વેપાર’ માટે નહીં પણ ‘સામુહિક જરૂરિયાત’ની વધુ વાજબી ભાવે પૂરી પાડનારાં લોકોનો મહિમા કરી શકીશું? શું સરકાર સરકારી શાળાઓની કાયાપલટ દ્વારા ખાનગી શાળાઓ સામે સારી સ્પર્ધા પૂરી પાડી શકશે? નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે વ્યાયામશિક્ષક, ચિત્રશિક્ષક, ભાષા અને વિજ્ઞાનનાં શિક્ષકોની પૂર્તિ રૂપિયામાં ભરતી થશે? શું નવા શૈક્ષણિક સત્ર માટે આપણે ખરેખર તૈયાર છીએ?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top