surat : કોવિડ-19 ( covid 19) ની મહામારીને પગલે દેશ આખામાં ભેદી રીતે કાળી ફૂગવાળો રોગ મ્યુકરમાઈકોસિસ ( mucormycosis) ભયાનક પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. પરંતુ કોવિડ-19 બાદ દર્દીઓને આ રોગ શા કારણથી થઇ રહ્યો છે તેના ઠોસ તથા પાકા કારણો જાણવા હજી તજજ્ઞો અને તબીબો મથી રહ્યા છે. રોજે- રોજ તે અંગે દેશ-દુનિયાના વિવિધ નિષ્ણાતો અને તબીબો તરફથી તેમના અવલોકનો અને અભ્યાસને આધારે નવા નવા અનુમાન, તર્કો અને તારણો આવી રહ્યા છે.
દર્દીને કોવિડ દરમ્યાન ઑક્સીજન ( oxygen) આપવા વપરાતું ઉપકરણ અશુદ્ધ હોવાથી, ઑક્સિજન આપતી વખતે વપરાતું પાણી અશુદ્ધ હોવાથી, કોવિડ દરમ્યાન સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ કરવાથી, ભીના કે ભેજવાળા કે વારંવાર એકના એક માસ્ક પહેરવાથી, આનિયંત્રિત ડાયાબિટીસને લીધે, કોવિડથી પેનક્રીયાસ (સ્વાદુપિંડ) પર અસર થતી હોવાથી, ઇમ્યુનિટી વધારવા ઝીંક અને આયર્ન નો વધુ પ્રયોગ થતો હોવાથી જેવા અનેક તારણો મ્યુકરમાઇકોસિસ માટે કારણભૂત હોવાના તર્કો વહેતા થયા છે. હાલમાં જ એક અહેવાલ મુજબ દિલ્હીની હોસ્પિટલના કેટલાક નિષ્ણાત તબીબોએ કોવિડના દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસ વધુ પ્રમાણમાં દેખાવવા પાછળ એક ચોંકાવનારું તારણ આપ્યું.
તેમના મુજબ કોવિડના ટેસ્ટમાં વપરાતા સ્વોબ (સળી) મ્યુકરમાઇકોસિસના ફેલાવવા પાછળ જવાબદાર હોવાનું તારણ આપ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે અશુદ્ધ સ્વોબ નાક કે મોઢામાં નાંખી કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લેવાથી આ ફૂગના રોગનો ચેપ લાગતો હોય શકે. જોકે, સ્થાનિક નિષ્ણાતોએ આ સ્વોબ ટેસ્ટવાળા તર્કને પાયવિહોણો ગણાવી તેનો છેદ ઉડાવી દીધો હતો. સ્થાનિક તજજ્ઞોને મતે આ તર્કો હજુ અપૂર્ણ અભ્યાસ પર આધારિત અનુમાનો હોવાથી આગળ જતાં તેમાના મોટાભાગના ખોટા સાબિત થઈ શકે છે.
—–બોક્સ—–
લોકો કોવિડ ટેસ્ટ કરાવે, કશું થવાનું નથી: ડો. ફરિદા વાડિયા
કોવિડમાં જે ટેસ્ટ કરવામાં આવે છે તેમાં જે સ્વોબ (સળી) વપરાય છે તેને કારણે મ્યુકરમાઇકોસિસ થઇ રહ્યા હોવાના તર્કને શહેરમાં ચાલીસ વર્ષનો તબીબ અનુભવ ધરાવતા ઇએનટી (કાન, નાક, ગળાના)સ્પેશયાલિસ્ટ ડો. ફરિદા વાડિયાએ હાસ્યાસ્પદ લેખાવી છે. સાથે આવા પાયવિહોણા તર્કથી લોકોને નહી ડરવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કોવિડ ટેસ્ટ કરાવાથી કઇ જ થતુ નથી તેની બાંયધરી ડો. વાડિયા દ્વારા આપવામાં આવી છે.
આ મામલે મ્યુકરમાઇકોસિસ થવા પાછળ રોજ નવી વાત આવી રહી છે. તેમણે જણાવ્યુ કે કોવિડ19માં અને તેમાયે ડાયાબિટીસવાળા કે અન્ય બીમારીવાળા દાદર્દીની રોગ પ્રતિકારક શકિત સાવ ખલાસ થઇ જાય છે. હાલમાં આટલું જ તારણ દેખીતી રીતે જણાય રહયું છે. તે સિવાય જે રોજ અલાયદી વાતો આવી રહી છે તેમાં તથ્ય વગરની છે. આવી વાતોથી ગભરાવવુ નહી. માસ્ક પહેરવાથી પણ કોવિડ થતો નથી. આમ મ્યુકરમાઇકોસિસ શા માટે થાય છે તે અંગેના ઠોસ કારણ કળતા હજુ વધારે સમય લાગી શકે છે.
—–બોક્સ—–
મ્યુકરમાઈકોસિસ કેમ થાય છે તે લીંક હજુ પકડાઇ રહી નથી : ડો. સમીર ગામી
શહેરના જાણીતા શ્વસનતંત્રના નિષ્ણાત ડો. સમીર ગામીએ જણાવ્યું કે મ્યુકરમાઈકોસિસ થવા પાછળના કારણની ચોક્કસ લીંક હજુ પકડાઇ રહી નથી. જોકે, નેવુ ટકા કેસમાં એક બાબત સામાન્ય આવે છે તે છે ડાયાબિટીસ. ડાયાબિટીસ હોય તેવા દર્દીઓમાં આ રોગ વધારે જોવા મળ્યો છે. મ્યુકરમાઈકોસિસમાં તે સિવાય કોઇ લીંક કન્ફર્મ થઇ રહી નથી. આ ઉપરાંત મ્યુકરમાઈકોસિસના ચેપ અંગે હાલમાં જે તારણો સામે આવી રહ્યા છે તેમાંના મોટા ભાગણને હજુ માત્ર તર્કો જ ગણી શકાય. મારા મંતવ્ય મુજબ કોરોનના ટેસ્ટ માટે વપરાતા સ્વોબ (સળી) નાક કે મોઢામાં નાંખવાથી આ ફૂગનો રોગ થતો હોવાની કોઈ સંભાવના હું જોતો નથી. એ તર્કમાં તથ્ય જણાતું નથી. જયા સુધી કોરોના બાદ થતાં આ રોગને ચોક્કસ સમય થશે નહીં અને અનેક કેસો પર અભ્યાસ થશે નહી ત્યાં સુધી તેના ચોક્કસ કારણો મેળવવા કપરાં છે.
—–બોક્સ—–
ફંગસ ફેલાવવા માટે હાલનું વાતાવરણ વધારે કારણભૂત છે. : ડો. ચિરાગ છતવાણી
ડો ચિરાગ છતવાણી, કે જેઓ ચેપી રોગના નિષ્ણાત છે અને કોવિડની સારવાર માટે નામના પામ્યા છે તેઓએ જણાવ્યું કે, ફંગસ ફેલાવવા માટે ભારતનું હાલનું વાતાવરણ વધારે કારણભૂત હોઈ શકે છે. હાલમાં વધુ પડતી સ્ટીમ (નાસ) લેવાથી નાકમાં થઇ રહેલા નુકસાનને કારણે મ્યુકરમાઈકોસિસ થવાની શકયતા વધારે જણાય છે. સ્ટીમ લેવાને કારણે નાકની નેઝલ કેવિટીને ભારે નુકસાન થાય છે તેમાં મ્યૂકોસાને નુકસાન થાય છે. તે ઉપરાંત ઓકિસજન ડાઉન થતાં વધુ પડતું સ્ટીરોઇડ અપાતું હોય છે તે પણ નુકસાન માટે કારણભૂત હોય શકે છે. કોવિડ અટકાવવા બેફામ ઝીંકનો પ્રયોગ પણ જોખમી સાબિત થઈ શકે. ફેફસા અને સાયનસમાં કોવિડને કારણે ભારે નુકસાન થાય છે. આ બધા કારણોસર બોડી ઇમ્યુનિટી ડાઉન થાય છે. તેને કારણે ફંગલ કે કોઈ પણ ઇન્ફેકશન થવાની શક્યતા વધે છે. આ બધા કારણોસર પણ મ્યુકરમાઈકોસિસનો ચેપ સહેલાઇથી લાગવાના બનાવો વધ્યાઆ હોય શકે. બાકી કોવિડ માટે સ્વોબ ટેસ્ટ કરાવવાથી મ્યુકરમાઇકોસિસ થાય એ થીયરી મને શંકાસ્પદ લાગે છે.